Advertisement
Author: નોબત સમાચાર

સુરતના ચકચારી અપહરણ-ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય સહિતના ૧૪ આરોપી દોષિત

અમરેલીના તત્કાલિન એસપી, પીઆઈ અને ૧૦ પોલીસકર્મીની પણ સંડોવણી ખૂલી હતીઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૯: સાતેક વર્ષ પહેલાં સુરતની એક પેઢીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયા મેળવ્યા પછી પોબારા ભણ્યા હતા. તે પછી એક બિલ્ડરે પોતાની રકમ કઢાવવા આ પેઢીના કર્મચારીઓ, હોદ્દેદારનું અપહરણ કરી પોતાની રકમ કઢાવી હતી અને આ બિલ્ડરનું વર્ષ ૨૦૧૮માં અમરેલીના પૂર્વ એસપી, પૂર્વ એલસીબી પીઆઈ, પૂર્વ ધારાસભ્ય સહિતના વ્યક્તિઓના ઈશારે અપહરણ કરી રૂ.૯ કરોડના બિટકોઈન પડાવાયા હતા અને ૩ર કરોડની ખંડણી મંગાઈ હતી. તેની ફરિયાદ થયા પછી ૧૪ આરોપીની ધરપકડ થઈ હતી. અદાલતે પૂર્વ એસપી, પૂર્વ ધારાસભ્ય સહિતના ૧૪ને તક્સીરવાન ઠરાવતા ખળભળાટ મચી ગયો છે.

દેશમાં વર્ષ ૨૦૧૬માં લાદવામાં આવેલી નોટબંધી પછી કેટલાક આસામીઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું શરૂ કર્યંુ હતું. તે દરમિયાન સુરતમાં બિટકનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે લોકોને આકર્ષી રોકાણ મેળવ્યા પછી કંપનીને તાળા મારી દીધા હતા.

તે કંપનીમાં સુરતના શૈલેષ ભટ્ટ નામના આસામીએ પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પેઢીને બંધ કરી દેવામાં આવતા શૈલેષના પૈસા ડૂબી ગયા હતા. તે પછી શૈલેષે પોતાના મળતીયાઓને સાથે રાખી બિટકનેક્ટ કંપનીના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યા પછી તેઓ પાસેથી બિટકોઈન, લાઈટ કોઈન અને કરોડો રૂપિયા પડાવી લીધા હતા.જેની શરૂ થયેલી ચર્ચા પછી વર્ષ ૨૦૧૮માં સુરતના બિલ્ડર એવા શૈલેષ ભટ્ટનું જે તે વખતના અમરેલીના પોલીસ અધિક્ષક (એસપી) જગદીશ પટેલ, એલસીબી પીઆઈ અનંત પટેલ તેમજ તત્કાલિન ધારાસભ્ય (ભાજપ) નલીન કોટડીયાએ અન્ય વ્યક્તિઓને સાથે રાખી અપહરણ કરાવી લીધુ હતું.

તે પછી શૈલેષને ગાંધીનગર નજીક લાવી તેની પાસેથી રૂ.૯ કરોડની કિંમતના ૧૭૬ના બિટકોઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ૩૨ કરોડ રૂપિયાની ખંડણી મંગાઈ હતી. તે બાબતની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થતાં સીઆઈડી ક્રાઈમે અમરેલી એલસીબીના તત્કાલિન પીઆઈ અનંત પટેલ, અમરેલીના એસપી જગદીશ પટેલ, સુરતના વકીલ કેતન પટેલ તેમજ દસ પોલીસ કર્મચારી સામે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં અમરેલીના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું પણ નામ ખૂલતા કુલ ૧૪ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. તમામ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો અને અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કાર્યરત એસીબીની ખાસ અદાલતમાં કેસ મૂકવામાં આવ્યો હતો.

આ કેસમાં સરકાર તરફથી ખાસ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિયુક્તિ કરાઈ હતી. તે કેસ શરૂ થયા પછી બંને પક્ષો દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. તે દરમિયાન સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, સીબીઆઈના પીઆઈ સુનિલ કુમારે શૈલેષ ભટ્ટને ઈડી તથા ઈન્કમટેક્સની બીક બતાવી રૂ.૧૦ કરોડની લાંચ માંગી હતી અને બાંધછોડ પછી રૂ.૪ કરોડ ૬૦ લાખ શૈલેષ ભટ્ટે ચૂકવવા પડ્યા હતા.

પહેલી ફરિયાદના અનુસંધાને ચાલી રહેલી દલીલોના અંતે અમદાવાદની સેશન્સ કોર્ટે આજે અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, એલસીબીના તે વખતના પીઆઈ અનંત પટેલ, અમરેલીના ભાજપના તે વખતના ધારાસભ્ય નલીન કોટડીયા સહિત ૧૪ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા છે.

ઉપરોક્ત સમગ્ર બનાવમાં અમરેલીના ભાજપના ધારાસભ્ય નલીન કોટડીયાની ભૂમિકા ફીક્સર તરીકે ઉભરી આવી હતી. ફરિયાદ થયા પછી તેઓ લાંબા સમય સુધી પોલીસને હાથતાળી આપતા રહ્યા હતા. સીઆઈડી ક્રાઈમે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તે પછી મહારાષ્ટ્રના ધુલીયા નજીકથી નલીન કોટડીયાની ધરપકડ કરાઈ હતી. રિમાન્ડ પર લેવાયેલા આ આરોપીને ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૧૯ના મે મહિનામાં જામીનમુક્ત કર્યા હતા. બિલ્ડર શૈલેષનું જે તે વખતે સરકારી વાહનમાં અપહરણ કરાયાની કેફિયત આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh