Advertisement
Author: નોબત સમાચાર

કચ્છના છારીઢાંઢને મળ્યું રામસર સાઈટમાં સ્થાન

મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં વૈશ્વિક રામસર સાઈટનું પ્રમાણપત્ર સોંપ્યુ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૧: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છારીઢાંઢને મળેલું વૈશ્વિક સાઈટનું પ્રમાણપત્ર વિધિવત અર્પણ કર્યું હતું.

ગાંધીનગર તા. ૧૦: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છારીઢાંઢને મળેલું વૈશ્વિક સાઈટનું પ્રમાણપત્ર વિધિવત અર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશીતાના પરિણામે કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં (રામસર સાઇટ)સ્થાન મળ્યું છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે 'રામસર સાઇટ' (આંતરરાષ્ટ્રીય મહત્વનું ધરાવતો જળપ્લાવિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું છે.

તાજેતરમાં વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને છારીઢાંઢને મળેલા વૈશ્વિક રામસર સાઇટનાં પ્રમાણપત્રને વિધિવત રીતે અર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ મંત્રી અને સમગ્ર વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છારીઢાંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તાર તરીકે 'રામસર' સાઇટનું પ્રમાણપત્ર મળ્યું છે.

છારીઢાંઢ રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તાર છે, જ્યાં દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે. તેમાં વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા ગ્રે હાયપોકોલિયસ પક્ષીનો સમાવેશ થાય છે.

અહીં મહત્વની વાત નોંધવી રહી કે, વર્ષ ૨૦૦૮માં, જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની જોગવાઈઓ હેઠળ છારીઢાંઢને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના સરંક્ષણ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા અને આજે તેના ફળસ્વરૂપે, છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી. છારીઢાંઢ વિશ્વભરના પક્ષીપ્રેમીઓ અને  સંશોધકો માટે પસંદગીનું સ્થળ બની ગયું છે.

વિવિધ દેશોનાં પ્રવાસી ઓને ભારતમાં લાવવા માટે કામ કરતા ટૂર ઓપરેટર્સ અને પક્ષિવિજ્ઞાનીઓનાં જણાવ્યા મુજબ, છાંરીઢાંઢમાં આવતા કુલ પ્રવાસીઓમાં ૮૦ ટકાથી વધુ પ્રવાસીઓ વિદેશથી આવે છે.

વિદેશથી આવતા પ્રવાસીઓમાં મુખ્યત્વે અમેરિકા, ઇંગ્લેન્ડ, અને ઓસ્ટ્રેલિયા તથા ફિનલેન્ડ, હોલેન્ડ, નેધરલેન્ડ જેવાં નોર્ડિક દેશોનાં પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી બાવન (૫૨)થી વધુ દેશોનાં પ્રવાસીઓ છારીઢાંઢની મુલાકાત લઇ ચુક્યા છે અને આ દેશોમાંથી નિયમીતરીતે આ વિસ્તારની જૈવવિવિધતા જોવા માટે અહીં આવે છે.

છારીઢાંઢનો જળપ્લાવિત વિસ્તાર પક્ષી નિરીક્ષકો માટે મહત્વનું સ્થળ છે. કેમ કે, અહીંયા એક સાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને ૧૮૭થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અહીં નોંધાયા છે.  ખાસ કરીને એક જ સ્થળે ૪૦,૦૦૦થી વધુ કુંજ (કોમન ક્રેન) પક્ષીઓ જોવા મળે છે.

છારીઢાંઢની આસપાસ કુલ ૨૮૩ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં ૧૧ વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને ૯ 'નિયર થ્રેટન્ડ' પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા વન્ય જીવોના સંરક્ષણ માટેના પગલા જૈવિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૦૮માં છારીઢાંઢને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કર્યું હતું. રાજ્યનું આ પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ હતું.

આજે છારીઢાંઢ કચ્છ જિલ્લામાં સર્વાધિક પક્ષી વૈવિધ્ય ધરાવતું સ્થળ છે, જ્યાં ૧૮૭ પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળ્યાં છે. જે રાજ્યની કુલ પક્ષી વૈવિધ્યતાના ૩૫ ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. માત્ર એપ્રિલ ૨૦૨૫માં જ આશરે ૫૦૦થી ૬૦૦ ગ્રે હાયપોકોલિયસ પક્ષીઓ અહીં જોવા મળ્યા હતા. છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તાર ૨૨,૭૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે૧૨ ગામોને આરી લે છે.

આ કારણોથી છારીઢાંઢને 'રામસર સાઇટ' તરીકે પસંદ કરવામાં આવ્યુંકોઇપણ જળપ્લાવિત વિસ્તારને રામસર સાઇટનો દરજ્જો મેળવવતા માટે તેનાં કેટલાક માપદંડોમાંથી પસાર થવું પડે છે. રામસર સાઇટ બનવા માટે જળપ્લાવિત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત નવ માપદંડોમાંથી ઓછામાં ઓછો એક માપદંડ પૂર્ણ કરવો જરૂરી હોય છે. આ માપદંડોને બે મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રતિનિધિત્વ કરતા, દુર્લભ અથવા અનોખા જળપ્લાવિત પ્રકારો અને જૈવ વિવિધતા આધારિત માપદંડો. છારીઢાંઢે તેના દુર્લભ જળપ્લાવિત વિસ્તાર,ઊંચી જૈવ વિવિધતા અને સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર પ્રવાસી પક્ષીઓ માટે મહત્ત્વપૂર્ણ નિવાસસ્થાન હોવાને કારણે રામસર સાઇટનાં માપદંડો પૂર્ણ કર્યા છે.

ગ્રે હાયપોકોલિયસ જેવા દુર્લભ અને વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવતા શિયાળુ પ્રવાસી પક્ષીઓ માટે છારીઢાંઢ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે, સાથે જ અનેક અન્ય જોખમગ્રસ્ત અને સ્થાનિક રીતે મહત્ત્વપૂર્ણ જાતિઓ પણ અહીં જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh