Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતી આપત્તિઓ, આતંક-ઉગ્રવાદ-હિંસા-તખ્તાપલટ અને હત્યાકાંડોની ભરમાર... એના પર ટ્રમ્પ ટેરિફનો માર...
દેશ અને દુનિયામાં અત્યારે એક તરફ કુદરતી આફતો, ભયંકર દુર્ઘટનાઓ અને ટ્રમ્પ ટેરિફ સહિતના આર્થિક-વ્યાપારિક-ઔદ્યોગિક ઝંઝાવાતો વકરી રહ્યા છે, તો બીજી તરફ વિશ્વમાં વિદ્રોહ, ગૃહયુદ્ધો, અશાંતિ અસંતોષ, આરાજક્તા અને જનક્રાંતિના કારણે તખ્તાપલટની ઘટનાઓ ફરીથી હલચલ મચાવી રહી છે. તેમાં પણ તાજેતરમાં જે રીતે એક જ પ્રકારની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) થી કેટલાક દેશોમાં જનક્રાંતિ અથવા વિદ્રોહો થયા અને શક્તિશાળી શાસક નેતાઓ-રાષ્ટ્રના વડાઓએ દેશ છોડીને ભાગવું પડ્યું, તેથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનિશ્ચિતતાઓ તથા અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ ગયું છે.
નેપાળની જનક્રાંતિ
નેપાળમાં જનક્રાંતિ થઈ અને વડાપ્રધાન ઓલીની ખુરશી ડોલી ગઈ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના રાજીનામા પછી નેપાળમાં તખ્તાપલટ થયો, તે સૌથી તાજુ દૃષ્ટાંત છે, જેમાં એક લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકારને પ્રચંડ જનાક્રોશ સામે ઝૂકવું પડ્યું. એટલું જ નહીં, આખો દેશ સળગી ઊઠ્યો અને અંતે સત્તાપરિવર્તનની નોબત વાગી. પહેલા માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામેની નારાજગી સમુ જણાતું આંદોલન હકીકતે પૂરેપૂરી તૈયારી સાથેની જનક્રાંતિ હતી કે કોઈ મહાસત્તાની ઊંડી ચાલ હતી, તે અંગે ચર્ચાઓ તો પહેલેથી જ ચાલી રહી હતી અને હવે વાસ્તવિક સત્ય બહાર આવે, તેની રાહ જોવાઈ રહી છે. અત્યારે તો વચગાળાના મહિલા વડાપ્રધાનમાં સૌએ ભરોસો મૂક્યો છે.
જાપાન
જાપાનમાં વડાપ્રધાન ઈશિબાનું રાજીનામું પણ જનાક્રોશ અને આંતવિરોધના કારણે પડ્યું હોવાનું કહેવાય છે. જાપાનમાં પણ ભારતની જેમ મોંઘવારી, આર્થિક બદહાલી છે. તે ઉપરાંત આંતરિક રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય પ્રેસરના કારણે જનતામાં નિરાશા વ્યાપી હતી અને તાજેતરની બે-ત્રણ સ્થાનિક ચૂંટણીઓમાં ઈશિબાની પાર્ટીના પરાજય પછી નૈતિક્તાના ધોરણે રાજીનામું પડ્યું હોવાનું મનાય છે. જાપાનમાં નૈતિક્તાના આધારે રાજીનામું આપી દેવાની પરંપરા જળવાઈ રહી છે, જ્યારે આપણા દેશમાં એ પરંપરા કદાચ વિસરાઈ ગઈ છે, અથવા ભારતની રાજનીતિ કદાચ વધુ વિશ્વસનિય બની ગઈ છે, તેથી નેતાઓ સત્તા મળ્યા પછી નૈતિક્તાના ધોરણે રાજીનામું આપવાનું તો દૂર રહ્યું, અદાલતમાં સજા થાય તો પણ સત્તા પર ચિટકી રહેવા લાગ્યા છે.
જાપાનમાં આ પહેલા પણ શિંઝો આબે એ વર્ષ ર૦૦૭ અને વર્ષ ર૦ર૦ માં વડાપ્રધાન પદ્દેથી રાજીનામું આપ્યું હતું, જો કે સપ્ટેમ્બરના અંત સુધી શિગેરૂ ઈશિબાને સત્તા સંભાળવા જણાવાયું છે. જાપાનમાં નૈતિક્તા અને દેશહિત અથવા જનતાની નારાજગીના કારણે વડાપ્રધાનપદ ત્યાગી દેવાની જે પરંપરા છે, તેની ચર્ચા વૈશ્વિક ફલક પર અવારનવાર થતી જ રહે છે.
ફ્રાન્સ
ફ્રાન્સમાં પણ વિચિત્ર સ્થિતિ ઉપસ્થિત થઈ છે. તાજેતરમાં નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન ફ્રેન્કોઈસ બેૈરોઉ ૩૬૪ સામે ૧૯૪ મતે વિશ્વાસનો મત હારી જતા તેના મિત્ર અને રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઝટકો લાગ્યો છે.
ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખ પાસે વધુ સત્તાઓ હોય છે, પરંતુ પોતાના મિત્ર અને વડાપ્રધાન ફ્રેન્કોઈસે વિશ્વાસનો મત ગુમાવ્યા પછી, હવે ત્યાંનો વિપક્ષ રાષ્ટ્રપ્રમુખ પદેથી ઈમેન્યુઅલ મેક્રો પણ રાજીનામું માંગી રહ્યા હતાં. તે પછી જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે.
હકીકતે ફ્રાન્સમાં એક વર્ષમાં ચોથા વડાપ્રધાન બદલાયા હોવાથી મેક્રો પર ભીંસ વધી છે, અને હવે નવા વડાપ્રધાન કેટલા ટકશે અને ફ્રાન્સનું શું થશે તેવી વિટંબણા વચ્ચે ત્યાં પણ સંસદને વિખેરીને નવી ચૂંટણી યોજવાની અથવા મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો અથવા મેક્રોના રાજીનામાની અટકળો પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે વિશ્વસમુદાયની સામે જ છે. ફ્રાન્સમાં પણ રાષ્ટ્રપતિને હટાવતા તોફોનો શરૂ થયા પછી નવા પ્રશ્નો ઉઠ્યા છે.
ગ્રીસ
ગ્રીસમાં વસ્તીઘટાડાની સમસ્યા નિવારવા લેવાયેલા કેટલાક પગલાંએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ગ્રીસની સરકારે વસ્તી વધારવા માટે રૂ. ૧૬,પ૬૩ કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. ત્યાં પણ હવે અન્ય કેટલાક આ જ પ્રકારની સમસ્યા ધરાવતા દેશની જેમ વધુ બળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરાશે, એટલું જ નહીં, ઈનામો અને કરવેરામાં છૂટછાટ તથા કેટલીક બબતોમાં પ્રાયોરિટી પણ અપાશે. આ માટે નવા નિયમો પણ ઘડાયા છે, તે મુજબ ચાર બાળકો ધરાવતા દંપતીઓને ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી દેવામાં આવશે. યુરોપમાં સૌથી ઓછો જન્મદર ધરાવતા ગ્રીસની આ યોજના ટોક ઓફ ધ વર્લ્ડ બની છે.
તુર્કીયે
તુર્કીયેમાં પણ આંતરિક અસંતોષનો જવાળામુખી ફાટ્યો હોય તેમ ઈસ્તંબુલમાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયા પછી સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હકીકતે અઠવાડિયા પહેલા એક અદાલતે વર્ષ ર૦ર૩ ની ચૂંટણીના પરિણામોને રદ્ કરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે, અને વિપોને દબાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાના ત્યાંની સરકાર સામે આક્ષેપો થઈ રહ્યા છે. તુર્કીયેના પ્રેસિડેન્ટ એર્દોગન સ્વતંત્ર રાજકીય સંસ્થાઓને નાબૂદ કરીને એકચક્રી શાસન ચલાવવા માંગતા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.
બાંગલાદેશ
નેપાળમાં જનક્રાંતિ થઈ કે પછી કોઈ ઊંડી રાજનીતિ હેઠળ આંદોલન થયું, તે હવે ખબર પડશે, પરંતુ હાલતુરંત ત્યાં સેનાએ નિયંત્રણ સંભાળ્યું, તેવી જ રીતે બાંગલાદેશમાં આ જ પદ્ધતિથી વડાપ્રધાન શેખ હસીનાને ખુરશી છોડવી પડી હતી. તે પછી ત્યાં સેનાએ હસ્તક્ષેપ કરીને વચગાળાની સરકાર રચાઈ હતી. હવે ફરીથી બાંગલાદેશમાં હિંસા ભડકી હોવાના અહેવાલો છે. ત્યાં કટ્ટરપંથીઓએ એક સુફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢીને સળગાવ્યા પછી દરગાહમાં તોડફોડ કરી. તે પછી સુફી સંતના અનુયાયીઓ અને કટ્ટરપંથીઓ વચ્ચે અથડામણમાં ૧૦૦ થી વધુ લોકો ઘાઠલ ગયા હતાં. તે ઉપરાંત એક રાજકીય પક્ષની ઓફિસમાં તોડફોડ કરીને સળગાવી નાંખવાનો પ્રયાસ થયો. આમ, બાંગલાદેશ પર ફરીથી રાજકીય અનિશ્ચિતતા તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ જણાય છે.
આખી દુનિયા હાલક-ડોલક
અત્યારે ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક ભારે પૂર તો ક્યાંક લેન્ડ સ્લાઈડના કારણે સંખ્યાબંધ લોકોના સામૂહિક મૃત્યુ થઈ રહ્યા છે. વાવાઝોડા-સુનામી અને ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. આતંકી-ત્રાસવાદી અને ઉગ્રવાદી-વિચારધારા વધુ આક્રમક બનીને હત્યાકાંડો સાથે વિનાશ સર્જી રહી છે. દુનિયાના જુદા જુદા ખંડોમાં યુદ્ધો ચાલી રહ્યા છે, હુમલાઓ થઈ રહ્યા છે અને જાન-માલ અને પર્યાવરણને ભારે નુક્સાન થઈ રહ્યું છે. પ્રકૃતિ પણ પલટી મારી રહી હોય અને નેચરનો 'નેચર' બદલાઈ રહ્યો હોય તેમ રણપ્રદેશોમાં ભારે વરસાદ થતા ત્યાં પૂર આવી રહ્યા છે, અને અનેક સ્થળે જલપ્રકોપ, જલભરાવ અને જળતાંડવથી જિંદગીઓ તણાઈ રહી છે. આખી દુનિયા જાણે મીની પ્રલય દસ્તક દઈ રહ્યો હોય, તેમ હાલક-ડોલક થઈ રહી છે. આ તમામ વિટંબણાઓ ઝડપથી શાંતિમય રીતે ઉકેલાઈ જાય, તેવું પ્રાર્થીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial