Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેળાના આયોજન, એસ.ટી. બસના રૂટ, વીમાની રકમ વગેરે વિગતો બિનસત્તાવારરીતે બહાર આવી રહી છેઃ!
જામનગર તા. પઃ જામનગરના અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન અનેક પ્રશ્નો-સમસ્યાઓનો સામનો કરી આગળ વધારવામાં આવી રહ્યું છે.
આ લોકમેળાના સ્થળની બાજુમાં જ જિલ્લા કક્ષની હંગામી બસ સ્ટેન્ડ ર૪ કલાક એસ.ટી. બસો તથા હજારો ઉતારૂઓથી ધમધમતું હોવાથી લોકમેળાનું આયોજન પાર પાડવું મનપા તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
આ પ્રકારના જાહેરનામાના મોટા જનસમૂહને સાંકળી લેતા ઉત્સવ જેવા આયોજન અંગે સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ચૂપકીદી, વિગતો જાહેર ન કરવી, મીડિયાને માહિતી આપી આમજનતાને તમામ બાબતોની જાણકારી આપવાથી દૂર રહેવાની વૃત્તિ ભારે ચર્ચાસ્પદ બની રહ્યા છે.
મેળાના આયોજનના નક્શા, પ્લોટની ફાળવણી જેવી વિગતો પણ તંત્ર જાહેર કરે તે પહેલા બહાર આવી ગઈ, મેળાનો વીમો કેટલી રકમનો ઉતારવામાં આવ્યો છે, તેની જાણ કરતા પણ તંત્ર ડરે છે.
આ ઉપરાંત જે ઉચ્ચ અધિકારીને માર્ગો બંધ રાખવા, એસ.ટી. બસ ક્યા માર્ગેથી અવરજવર કરશે તે અંગેન સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવાની સત્તા છે, તે ઉચ્ચ અધિકારી જાહેરનામું બહાર પાડે તે પહેલા જ જાહેરનામા જેવી જ રજેરજની વિગતો બહાર આવી જાય, આ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. પ્રજાના હિતમાં ઉચ્ચ અધિકારી આદેશ-સૂચના સાથેના જાહેરનામા બહાર પાડતા હોય છે અને સત્તાવારરીતે જાહેરનામાની વિગતો મીડિયાને પ્રસિદ્ધિ માટે આપવામાં આવે છે, પણ લોકમેળાના આયોજનમાં એસ.ટી.ની બસો ક્યા માર્ગેથી અવરજવર કરશે તેવી વિગતો કોઈ બીનસત્તાવાર વ્યક્તિ કેવી રીતે બહાર પાડી શકે? તેની વિશ્વસનિયતા કેટલી? જો આવી બહાર પડેલી વિગતો જેવી જ સૂચના કે જાહેરનામું સત્તાવર બહાર પડે તો સંલગ્ન તંત્રમાંથી તેની વિગતો ગૂપચૂપ રીતે લીક થઈ ગઈ છે તેમ કહી શકાય. જાહેરનામા જેવી ગંભીર બાબતો પણ પરીક્ષાના પેપર ફૂટી જાય તેમ અગાઉથી લીક થઈ જાય તો શું સમજવું?
એસટી બસોની અવરજવર માટે જે વિગતો બહાર પાડવામાં આવી રહી છે, તેમાં પણ કેટલીક સ્પષ્ટતાઓ કરવાની જરૂર છે. એસ.ટી. બસો જે માર્ગ પરથી અવરજવર કરશે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા કેવી ગોઠવાશે? આ માર્ગો પર અન્ય ટુ-વ્હીલર, ફોર વ્હીલર, રિક્ષાઓ જેવા ખાનગી વાહનો અવરજવર કરી શકશે કે કેમ? એસ.ટી.ના ઉતારૂઓને બસ સ્ટેન્ડ સુધી આવવા-જવા શું વ્યવસ્થા હશે? જેવા પ્રશ્નોના જવાબ કોણ આપશે?
લાલબંગલાથી સાત રસ્તા સુધીનો માર્ગ વાહનો માટે બંધ રાખવાની શક્યતા છે. લીમડાલેનના કોર્નર (તુલસી હોટલ) થી લાલબંગલા તરફનો માર્ગ અને તુલસી હોટલથી ક્રિકેટ બંગલા સુધીનો માર્ગ પણ વાહનો માટે પ્રતિબંધિત રહે છે. તો મેળામાં તે દિશામાંથી વાહનો સાથે આવનારા લોકો માટે વાહનો પાર્ક કરવાની પાર્કિંગની શું વ્યવસ્થા છે?
આઈટીઆઈ ગ્રાઉન્ડ તો બરાબર કે ત્યાં વાહનો પાર્ક કરવા માટે જઈ શકાય, પણ ડીસીસી/કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં વાહનો પાર્ક કરવા હોય તો ત્યાં સુધી જવું કેમ? ગવર્મેન્ટ કોલોની, પત્રકાર કોલોની, ગુરુદ્વારા પાછળના વિસ્તારના રહેવાસીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે, તો તેમના માટે શું વ્યવસ્થા છે?
આવા તો અનેક પ્રશ્નો હજી પણ અદ્ધરતાલ છે તયારે માત્ર એસ.ટી. બસોની અવરજવરની વિગતો બીનસત્તાવારરીતે જાહેર થાય અને ઉચ્ચ અધિકારીઓ મૌન ધારણ કરીને બેસી રહે ત્યારે પ્રજામાં તંત્રની નીતિરીતિ અને આયોજન અંગે કુશંકા જાગે તે સ્વાભાવિક છે.
જે માર્ગો એસ.ટી. બસની અવરજવર માટે સુનિશ્ચિત કર્યા હોવાનું બીન સત્તાવાર રીતે બહાર આવ્યું છે, તે માટે રૂટ પર નવા બનેલા માર્ગો પર ૯ મી ઓગસ્ટે માર્ગ ખુલ્લો મૂકાય ત્યારે પ્રાયોગિક ધોરણે એસ.ટી. બસોની અવરજવર કરવાની પણ દરકાર લેવાય તો સારૂ. માત્ર જામનગરના મેળાઓ પૂરતા પાંચ દિવસ તો સમજ્યા, પણ શુક્ર, શનિ, રવિ, સોમવારે પણ લોકમેળાના સ્થળે જંગી માનવમેદની ઉમટે છે. ત્યારે એસ.ટી. બસોની અવરજવરને મુશ્કેલી પડશે કે નહીં? તે તો બીનસત્તાવાર વિગતો બહાર પાડનાર જ કહી શકશે, કારણ કે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ તો શ્રાવણ મહિનામાં મૌનવ્રત ધારણ કરીને બેઠા હોય તેવી સ્થિતિ છે.!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial