Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોટ ચોરીના મુદ્દે રાહુલ ગાંધીએ રાયબરેલીથી ફરીથી ભારતીય જનતાપક્ષ મતોની ચોરી કરીને સત્તા મેળવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો અને તેના સંદર્ભે કહ્યું કે વોટ ચોરીનો હાઈડ્રોજન બોમ્બ આવવાનો છે, અને તે પછી બધું જ સાફ થઈ જશે !
બીજી તરફ શાસક પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી પર પાર્ટ ટાઈમ પોલિટિક્સનો આક્ષેપ લગાવી રહ્યા હતા. આ આક્ષેપો પર મહોર લગાવવી હોય તેમ સીઆરપીએફના વીવીઆઈપી સુરક્ષાની જવાબદારી સંભાળતા ઉચ્ચ અધિકારીએ એક લેટર બોમ્બ ફોડ્યો છે. મીડિયા અહેવાલો મુજબ રાહુલ ગાંધીને સરકરી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરવામાં આવતા પ્રોટોકોલ્સ અથવા સુરક્ષાના ધારા-ધોરણોનું પાલન તેઓ કરી રહ્યા નથી. રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સિક્યોરિટી આપેલ હોવાથી તેઓએ નિયત ધારા-ધોરણો અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ, જે કરી રહ્યા નથી. એવો આક્ષેપ કરાયો છે કે સુરક્ષા ટીમને નિયમાનુસાર જાણ કર્યા વગર ૬ વખત વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા.
અત્રે એ ઉલ્લેખનિય છે કે બિહારમાં વોટ ચોરીનો મુદ્દો ચગાવીને રાહુલ ગાંધીએ એનડીએ સામે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો અને મતદાર અધિકાર યાત્રા પણ કાઢી હતી, જેને વ્યાપક જનસમર્થન મળ્યું હોવાના દાવા પણ કરાયા હતા, પરંતુ રાહુલ ગાંધી તે પછી અચાનક જ વિદેશ પ્રવાસે જતા રહ્યા હતા અને આ રીતે પાર્ટ ટાઈમ પોલિટિક્સ કરવા સામે એનડીએના નેતાઓ રાહુલ ગાંધી પર વ્યંગ કરી રહ્યા હતા. તે ચર્ચાને સીઆરપીએફ તરફથી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ઉદૃેશીને લખાયેલા કથિત પત્ર પછી નવો જ ટ્વીસ્ટ આવ્યો છે અને વિદેશયાત્રામાંથી પરત ફરીને તરત જ સક્રિય થઈ ગયેલા રાહુલ ગાંધી વધુ આક્રમક થઈ ગયા હોય તેમ જણાય છે. ખાસ કરીને તેજસ્વી યાદવ સાથે મળીને બિહારમાં એનડીએને પછાડવાની દિશામાં તેઓ યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા હોય તેમ જણાય છે.
રાહુલ ગાંધીએ બિહારમાં મતદાર અધિકારયાત્રા કાઢી અને તેને સારો એવો પ્રતિસાદ મળ્યા પછી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષના ગઠબંધનમાં કોંગ્રેસની કમ-સે-કમ ૬૦ બેઠકો ફાળવવામાં આવે, તેવી ઈચ્છા વ્યક્ત થયા પછી આરજેડીમાં હલચલ છે. આરજેડી કોંગ્રેસને વધુમાં વધુ ૫૦ બેઠકો ફાળવવા માંગે છે, તેથી ખેંચતાણ ઊભી થતા બિહાર એનડીએના પ્રાદેશિક નેતાઓ ગેલમાં આવી ગયા હતા, પરંતુ વિપક્ષી ગઠબંધનના વર્તુળોએ સંકેતો આપ્યા છે કે કોંગ્રેસ-આરજેડી વચ્ચે વચલો માર્ગ શોધવાના પ્રયાસો સફળ થવા જઈ રહ્યા છે. હકીકતે બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ અને સાથીદાર પક્ષોને ફટકો આપવા રચાયેલું વિપક્ષી ગઠબંધન મજબૂત બની રહ્યું છે. કોંગ્રેસ ગત ચૂંટણીમાં ૭૦ બેઠકો પર લડી હતી, તે લક્ષ્યમાં રાખવા કોંગ્રેસ જણાવી રહી છે, જ્યારે આરજેડી તથા સાથીદાર અન્ય પક્ષો ગત ચૂંટણીમાં વિવિધ પક્ષોએ જીતેલી બેઠકો તથા તેની ટકાવારી લક્ષ્યમાં લઈને બેઠકોની વહેંચણી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...
આ તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ જૂનાગઢમાં એક તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તે સમયે તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવ્યા હતા અને (કોઈનું નામ લીધા વિના) કહ્યું હતું કે "એ" બંને લોકતંત્રને બચાવવા ઈચ્છતા નથી. કોંગ્રેસની મુખ્ય ચિંતા બંધારણ અને લોકતંત્રને બચાવવાની છે. લોકતંત્રમાં ચૂંટણી લડવી એ સામાન્ય બાબત છે, ગુજરાતની ભૂમિએ ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓ આપ્યા, તેના કારણે જ આજે દેશ સ્વતંત્ર અને એકજૂથ છે.
હકીકતે જૂનાગઢમાં ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ. થયેલી ૧૦ દિવસીય તાલીમ શિબિરના ઉદ્ઘાટન દરમ્યાન ખડગેએ જે કાંઈ કહ્યું, તે ગુજરાત કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોમાં નવો જુસ્સો ભરવાનો પ્રયાસ જણાતો હતો. આ શિબિરમાં સમાપન સમયે રાહુલ ગાંધી પણ સંબોધન કરશે, તેવા એંધાણ મળતા જ કોંગ્રેસના કાર્યકરોમાં પોત્સાહક પ્રતિભાવો મળવા લાગ્યા હતા. આ તાલીમ શિબિર દરમ્યાન ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખો તથા શહેર પ્રમુખોને વર્ષ-૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારની તાલીમ અપાઈ રહી હોવાનું જણાવાઈ રહ્યું છે, જે કોંગ્રેસની ગુજરાતમાં આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસની સતર્કતા અને સક્રિયતા જણાવે છે. જૂનાગઢનું સંમેલન વર્ષ-૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીનો રોડ-મેપ તૈયાર કરશે, તેમ જણાય છે.
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પણ વોટ ચોરી જેવો જ આક્ષેપ લગાવાયો છે. એવું કહેવાય છે કે આ આક્ષેપ તૃણમુલ-કોંગ્રેસના સાંસદે લગાવ્યો છે અને કહ્યું છે કે વોટ ચોરી અને વોટ ખરીદી કરીને એનડીએ ચૂંટણીઓમાં વિજય મેળવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનાર વિપક્ષી સાંસદો પાછળ રૂ.ા. ૧૫ થી ૨૦ કરોડનો ખર્ચ થયો હોવાનો અને આ રીતે વોટ ખરીદીનો આક્ષેપ થયા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એન.ડી.એ ના નેતાઓ અને પ્રવક્તાઓ આ આક્ષેપો તદૃન બિનપાયેદાર અને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. હાઈડ્રોજન બોમ્બ અંગે શાસક જૂથ કહે છે કે પાકિસ્તાનપ્રેમી નેતાઓને તો બોમ્બની ભાષા જ આવડેે ને ?
આ તમામ ઘટનાક્રમોનો સારાંશ એ નીકળે છે કે લેટર બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ પછી હવે ક્યા પ્રકારનો નવો બોમ્બ રાજકીય ક્ષેત્રને હચમચાવી નાખશે અને તે બોમ્બ કોના તરફથી ફેંકાશે, તે જોવાનું રસપ્રદ રહેશે; અત્યારે એનડીએના વર્તુળો એવો જોરદાર પ્રત્યુત્તર પાઠવી રહ્યા છે, જે કદાચ બૂમરેંગ પણ પૂરવાર થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial