Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવનમાં કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે. દીકરા માં બાપને ન રાખે. જો માં કે પિતા બે માંથી એક નું મૃત્યુ થાય તો જે રહૃાા એમને સાચવી ના શકે એટલે હેરાન કર્યા એમ ન લાગે એવી રીતે હેરાન કરે એટલે એ જાતે જ ઘરનો ત્યાગ કરે અને એ લોકોને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે. આનાથી પણ અલગ ઘટના બને એ હમણાં સાંભળ્યું, અરે સાંભળ્યું નહિ જોયું.
શાંતનુ આમ વર્ષોથી યુએસમાં રહેતો હતો. એને આમ એના પિતા સાથે ક્યારેય નહોતું ફાવ્યું. શાંતનુ સાવ સરળ, એનામાં એની માં ના સંસ્કારો હતા એ જીવનમાં ક્યારેય કોઈ વડીલ સામે ઊંચા અવાજે બોલ્યો નથી, એમ કહીએ કે કોઈ વાત પર દલીલ નથી કરી. પપ્પા કહે આમ તો આમ, એ કહે ના તો ના, શાંતનુ ક્યારેય સામે ન થાય. શાંતનુના પિતા નાનુભાઈ શેરબજારમાં જ કામ કરતા અને એ શેર લેતા વેંચતા અને સટ્ટો પણ રમતા. એ સવારથી બપોર આ જ કામ કરતા. આ ધંધો નાનુભાઈના પિતા જોગી ભાઈને જરાય નહોતો ગમતો.એ કહેતા કે આમ તું બરબાદ થઈ જાઈશ. કંઈક ઢંગનું કામ કે ધંધો કર, ક્યાંક નોકરી કર અને એની સાથે તું આ શેરબજારમાં રોકાણ કર. નોકરીનો પગાર ઘરમાં કામ લાગે અને શેર - સટ્ટા ના પૈસા તું એમાં ફેરવ્યા કર, પણ આ નાનુભાઈ એન પિતાનું જરાય નહોતા માનતા.જોગી ભાઈએ સારા પરિવારમાંથી નાનું માટે માગું આવ્યું એટલે થોડા ખચકાયા ,એટલા માટે કે આ ઉઠીયાણ કોઈનું સાંભળતા નથી. આવનારી દીકરી દીકરી દુઃખી થશે પણ, એના ભાઈબંધ કીધું કે જોગી એનું લગ્ન કરી જ નાખ. લગ્ન પછી એ ઠેકાણે આવશે. જોગી ભાઈ કહે કે કોઈની દુઃખી થાય એ મને નહીં ગમે. તોય ભાઈબંધે અને બીજા એક-બે સંબંધીના કહેવાથી નાનુ ના લગ્ન કરી નાખ્યા.
એ પછી અલબત્ત નાનુ માં સુધારો થયો. નાનુ શેર બજાર કરતો પણ ઓછું, સાથે જમીનની દલાલી કરતો. જોગીભાઈએ મિત્રોનો આભાર માન્યો. એ પછી બે વર્ષે આ શાંતનુનો જન્મ થયો. એના થોડા સમય પછી જોગીભાઈ અને એ પછી એમના પત્નીનું અવસાન થયું. હવે તો નાનું વધુ આઝાદ થઈ ગયો. પહેલા તો ભલે માને નહિ પણ પિતાની બીક તો રહેતી , પિતા હતા ત્યાં સુધી એ પત્ની રમા ને કાંઈ ન કહેતો.પિતાના ગયા પછી. રમાને ખખડાવે, ઉભા પગે રાખે. હુકમ કરે. પિતાના ગયા પછી એ એના મિત્રો (એમાં સ્ત્રી મિત્રો પણ આવે)ને ઘરે બોલાવતો થયો.પિતાની હાજરી માં તો હિંમત જ નહિ. હવે ઘેર આવે મહેફિલ જામે. નાનુ એ બધાની હાજરીમાં પત્ની રમાને નોકરાણીની જેમ હુકમો કરે. રમા એના બાળક માટે થઇ ગમ ખાઈ જાય. શાંતનુ નાનો , અણસમજુ હતો એટલે કાંઈ બોલતા નહિ પણ એની માં ની આંખમાં આંસુ જોઈ નહોતો શકતો. એ સમજણો થયો પછી પિતા સામે જંગે ચડતો , એ મિત્રોનું આવવાનું ઓછું તો થયું પણ બંધ ના થયું.
નાનુને આ બધી વાતમાંથી આઝાદી જોઈતી હતી. એટલે એણે બહુ સરસ દાવ ખેલ્યો. એ એકદમ સુધરી ગયો. કોઈ મિત્ર ઘેર નહિ. બધું બહાર.એ કહેતો કે મારો દીકરો હવે કોલેજમાં આવશે. એને ભણવા દેવો છે. એને ભણવા માટે ખૂબ મદદ કરે, પત્ની સાથે પ્રેમથી વાત કરે. એના માટે ભેટ લઇ આવે.જન્મ દિવસે કાન નાક ગળા ના ઘરેણાં નો સેટ આપ્યો. એય ખૂબ રાજી. શાંતનુ તો બહુ રાજી. સંતાનો હંમેશાં એમની માંની આંખમાં આંસુ જુવે તો ના સાંખે અને એના ચહેરા પર ખુશી જુવે તો રાજી રાજી, એમાં એ જ થયું. એ પછી જમીનમાં બહુ કમાતો એટલે કાર લીધી.. શાંતનુને થયું કે પિતા કેટલું કરે છે. મને પણ છૂટ આપી છે કે જે લાઈન લેવી હોય એ લે , જે શાંતનુને બહુ ગમ્યું અને એણે પોતાના ગમતા વિષય માં નિપુણતા મેળવી. એ પછી નાનુએ કહૃાું કે બેટા તારે પરદેશ ભણવા જવું જોઈએ ત્યાં કેરીઅર બનાવ. તું તારી જિંદગી બનાવ. શાંતનુ તો આશ્ચર્ય ચકિત થઇ ગયો. એને થયું કે પિતા ને મારા મનની વાત કેવી રીતે ખબર પડી? નાનુએ કહૃાું કે તારી માં ની તું ચિંતા ન કર. તું જા પરદેશ હું વ્યવસ્થા કરું છું. નાનું ને તો ઓળખાણો કેટલી , પૈસા ખર્ચ્યા અને દીકરાને બધું ગોઠવી આપ્યું અને એવું કે એ ત્યાં જ ભણે અને ત્યાં જ નોકરી કરી સ્થાયી થાય. નાનુના મિત્રો ત્યાં પણ હતા. શાંતનુ ગયો. એની માં રમા તો બહુ જ રાજી થઇ. એને થયું દીકરો સુખી થશે. ક્યારેક મને ત્યાં જવા મળશે. શાંતનુ ગયો. એના ગયા પછી નાનુ એ પોત પ્રકાશ્યું. પાછું મિત્રોનું આવવાનું ચાલુ થઈ ગયું. દીકરાના ગયા પછી તરત જ આઝાદીનો જશ્ન મનાવ્યું, રમાના જીવનમાં ખળભળાટ થઇ ગયો. એ નોકરાણી થઈ ગઈ. નાનું દિકરાને ફોન કરે કે દીકરા નો ફોન આવે ત્યારે એ રીતે રમાને ફોન આપી આંખોમાં ખુન્નસ સાથે સામે ઉભો રહે કે સહેજ પણ આડુંઅવળું બોલી તો ખેર નથી. એટલે બધું રાજી રાજી છે એમ વાત કરે.,નાનું ક્યારેય દીકરાનો ફોન નંબર આપે નહિ. એટલે રમા તો પોતાના દીકરાને ફોન કરી જ ન શકે. ક્યારેક એના પતિ નાનુને કહે કે મારા દીકરા સાથે વાત કરવી છે, એનો નંબર આપો તો કહે કે હું લગાડી આપું તું વાત કર. એ લગાડી અને ધમકી આપે કે ખબરદાર કાંઈ આડુંઅવળું બોલી છે તો.
સમય જવા માંડ્યો અને એક દિવસ નાનુએ ઘેર આવનાર માની એક સ્ત્રી સાથે લગ્ન કરવાનું વિચાર્યું. એ કન્યાએ કહૃાું કે લગ્ન હમણાં નહિ તારી સાથે લિવ ઈનમાં રહીશ. અને બે દિવસ પછી એ સ્ત્રી સામાન સાથે નાનુના ઘરે આવી ગઈ. રમા એ ખૂબ વિરોધ કર્યો પણ એનું કોણ? એ સહેલીને નોકરાણી બની રહી ગઈ. એમ કરતા એક સમય એવો આવ્યો કે નાનુ અને પેલી સ્ત્રી બન્ને એને મારતા હેરાન કરતા થઇ ગયા. એક વાર કોણ જાણે કેમ પણ નાનુ એ રોવા નું નાટક કરતા એના દીકરા ને ફોન કર્યો કે *તારી માં ને હાર્ટ એટેક આવ્યો છે અને હોસ્પિટલ માં દાખલ કરી છે. શાંતનુ કહે કે મારે તો પરીક્ષા નજીક છે કેવી રીતે આવું? નાનુ કહે તું ચિંતા ન કર હું જોઈ લઈશ. તારું ભણવાનું ના બગાડ.* એના બે જ દિવસ પછી નાનુએ દીકરા ને ફોન કર્યો એમ જ રોવાનું નાટક કરતા કે તારી માં આ દુનિયામાં નથી રહી. શાન્તનું ભાંગી પડયો. એ કહે *પપ્પા તમે સાચવજો, મારે પરીક્ષા માથે છે અને મને હમણાં જ જોબ મળી છે, હું નીકળું તો બધું બગડે. * નાનુ ને તો આ જ જોતું હતું. એ ના આવ્યો. એની સાથે રહેતી સ્ત્રી કહે આવું કેમ કીધું? તારે એને મારી નાખવી છે? નાનું કહે ના , એને ઘરમાંથી ત્રાસ આપી કાઢી મુકવી છે, એ એની મેળે ચાલી જશે. પેલી સ્ત્રી કહે કે વાહ તું ભારે ચાલાક. ... થોડો વખત પછી એ જ થયું રમા ઘર છોડી ચાલી ગઈ. એક મોટા ઉદ્યોગપતિના ઘરમાં ઘર નોકર તરીકે એની એક સખીએ લગાડી દીધી.રમાને કામ, રહેવા ઘર અને ભોજન બધું મળી ગયું.એ જ ઘરમાં એ રસોઈ ઉપરાંત ઘરના બધા જ કામ કરતી હતી.
વર્ષ પછી શાંતનુ આવ્યો ,સીધો ઘેર ગયો તો ત્યાં બીજું કોઈ રહેતું હતું. નાનું તો ઘર વેચી બીજે ક્યાંક રહેવા ચાલી ગયેલો. સરનામું કોઈને ખબર નહિ. એ તરત ગયો એના મિત્રને ઘેર જેનું ઘર એની માં જ્યાં રહેતી કામ કરતી હતી એની નજીક. શાંતનુએ મિત્રને વાત કરી અને કહૃાું કે બે દિવસ અહીં રહુ પછી બધી તપાસ કરવા હોટલમાં રહેવા ચાલ્યો જઈશ. એ મિત્રની માં એ કહૃાું કે એવું કેમ? અહીં જ રહે ને? તું પણ મારા દીકરા જેવો છે. એ ત્યાં જ હતો. એક દિવસ એ ઘરની બહાર નીકળતો હતો અને રમા કોઈ વસ્તુ લેવા નીકળતી હતી અને એણે દીકરાને જોયો, એ તરત માથું ઓઢી. ફરી ગઈ. માં ગમે તેટલું માથે ઓઢે ,ચહેરો સંતાડે પણ સંતાનને શંકા જાય જ. એણે એનો પીછો કર્યો પણ રમા ઝડપથી બંગલામાં ચાલી ગઈ , શાંતનુ એ બંગલામાં ગયો , ત્યાંની શેઠાણીએ પૂછ્યું કે કોનું કામ છે? શાંતનુ એ કહૃાું કે હમણાં એક બહેન દાખલ થયા એ કોણ છે? શેઠાણી તાડુક્યા *એ...ય મારી નોકરાણી છે જીવી, નજર નહિ બગાડવાની. તારી માં ની ઉંમરની છે... ચાલ જા..... * શાંતનુ મનમાં કહે માંની ઉંમરની નહિ મારી માં જ છે. શાંતનુ શાંત ન બેઠો. એણે બે જ દિવસ માં શોધી કાઢ્યું કે એની માં જ છે. ઘરના માલિકો ને એણે બધી વાત કરી, એ લોકોએ રમાને પૂછ્યું રમા એ વિગતે વાત કરી. શાંતનુને એટલો ગુસ્સો આવ્યો કે મારા પિતા આટલી હદે લુચ્ચા , પછી એણે બધા જ પગલાં લીધા. નાનુને જે સજા મળવી હતી એ મળી અને શાંતનુ માં ને લઇ ગયો એની સાથે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial