Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પે ફાર્મા પર ૧૦૦, કિચન કેબિનેટ પર ૫૦, ફર્નિચર પર ૩૦ અને ટ્રક પર ઝીંકયો ૨૫ ટકા ટેરિફ

ભારતની ફાર્મા નિકાસમાં અમેરિકાનો હિસ્સો ૩૧ ટકાઃ નવા દરો ભારત માટે ઝટકા સમાનઃ ખળભળાટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા ઈન્ડસ્ટ્રી પર ૧૦૦ ટકા ટેરિફ લાદતાં ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. ભારતની કુલ ફાર્મા નિકાસમાં ૩૧ ટકાથી વધુ હિસ્સો અમેરિકાનો છે. આ ઉપરાંત કિચન કેબિનેટ પર ૫૦ ટકા, ફર્નિચર પર ૩૦ ટકા અને ટ્રકની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત સહિત આશરે ૧૦ દેશોના વેપારને નુકસાન થશે. આ નિર્ણયથી ઈન્વેસ્ટરો તથા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

વધુ એક મોટો નિર્ણય કરતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ૧ ઓકટોબરથી વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર ભારે ભરખમ ઈમ્પોર્ટ ડયુટી વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર ૧૦૦% ટેક્સ, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર ૫૦% , અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર ૩૦% અને ભારે ટ્રક પર ૨૫% ટેક્સ લાદવામાં આવશે.

ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, *૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી, અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર ૧૦૦% ટેરિફ લાદીશું. કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ *બ્રેકિંગ ગ્રાઉન્ડ* અથવા *અંડર કન્સ્ટ્રક્શન* ની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.

એક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે અમે ૧ ઓક્ટોબર ૨૦૨૫ થી તમામ કિચન કેબિનેટ, બાથરુમ વેનિટી અને સંબંધિત પ્રોડક્ટ સામે ૫૦% ટેરિફ લગાવીશું. આ ઉપરાંત અમે અપહોલ્સટર્ડ ફર્નિચર સામે ૩૦% ટેરિફ લગાવીશું. તેનું કારણ એ છે કે બહારના દેશો દ્વારા અમેરિકામાં આ પ્રોડક્ટસની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. આ એક અયોગ્ય વર્તન છે પણ અમારે રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય કારણોસર અમારી વિનિર્માણ પ્રક્રિયાની રક્ષા કરવી પડશે.

ટ્રમ્પના આ નિર્ણયથી ઈન્વેસ્ટરો તથા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ફાર્મા ઈન્ડસ્ટ્રી પર ૧૦૦ ટકા ટેરિફની અસર ભારત સહિત ૧૦ દેશો પર થશે. ૨૦૨૪માં અમેરિકામાં કુલ ૨૩૪ અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ થઈ હતી. અમેરિકાને સૌથી વધુ નિકાસ આયર્લેન્ડ કરે છે. જેણે ૨૦૨૪માં ૬૫.૭ અબજ ડોલરની નિકાસ કરી હતી. ભારતમાંથી જેનરિક દવાની કુલ નિકાસમાંથી ૪૧ ટકા નિકાસ અમેરિકામાં થાય છે. સ્વિટ્ઝરલેન્ડ અને જર્મની પણ અમેરિકામાં ફાર્મા પ્રોડક્ટ્સ વેચી રહૃાા છે. જેણે હવે અમેરિકાને વધુ ટેક્સ ચૂકવવો પડશે. સિંગાપોર, ભારત, બેલ્જિયમ, ઈટલી, ચીન, બ્રિટન અને જાપાન પણ ટેરિફ ઈફેક્ટનો ભોગ બનશે.

ભારતની કુલ ફાર્મા નિકાસમાં અમેરિકાનો ફાળો બહુમૂલ્ય છે. ભારત અમેરિકામાં ૧૩ અબજ ડોલરની ફાર્મા નિકાસ કરે છે. જે અમેરિકાની કુલ નિકાસના ૬ ટકા છે. ૨૦૨૪માં ભારતે અમેરિકાને ૮.૭૩ અબજ ડોલરની નિકાસ કરી હતી. જે ભારતની કુલ નિકાસના ૩૧ ટકા છે. જો કે, ભારતની બ્રાન્ડેડ અને પેટન્ટ કરતાં જેનરિક દવાનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. જેથી ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રી પર ૧૦૦ ટકા ટેરિફની સીધી અસર થશે નહીં. પરંતુ ડો. રેડ્ડીઝ, સન ફાર્મા, લુપિન, અને ઓરબિંદો જેવી ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટેરિફના કારણે બ્રાન્ડેડ દવાઓના ભાવ બમણા થશે.

કેન્સર અને વજન ઘટાડતી દવાઓ મોંઘી બનશે. જેનાથી મેડિકલ ખર્ચ વધશે. ટેરિફથી બચવા માટે ભારતીય કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ સ્થાપિત કરવા વિચારી શકે છે. જેનાથી તેના પર આર્થિક બોજો વધશે.

અમેરિકાને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ૧૧૫.૫ અબજ ડોલરની વેપાર ખાધ આવી છે. વર્ષ ૨૦૨૬માં આ વેપાર ખાધ ઘટાડવા માટે ટ્રમ્પે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ફાર્મા સેક્ટરમાં વિશ્વનું ટોચનું આયાતકાર  અને બીજું સૌથી મોટું નિકાસકાર છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલિસીના કારણે સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટેરિફના કારણે અમેરિકામાં મોંઘવારી વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh