Advertisement
Author: નોબત સમાચાર

હાથીની વાર્તા જેવા પ્રત્યાઘાતો, નિર્મલા સીતારમણનું બજેટ... વિપક્ષના પ્રહારો,વિશ્લેષકોના મંતવ્યો,

                                                                                                                                                                                                      

પહેલી ફેબ્રુઆરીના દિવસે રવિવાર હોવાથી ગઈકાલે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક નાણાકીય બજેટ રજૂ કર્યું. બજેટનું વાચન (પ્રસ્તૂતિ) હજુ થઈ જ રહી હતી કે શેરબજાર તરત જ પછડાયું, અને તે પછી દિવસભર રિકવર જ થયું નહોતું.

બજેટની પ્રસ્તૂતિ પછી વિરોધપક્ષોએ આ બજેટને નિરાશાજનક, ખાલી ડબ્બા જેવું, હમ્પ્ટી-ડમ્પ્ટી, જનવિરોધી અને બોગસ ગણાવ્યુ, તો વડાપ્રધાને આ બજેટને વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યની બુનિયાદ જેવું ગણાવ્યું. એનડીએના અન્ય નેતાઓએ આ બજેટને આગામી ૨૫ વર્ષનો રોડમેપ, ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં નિર્ણાયક કદમ, સુધારાઓ અને અપેક્ષાઓની પૂર્તિ કરતુ કદમ, ગરીબ, મહિલા, યુવા, ખેડૂત ઉપરાંત પશુપાલન પર ભાર મુકતુ અને તમામ વર્ગોને સમાવી લેતુ બજેટ ગણાવ્યુ, એટલેે એવું કહી શકાય કે રાજનેતાઓએ આપેલા પ્રત્યાઘાતો તદૃન તટસ્થ કે આખા બજેટનો અભ્યાસ કરતા પહેલા જ અંતિમ અભિપ્રાયો આપી દીધા હોય તેમ લાગે છે, જો કે, રાહુલ ગાંધીએ પોતાનો અંતિમ અભિપ્રાય સંસદમાં રજૂ કરશે, તેમ પણ કહ્યું અને પ્રાથમિક  દૃષ્ટિએ બજેટને ખોખલુ પણ ગણાવ્યું.

બજેટ રજૂ થયા પછી સાંજ થતા થતા થોડો-ઘણો અભ્યાસ કર્યા પછીના જે પ્રતિભાવો-પ્રત્યાઘાતો આવવા લાગ્યા, તે ચોક્કસ આંકડાઓ, દૃષ્ટાંતો, આર્થિક સર્વેક્ષણ સાથેની સરખામણી, અગાઉના બજેટો તથા વિવિધ સેકટરોમાં થયેલી જોગવાઈઓ તથા બજેટની ત્વરીત અને દૂરગામી અસરોની ચર્ચા પણ થવા લાગી હતી. ગઈકાલે મોડીરાત્રે ન્યુઝ ચેનલોમાં બજેટને થોડું-ઘણું સમજ્યા પછી પણ નેતાગણના આખરી અભિપ્રાયો તો પોતપોતાની પાર્ટીલાઈનને અનુરૂપ જ રહ્યા, પરંતુ તટસ્થ રીતે અભ્યાસ કરીને અભિપ્રાયો તથા તારણો કેટલાક જાણીતા અર્થશાસ્ત્રીઓએ સચોટ રીતે રજૂ કર્યા અને સરકાર તથા નેતાગણને દર્પણ પણ દેખાડયું.

એક તરફ નેતાઓ અને નિષ્ણાતો બજેટ અંગે જુદા જુદા એન્ગલ્સથી અભિપ્રાયો આપી રહ્યા હતા, ત્યારે સામાન્ય જનતાની દૃષ્ટિએ આ બજેટ પછી શું મોંઘુ થશે, અને શું સસ્તુ થશે, તેની કુતૂહલ સાથે વાટ જોવાતી હતી. એક જમાનો એવો પણ હતો કે જયારે કેન્દ્રીય બજેટ રજૂ થાય ત્યારે "આકાશવાણી"ના સમાચાર સાંભળવા લોકો રેડિયો કાને માંડીને બેસતા, તો જયારે સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ થતું તે જમાનામાં બીજા દિવસે સવારના અખબારોમાં આખા બજેટનું વિગતવાર વિવરણ પ્રસિદ્ધ થતું હતુ અને અખબારો ચપોચપ વેચાઈ જતા હતા. તે પછી ઘણાં દિવસો સુધી અખબારોમાં પ્રત્યાઘાતો અને અભિપ્રાયો છપાતા હતા. ઘણાં અખબારો બજેટ રજૂ થયા પછી સાંજના સમયે "વધારો" પણ બહાર પાડતા હતા, અને સવાર-બપોર(સાંધ્ય)ના દૈનિકોની જબરદસ્ત માંગ રહેતી હતી. મહત્ત્વપૂર્ણ બ્રેકિંગ ન્યુઝ હોય ત્યારે તે સમયે "નોબત" સહિતના સાંધ્ય દૈનિકો પણ "વધારો" બહાર પાડતા હતા.

આજે યુગ બદલાયો છે અને બજેટની લાઈવ પ્રસ્તૂતિ આપણે જોઈ શકીએ છીએ. આ કારણે આપણે બજેટને પૂરેપૂરૃં સમજીએ તે પહેલા જ અધકચરા પ્રતિભાવો, ટીકા અથવા વાહવાહી અને પૂર્વ નિર્ધારિત મંતવ્યો, કોમેન્ટોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. શાસક પક્ષના નેતાઓ અને સમર્થક વિભૂતિઓ બજેટની વાહવાહી કરે છે, જ્યારે વિપક્ષો તથા તેના સમર્થક તજજ્ઞો બજેટની ટીકા કરે છે, પરંતુ સામાન્ય જનતાને જે જાણવુ હોય છે, તે ભાગ્યે જ સમજાતુ હોય છે.

જો કે, જીએસટી કાઉન્સિલ અમલી બન્યા પછી ૯૦ ટકા કરવેરાનો નિર્ણય પ્રતિવર્ષ અને જરૂર પડયે સમયાંતરે મળતી જીએસટી કાઉન્સ્લિની બેઠકમાં લેવાતા હોય છે, અને એ કાઉન્સિલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના નાણામંત્રીઓ સામેલ હોય છે. આ કારણે હજુ પણ કેન્દ્ર સરકાર હસ્તક જે કરવેરા લાદવાની સત્તાઓ છે, તેની જ ઈન્તેજારી રહેતી હોય છે, તેથી ગઈકાલે જે બજેટ રજૂ થયું, તેમાં સામાન્ય જનતાને કેટલો તત્કાળ ફાયદો થયો અથવા કઈ અપેક્ષા સંતોષાઈ નહીં, તેની ચર્ચા તત્કાળ વ્યાપકપણે અને તથ્યો સાથે પૂરેપૂરી થઈ રહી હોય, તેમ જણાતુ નથી. જો કે, બીજા દિવસે આ તમામ વિગતોની ચર્ચા થવા લાગે છે.

પહેલાના જમાનામાં શું સસ્તુ થશે, અને શું મોંઘુ થશે, તેની લાંબી યાદી થતી હતી, પરંતુ હવે થોડીક જ ચીજવસ્તુઓની કિંમતો પર કેન્દ્રીય બજેટની અસર થતી હોય છે.

ગઈકાલના બજેટમાં થયેલી જોગવાઈઓ મુજબ એપ્રિલ-૨૦૨૬ થી કેન્સર અને સુગરની ૧૭ દવાઓ, ડિજિટલ ગેજેટ્સ, કપડા, લેધર આઈટમ્સ અને સિન્થેટિક ફૂટવેર, માઈક્રોવેવ ઓવન, મિશ્ર સીએનજી, સોલાર, ગ્લાસ અને ઈલેકટ્રીક વ્હીકલ્સ, વિદેશ પ્રવાસ અને વિમાનનું ઈંધણ વગેરે સસ્તા થશે. તે ઉપરાંત ૭ જેટલી ગંભીર દવાઓ તથા વિમાનના સ્પેરપાર્ટસ પણ સસ્તા થશે. જો કે, મોજશોખની શરાબ અને સિગારેટ જેવી ચીજવસ્તુઓ મોંઘી થશે. તે ઉપરાંત ખનિજ પદાર્થો અને સ્ક્રેપ મોંઘા થશે. બ્રાસ સ્ક્રેપના વેચાણ પર ૧ ટકા ટીડીએસ નાબૂદ કરવાના બદલે ડબલ કરી દેવાયો છે. પરંતુ નાના ઉદ્યોગો માટે વિશેષ સવલતો જાહેર થઈ છે, તેવા મિશ્ર પ્રારંભિક પ્રત્યાઘાતો આવી રહ્યા છે.

ઉડતી નજરે બજેટને જોઈએ તો બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે કરાયેલી જંગી ફાળવણી "ઓપરેશન સિંદૂર" હજુ ચાલુ હોવાથી થઈ હોવાની સંભાવનાઓ તથા દેશની ફરતે પડોશી દેશો સાથેની સરહદોનું રક્ષણ કરવાના ઉદૃેશ્યથી આવું થયું હોઈ શકે છે. ઈન્કમ ટેકસના સ્લેબ યથાવત રખાયા છે, એટલે કે રૂ।. ૧૨ લાખની આવક સુધી ઈન્કમટેકસ નહીં,લાગે. જો કે, સ્ટાન્ડર્ડ ડિડકશન હજુ વધુ વધારવાની અપેક્ષા નાણામંત્રીએ સંતોષી નહીં હોવાથી નોકરિયાત-મધ્યમવર્ગ થોડો નિરાશ થયો હશે.

બજેટમાં ગુજરાત-પાકિસ્તાન વચ્ચે જળ અને જમીન સરહદની રક્ષામાં રૂ।. ૫૨૬૬ કરોડની ફાળવણી ઉપરાંત દેશમાં ૭ હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઈ, સુરતથી પ.બંગાળ સુધી માલગાડીનો વિશેષ ટ્રેક શરૂ કરવાની ઘોષણા થઈ. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વિકાસ, શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ, દીકરીઓ માટે જિલ્લા ના મથકે હોસ્ટેલ્સ, નવા ૩ આયુર્વેદ એઈમ્સ, સી-માર્ટસ યોજના, ખેલો ઈન્ડિયા મિશનનું વિસ્તૃતિકરણ ટેકસની સિસ્ટમમાં સરળતા, બૌદ્ધ સરકીટ, જામનગરમાં નિર્માણાધીન ડબલ્યુએચઓ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય, પશુપાલન ક્ષેત્રે વધુ પ્રોત્સાહનો, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય, ડેટા સેન્ટરો પર કરમૂક્તિ અને ઓરેન્જ ઈકોનોમિની જાહેરાતોને પણ પ્રો-પબ્લિક ગણવામાં આવે છે. જયારે, રેર અર્થ કોરિડોરની જાહેરાત ચૂંટણીલક્ષી ગણાય છે.

બીજી તરફ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્રમ્પ ટેરિફ, ઈન્વેસ્ટરોની મુંઝવણ, ભારતમાંથી રોકાણ ઘટવાની શરૂઆત, એમએસએમઈની હાલત, બેરોજગારી અને શહેરી વિસ્તારોમાં કથળતી સુવિધાઓ અંગે બજેટમાં કાંઈ નથી, તેવું જણાવ્યું, તો મમતા બેનર્જી, અખિલેશ યાદવ, શશિ થરૂર, શત્રુઘ્ન સિંહા, મલવિંદર સિંહ સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તથા પ્રાદેશિક જિલ્લા કક્ષાના નેતાઓએ પણ બજેટની જુદા જુદા એંગલથી આલોચના કરી છે. પરંતુ "તમને શું લાગે છે ?"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh