Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે તબાહી મચી ગઈ છે અને ધરાણી ગામનો મોટો હિસ્સો વાદળ ફાટતા આવેલા પૂરમાં તણાઈ ગયો, તે પછી સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો બીજી તરફ ટ્રમ્પ ટેરરની તનાતની ચાલી રહી છે અને ભારત સાથે સંબંધ બગાડવા સામે ટ્રમ્પને ઘરઆંગણે જ એડવાઈઝ અપાઈ રહી છે. આ બંને મુદ્દા કુદરતી અને કૃત્રિમ રાષ્ટ્રીય કટોકટી જેવા જ ગણાય. હવે ટ્રમ્પને ક્ષોભિલા પડવું પડે તેવા પ્રત્યાઘાતો આપ્યા પછી પૂર્વ અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીને ટ્રમ્પ કેવો પ્રતિભાવ આપે છે, તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે ચૂંટણી પહેલાના મિત્ર અને ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પ શાસનનો હિસ્સો બનેલા એલન મસ્કની દશા ટ્રમ્પે કેવી રીતે બગાડી નાખી, તે આપણી સામેજ છે ને ?
ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ ઉપરાંત જો ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખે તો હજુ વધુ ટેરિફ લાદવાની ચિમકી આપ્યા પછી ભારતે ટ્રમ્પને આયનો દેખાડયો અને અમેરિકા પોતે જ રશિયાથી ઓઈલ તો ખરીદે જ છે, પરંતુ અન્ય ક્ષેત્રે પણ જંગી આયાત કરે છે, તેના આંકડાઓ સાથેના અહેવાલો પછી હવે ટ્રમ્પે એવું કહ્યું છે કે તેમનો દેશ રશિયા સાથે આટલો વ્યાપાર કરે છે, તે તેને પોતાને તો ખબર જ નથી !
હવે ટ્રમ્પ આ મુદ્દે તપાસ કરાવવાની વાત કરે છે, જે ગળે ઉતરે તેવી નથી. અમેરિકા જેવી મહાસત્તાના વડાને તેના પ્રતિસ્પર્ધી (હવે પુનઃ દુશ્મન) શક્તિશાળી દેશ સાથે થતા વ્યાપારની ખબર જ ન હોય, તેવું બને જ નહીં, અને તેવું જ હોય તો ટ્રમ્પમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે રહેવાનું કૌશલ્ય કે સત્તામાં રહેવાનો અધિકાર જ ન હોવો જોઈએ. અમેરિકા માટે પણ ટ્રમ્પ હવે ખતરનાક જ બની રહ્યા હોવાના પ્રત્યાઘાતો ઘરઆંગણે જ પડવા લાગ્યા છે. ગઈકાલથી જ મીડિયામાં નિક્કી હેલી છવાયેલા છે. તેઓ યુનોમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજો બજાવી ચૂક્યા છે અને હાલમાં રિપબ્લિક પાર્ટીના મજબૂત નેતા છે. તેણીએ સોશ્યલ મીડિયા પર એવું લખ્યું છે કે ભારતે રશિયા પાસેથી તેલ ક્રૂડ ન ખરીદવું જોઈએ, પણ અમેરિકાના દુશ્મન દેશ ચીન પણ રશિયા અને ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે, તેને ૯૦ દિવસની ટેરિફમૂક્તિ આપી છે. ચીનને આવી રાહત ન આપો અને ભારત જેવા મજબૂત દેશ સાથે સંબંધો બગાડવા ન જોઈએ. પોતાની જ રાજકીય પાર્ટીના નેતાની આ સલાહ ટ્રમ્પ માટે ઝટકા સમાન છે.
ગઈકાલે ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને યુક્રેન યુદ્ધને અવગણી રહ્યું છે; તેથી અમેરિકા નોંધપાત્ર રીતે ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યું છે, તે પછી નિક્કી હેલીએ ટ્રમ્પને આપેલી સલાહ અને અમેરિકાનો રશિયા સાથે છેલ્લા પાંચ મહિનામાં ૨૩ ટકાના વધારા સાથે બે અબજ ડોલરથી પણ વધારી દેવાયો હોવાના ભારતે આપેલા જવાબ તથા તે પછી પણ ટ્રમ્પે આ વ્યાપાર અંગે જ અજ્ઞાનતા વ્યક્ત કરી, તે તમામ મુદ્દા અત્યારે ગ્લોબલ ટોકીંગના મુદ્દા છે, જ્યારે બિહારની રાજનીતિના દિલ્હી સુધી પડઘા પડતા પ્રભાવિત થયેલી સંસદની કાર્યવાહી ઠપ્પ થઈ રહી છે, તથા ઉત્તરાખંડમાં વાદળો ફાટતા, નદીઓમાં ભારે પૂર આવતા અને લેન્ડ સ્લાઈડના કારણે સર્જાયેલી તારાજીના અહેવાલો ટોક ઓફ ધ નેશન બન્યા છે. જો કે, પાંચમી ઓગષ્ટે જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિધનનો યોગાનુયોગ પણ ચર્ચાઈ રહ્યો છે.
આપણા દેશમાં હવે નદીઓ, પહાડો, ભૂકંપગ્રસ્ત રહેતા વિસ્તારો, દરિયાકિનારાઓ અને રેલવેલાઈનોની તદ્દન નજીક વગર વિચાયુે અને આડેધડ ઊભી થઈ જતી વસાહતો જીવલેણ તબાહીને નોતરે તેવી બની રહી છે, પહેલા દરિયાકાંઠે કે નદીકાંઠે નજીકમાં સામાન્ય સ્થિતિમાં એવા પોર્ટેબલ નાનકડા ઘરો બનાવતા, જે તત્કાળથી ખસેડી શકાય, પરંતુ હવે તો છેક કિનારાઓને અડીને પાક્કા મજબૂત મોટા મોટા મકાનો બનાવી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે માનવજિવન અને અન્ય જીવસૃષ્ટિ પર ખતરો મંડરાતો રહે છે.
ઉત્તરાખંડમાં જે તારાજી સર્જાઈ, તે આખા દેશ માટે બોધપાઠરૂપ છે. પ્રવાસન વિકાસના નામે પહાડો પર ખડકાયેલા વિકાસના માચડા પ્રકૃતિને એવી રીતે અવરોધી રહ્યા છે કે જેથી વિનાશક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. અડધું ગામ તણાઈ જાય, એ સ્થિતિ જ કેમ ઊભી થઈ ? નદીઓને તદૃન અડીને સિમેન્ટના જંગલો કેવી રીતે ખડકાઈ ગયા ? તેવા સવાલોનો જવાબ કોઈ પાસે નથી. આ પ્રકારના પ્રશ્નો વિપક્ષો ઉઠાવે ત્યારે અત્યારે સત્તામાં હોય તે પક્ષ ભૂતકાળમાં કોણ શાસનમાં હતું ? તેવું જણાવીને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કરે છે, તો ભૂતકાળમાં સત્તાનો પોતાના સમયગાળામાં થયેલી (ઈરાદાપૂર્વકની) ભૂલો સ્વીકારવા વિપક્ષ તૈયાર હોતો નથી. જવાબદારીની આ ફેંકાફેંકીના પૂર્વ આયોજિત નાટકમાં સામાન્ય જનતા હંમેશા પીસાતી રહે છે, છેતરાતી રહે છે અને સ્વજનોને ગુમાવતી રહે છે. એક તરફ કુદરત કહેર મચાવી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના ટેરિફ ટેરરનો પ્રકોપ છે, ત્યારે આપણે જ નક્કી કરવાનું છે કે કૌન કિતને પાની મેં હૈ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial