Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વશરામ બાપા ગુસ્સામાં બેઠા હતા અને એ જ વખતે સોમેશ્વર આવ્યો એને આ બધા સોમો જ કહેતા, આટલું સરસ નામ અને ગામના બધા સોમો જ કહે... મુળજી માસ્તર કહે પણ ખરા કે એટલું સરસ શંકર ભગવાનનું નામ છે અને તમે બધાએ બગાડી નાખ્યું... સોમા ને જોઈ વશરામ બાપા તો તાડૂક્યા કે આ તારો ભાઈબંધ ઘનો હજી આવ્યો નહીં,(એનું સાચું પૂરું નામ ઘનશ્યામ) એ નપાવટ નું તું હંમેશા ઉપરાણું તાણે છે પણ જો એના લખણ ઈ નો સુધરે... સોમો કહે બાપા શુ કામ એને વગોવો છો..તમને ખબર છે એ ક્યાં છે? શું કરવા ગયો છે? સાચું કહેજો તમે કોઈ દિવસ જાણવા પ્રયત્ન કર્યો છે? એ શું ભણે છે? કેવી રીતે ભણે છે? બસ જ્યારે જુઓ ત્યારે એની પાછળ જ પડયા હોવ છો, રખડેલ છે, ઘરમાં ટાંટિયો ટકતો જ નથી... એ કાંઈ બોલવા જાય તો તમે કહી દ્યો કે તારે કાંઈ બોલવાની જરૂૂર નથી... મને તારી બધી ખબર પડે છે.. અરે એ તો ઠીક પણ એક દિવસ મુળજી માસ્તર તમને કહેવા આવ્યા કે તમારા ઘનશ્યામે તો કમાલ કરી... ... નામ રોશન કર્યું અને તમે એને બોલવા જ ન દીધો...તમે તાડૂક્યા શું ધમાલ કરી? કોના પર રંગ નાખ્યો? એ છે જ એવો નપાવટ, એ કહેતા હતા કે તમારા ઘનશ્યામે ભણવામાં માર્ક લાવવામાં કમાલ કરી, આખા વિસ્તારમાં અવ્વલ આવી રંગ રાખ્યો.. તમને તો એમ છે કે એ રખડી ખાય છે... એ કાંઈ બોલતો નથી એટલે? હવે તમે કહો છો કે *શહેર માં બે નંબરના આડા અવળા ધંધા કરતો હશે અને અહીંથી એની બહેન જોઈતીને ઘરકામ કરવા રાંધી ખવડાવવા શહેર લઇ ગયો. *તમને જરાય વિચાર નથી આવતો? તમને પહેલેથી જ એના માટે પૂર્વગ્રહ છે.. આ તમારી પગ રીક્ષા ઓલો કાનો લઇ ગયો એમાં તો તમે જાણ્યા વગર કે કોઈને પૂછ્યા વગર ગામ માથે લીધું.. તમે બપોરે સૂઈને ઉઠ્યા પછી આંગણામાં નવી નક્કોર જેવી થઈને ઉભી હતી ત્યારે તમે કીધું કે આ મારી નથી...કાનો કહે કે મેં રીપેર કરી તમારા દીકરા ના કહેવાથી... તોય તમે માનવા તૈયાર નહોતા... આજે તો હું તમને સાચી વાત કહીને જ રહીશ..., વશરામ બાપા સોમેશ્વરની સામે જોઈ જ રહયા... સોમા ના ચહેરા પર એ ગુસ્સો અને લાગણી જોઈ શકતા હતા... એમણે બોલવાનું બંધ કર્યું એ બેય એક બીજાની સામે જોયા કરતા હતા... એ સમયે જીવી બા ત્યાં આવીને બેઠા... સોમા એ કહૃાુકે જીવી બા સારું થયું તમે આવીને બેઠા... આજે તમે પણ સાંભળો કારણ કે તમે હંમેશા ઘનશ્યામ એટલે કે તમારા ઘનાને બાપાની આંખે જ જોયો છે... વશરામ બાપા કહે એ સાચું... પણ મારા ભાઇબંધની વેદના હું જાણું છું... સાંભળો.. એમ કહી એણે વાત માંડી...
આ ઘનો જન્મ્યો ત્યારે તમે રાજી તો થયેલા પણ વિચાર એ આવતો હતો કે આવક તો એવી છે નહીં... આ પગરિક્ષા બસ સ્ટેન્ડે કે રેલવે સ્ટેશને લઈને ઉભા રહો અને જે કમાણી થાય એમાં દિવસના રોટલા પાણી નીકળે.. બીજી બચત શું? એના જન્મ પછી જીવીબા એ બીજાના ઘરના ઠામ વાસીદા કરવાનું શરુ કર્યું જે થોડા પૈસા મળે એમાંથી ઘનાનું કાંઈક થાય... ઘનો એટલે આમ તો ભગવાનનો અવતાર કહેવાય.. એ બહુ નાની ઉંમરે સમજણો થઇ ગયો હતો... એ એના દિલની બધી વાત મને કરતો હતો...આજેય કરે છે.. અમે સાથે ભણવા જતા એ સમયે નાનો હતો તોય કહેતો કે સોમા મારા માં બાપ કેવા મજૂરી કરે છે? મારી માં સાવ રાંક છે.. બાપા ની હાજરીમાં એક કોરે બેઠી હોય બાપા એની સામે જોવે ત્યાં ઉભી થઇ જાય અને કહે કાંઈ જોઈએ છે? હું જોયા કરી કે બાપા મારી માં ને ધમકાવ્યા કરતા હોય મેં ક્યારેય પ્રેમના બે વેણ કહેતા સાંભળ્યા નથી..., જોકે એ પણ પગ રીક્ષા ખેંચી થાકી જતા હોય છે... એ ત્યાં બસ સ્ટેન્ડે ઉભા હોય રીક્ષા માટે પેસેન્જર ન મળે ત્યાં સુધી લોકોના સામાન ઉપાડવાની મજૂરી કરતા હોય ,મને એમ થાય કે હું જન્મ્યો એમાં મારા માં બાપની માથે જવાબદારી વધી ગઈ... બાપા સાંજે થાકીને આવે અને માં ખાવાનું આપે એટલે ખાતા હોય જે આપ્યું હોય એ .. મારી આંખમાં આંસુડાં આવી જાય... મને એમ થાય કે હું જલ્દી મોટો થાઉં અને કમાવા માંડું અને મારા માં બાપને આરામ આપું.. સોમો બોલ્યા કરતો હતો અને વશરામ બાપા અને જીવી બા સાંભળ્યા કરતા હતા... સોમા એ આગળ ચલાવ્યું... બાપા તમને ખબર છે... એ થોડો મોટો થયો..પછી બપોરે સ્કૂલેથી આવી જે કાંઈ ખાવાનું હોય એ થોડું ખાઈ ઘરમાંથી નીકળી જાતો... તમે કહેતા કે સાવ રખડેલ થઇ ગયો છે... ઘરમાં ટાંટિયો ટકતો જ નથી... તમને ખબર છે ? એ ક્યાં જાતો હતો? એ રમવા રખડવા નહોતો જાતો.. એ રેલવે સ્ટેશને મજૂરી કરવા જાતો હતો... પાર્સલ ઓફિસ ના મુકાદમ ને એણે વિનંતી કરી હતી અને એ દયાળુ માણસે અને કામે રાખ્યો હતો... એ મહિને પૈસા આપી દેતો.. એ ભણ્યો ત્યારે તમે કોઈ દિવસ એની ફી ભરી છે? એના નોટ ચોપડા ખરીદ્યા છે? ના ... એ બધો ખર્ચ એની મજૂરીમાંથી કાઢતો હતો... એ મુકાદમ ઘનાની ફી ભરી આવતો હતો.... તમને કોઈ તકલીફ નથી પડવા દીધી...એ ક્યારેક પૈસા બચાવી ઘરના અનાજ શાકભાજી લાવી ચૂપચાપ ઘરમાં મૂકી દેતો.. બા પૂછતાં તો કહી દેતો હું લાવ્યો.. ક્યાંથી કેવી રીતે એ નહીં પૂછતાં, મેં ચોરી નથી કરી , બા તમને યાદ છે ને? એ પછી તમારી દીકરી ,એની બહેન જોઈતી જન્મી ત્યારે એ આમ તો રાજી થઇ ગયો કે મને બહેન મળી પણ પછી દુઃખી પણ એટલો થયો કે આના માટે મારા માં બાપુ ને તકલીફ હજી વેઠવી પડશે.. એ ઘનો એની બહેન ને સાચવતો... એને રમાડવા લઈ જતો... રમકડાં લાવી આપતો અને બહેનને સમજણ પણ આપતો, એટલે જ તો જોઈતી નાની ઉંમરમાં તમને ઘરકામમાં મદદ કરતી થઇ ગઈ... તમે તો એને ભણાવવા માંગતા નહોતા પણ ઘનો એને ભણાવતો.. મજૂરી કરી એ એની ફી ભરતો... એ વિચારતો કે મારી બહેન ભણે તો એનું જીવન સારું જાય....
વશરામ બાપા અને જીવી બા સાંભળી જ રહૃાા હતા... સોમો આગળ બોલ્યો કે તમને ખબર હતી ? ઘનો હંમેશા પહેલા નંબરે પાસ થાતો? એ સવારે ભણતો.. બપોરે મજૂરી કરતો... સાંજે બહેન ને રમવા લઇ જતો.. તો ભણતો ક્યારે? તો તમને કહી દઉં કે રાત્રે બહેન સુઈ જાય પછી ભણતો હતો... બાપા તમે ક્યારેય એની સાથે પ્રેમથી વાત નથી કરી... અરે વાત જ નથી કરી... હંમેશા નપાવટ , વંઠેલ , રખડેલ, ઉઠીયાણ જ કહૃાો છે... એ આગળ ભણવા રોજ પાંચ વાગે ઉઠી શહેર ચાલ્યો જતો હતો... ત્યાં ભણતો... જે મળે એ ખાતો અને બપોરે મજૂરી કે બીજા કામ કરતો.. એની કોલેજ ફી કપડાં વગેરે ખર્ચ એ મહેનતમાંથી કરતો હતો... એની બહેન માટે પણ કાંઈક ને કાંઈક લાવતો..હું એની એકે એક વાત થી માહિતગાર રહેતો... એને બહેન ને ભણાવવી હતી.. એ ગ્રેજ્યુએટ થયો અને તમને મેડલ બતાવ્યો તોય તમે એને ધમકાવ્યો અને કહૃાું કે મને મૂર્ખ ન બનાવ.. હાલતો થા... તમને ખ્યાલ આવ્યો ક્યારેય કે ઘરમાં બા પાસે પૈસા ક્યાંથી આવતા? તમે તો એક જ વાત કહેતા કે આડા અવળા ધંધા કરતો હશે.. બે નંબરના.. બાકી આટલા પૈસા કોણ આપે?એ કહેતો કે હું ભણવા સાથે નોકરી કરું છું , તમે માનતા જ નહોતા...એને સામેથી સારી નોકરીની તક મળી, ઈ કંપની વાળા કોલેજમાં આવી એને નોકરીએ રાખી લીધો... એ પછી એણે પહેલું કામ એની બહેન ને શહેર લઇ જવાનું કર્યું... તમે બહુ વિરોધ કર્યો કારણ તમને એમ હતું કે આ દીકરીને આડા રવાડે ચડાવી.. એનું જીવન બગાડશે પણ એ લઇ ગયેલ બહેન ને ભણાવવા... એ રૂૂપાળી તો હતી જ સારા કપડાં પહેરે તો સારી લાગે જ... એને તમારા ઘના એ ભણાવી અને શહેરની છોકરીઓ ને ટક્કર મારે એવી બનાવી દીધી....
ઘના નું એક સપનું છે કે મારા માં બાપ ને આરામ આપવો... આ ઝુંપડા માંથી સારા ઘરમાં રાખવા અને સારા કપડાં અને ખાવા પીવાનું અપાવવું પછી મારી બહેન ને સારા ઘરમાં પરણાવવી.. તમે આ સમજ્યા જ નથી... બાપા એણે તમને કહેલું ને કે હું તમને લેવા આવીશ... કંઈક સરસ સમાચાર આપીશ.. જીવનની શાંતિ આપીશ, એ એના માટે જ આવવાનો છે...તમને લઇ જશે... હું પણ આવીશ...
આ વાત ચાલતી હતી અને એક કાર આવીને ઉભી રહી... ઘનશ્યામ એટલે કે ઘનો ઉતર્યો અને એની સાથે એક સુંદર રૂૂપાળી કન્યા ઉતરી , ઉતરી ને તરત વશરામ બાપા અને જીવી બા ને ચરણ સ્પર્શ કર્યા... વશરામ બાપા કહે જો સોમા આ કોઈ શહેરની છોડી ને લઈને આવ્યો.... લગન કરીને આવ્યો છે ને? આ સરસ સમાચાર આપવાના હતા ને? મેં કીધું ને એ નપાવટ છે... સોમેશ્વર કહે ધીરજ રાખો તૂટી ન પડો , ધ્યાનથી જુવો આ કન્યા કોણ છે... આ તમારી જ દીકરી છે...જ્યોતિ... તમારી જોઈતી... જેને તમારા દીકરાએ ભણાવી ગણાવી આ બનાવી...
ઘનો કાંઈ ન બોલ્યો.. આવીને માં બાપના ચરણસ્પર્શ કર્યા અને કહૃાું કે લ્યો આ કપડાં તમે લેંઘો ઝભો પહેરી લ્યો અને બા તમે આ સાડી પહેરી લ્યો અને આ કારમાં બેસી જાવ..., એ લોકોએ એમ કર્યું... સોમો આગળ એની બાજુમાં બેઠો અને જ્યોતિ એના માં બાપ સાથે પાછળ બેઠી... થોડી વારમાં ગામ છોડી શહેરના સીમાડે આવેલી એક સોસાયટીમાં આવ્યા.... એક ઘરમાં ઘણો લઇ ગયો... એણે માં બાપને ખુરશીમાં બેસાડી સાષ્ટાંગ વંદન કર્યા અને આંખમાં આંસુ સાથે કહૃાું કે હવે આ ઘર તમારું... આપણે અહીં રહેશું... મારી ઇચ્છા. મારી તપશ્ચર્યા અહીં પુરી થઇ... બસ હવે તમે મોજણી શાંતિની જિંદગી જીવો... વશરામ બાપા દીકરાને ભેટી ધ્રુસકે ચડી ગયા... સોમા એ માંડ શાંત પાડયા , બાપા બોલ્યા સોમા તે આજે અમારી આંખો ખોલી નપાવટ તો હું હતો... મારા દીકરાને એની લાગણીને ઓળખી , સમજી ના શક્યો.. એને કોષતો જ રહૃાો... દીકરા આવા પણ હોય છે...
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial