Advertisement
Author: નોબત સમાચાર

૫ી.પી.પી. મોડેલમાં "પ્રાઈવેટ"ને પ્રાયોરિટી ? જામ્યુકોના બજેટમાં પણ ખાનગીકરણની જોગવાઈ ? ક્યો મુદ્દો બન્યો "ટોક ઓફ ધ ટાઉન" ?

                                                                                                                                                                                                      

આધુનિક યુગને અનુરૂપ અને જેનઝેડની અપેક્ષાઓ મુજબ ઈન્ફ્રાસ્ટ્રકચર, સુવિધાઓ અને વ્યવસ્થાઓનો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ થાય, અને  તેમાં જનસહયોગ કે લોકભાગીદારીનો અભિગમ અપનાવાય, તો તેમાં કાંઈ ખોટું નથી અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટીશિપેશન (પી.પી.પી.)નું મોડેલ અપનાવીને આ પ્રકારના ઘણાં વિકાસ, નગર સુશોભન અને પરિવહન, પ્રવાસન અને પબ્લિક પ્રોટેકશનના કામો થયા પણ છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થશે. જયારે વિકાસકામોમાં જનસહયોગની વાત થઈ હતી અને વીસેક વર્ષ પહેલાં વિકાસ પ્રક્રિયામાં જનસહભાગિતા એટલે કે પબ્લિક કો-ઓર્ડિનેશન તથા પબ્લિક પાર્ટનરશીપનો કોન્સેપ્ટ અપનાવાયો હતો, ત્યારે એવું લોજિક હતું કે લોકોનો વિકાસ પ્રક્રિયા તથા એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રે સહયોગ લેવાથી અને લોકોને તેમાં સહભાગી બનાવવાથી લોકોમાં વિકાસના કામોમાં પોતીકાપણાંની ભાવના રહે છે. અને પબ્લિક અસ્કયામતો અને સુવિધાઓની યોગ્ય જાળવણીમાં પણ લોકો જાગૃત રહેશે. આ કોન્સેપ્ટ કેટલાક અંશે સફળ પણ થયો અને લોકો, તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મળીને કામો ગણવત્તાવાળા નિર્માણ થાય, તેનો યોગ્ય નિભાવ અને દેખરેખ થાય, તથા તેને નુકસાન કે બગાડ ન થાય, તેનું ધ્યાન રાખવા લાગ્યા હતા.

સમયની સાથે આ કોન્સેપ્ટમાં "પ્રાઈવેટ" શબ્દ જોડાયો. પબ્લિક કો-ઓર્ડિનેશન તથા પબ્લિક પાર્ટિશીપેશનમાં "પ્રાઈવેટ" શબ્દ ઉમેરાયો અને તેમાંથી જ ઉદ્ભવ્યો નવો "પબ્લિક-પ્રાઈવેટ પાર્ટિશિપેશન" કોન્સેપ્ટ એટલે કે પીપીપી મોડેલ !

ઘણાં લોકો પબ્લિક-પ્રાઈવેટ પાર્ટિશિપેશનનું અર્થઘટન જાહેર અકસ્માયતો અને સેવાઓમાં ખાનગી ક્ષેત્રની સહભાગિતા તથા વિકાસ કામોમાં ખાનગી ક્ષેત્રના સહભાગી તરીકે કરે છે, તો ઘણાં લોકો આ કોન્સેપ્ટ દાયકાઓ પહેલાંથી અલગ સ્વરૂપે મોજુદ હોવાનો દાવો પણ કરે છે. આ શબ્દપ્રયોગનું અર્થઘટન ભલે જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય, પરંતુ ધીમે ધીમે પીપીપી મોડેલમાં "પ્રાઈવેટ" સેકટર હાવી થઈ ગયું અને "પબ્લિક" હાંસિયામાં ધકેલાઈ ગઈ હોવાનો આભાસ પણ ઊભો થવા લાગ્યો હતો.

ગુજરાત પછી આખા દેશમાં આ પીપીપી મોેડેલ વ્યાપી ગયું. આ મોડેલ કેટલું સફળ રહ્યું અને કેટલું નિષ્ફળ ગયું, તે ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ નાના ગામડાની મુળભૂત સુવિધાઓથી લઈને દેશના મેગા પ્રોજેકટો સુધી આ મોડેલ સ્વીકૃત બન્યું છે અને કેન્દ્ર સરકારના જ નહીં, વિવિધ પક્ષો દ્વારા શાસિત રાજ્ય સરકારોમાં પણ આ મોડેલ કોઈને કોઈ સ્વરૂપે અમલમાં જ છે, અને આ કોન્સેપ્ટ હેઠળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા પણ આ મોડેલ અપનાવાઈ રહ્યું છે, જેમાં ગુજરાત, હાલારના બંને જિલ્લા અને જામનગર શહેરનો પણ સમાવેશ થાય છે. આ મોેડેલની ખૂબીઓ અને ખામીઓ સિક્કાની બે બાજુ જેવી છે, અને બંને બાજુઓને ધ્યાને લેવી પણ અત્યંત જરૂરી છે.

ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશનમાં પીપીપી મોડેલ અથવા જાહેર-ખાનગી ભાગીદારીના ફાયદા અને ગેરફાયદાની હંમેશાં ચર્ચા થતી રહે છે. આ મોડેલ હેઠળ પ્રાઈવેટ સેકટર ઈન્વેસ્ટમેન્ટ કરે છે, અને સરકાર નિયમન અને અમલ કરે છે. ખાનગી કંપનીઓ સાથે આ માટે કરાર કરવામાં આવે છે. આ મોડેલ હેઠળ નિર્માણ થયા પછી અથવા પ્રોજેકટ પૂરો થયા પછી સંપત્તિ સરકારને સોંપી શકાય છે. હવે તો કેટલીક સેવાઓ અને ડિજિટલ વ્યવસ્થાઓ પણ પીપીપી મોડેલથી ચલાવાઈ રહી છે. ગુજરાતમાં પ્રારંભમાં જ "સ્કોપ" જીકેએસ (ગુજરાત નોલેજ સોસાયટી) તથા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પીપીપી મોડેલની પહેલ થઈ હતી.

કેન્દ્ર સરકાર વી.જી. ફંડના માધ્યમથી સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટસ માટે નિયત પ્રમાણમાં નાણાકીય સહાય પૂરી પાડે છે. આ મોડેલના અમલીકરણના અનુભવે આ મોડેલના ફાયદા-ગેરફાયદાઓ અંગે ભિન્ન-ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે અને કેટલાક પ્રોજેકટોમાં ખાનગી ક્ષેત્રનો વધુ ફાયદો થતો હોવાની ચર્ચા પણ થતી રહે છે.

જામનગરમાં પણ પીપીપી મોડેલ અંતર્ગત કેટલીક માળખાકીય સુવિધાઓ, પ્રાથમિક જરૂરિયાતો અને જનલક્ષી સેવા-સગવડોના કામો થયા છે, જે પૈકી કેટલાક કામોમાં વિલંબ પણ થયો હશે અને વિવાદો પણ સર્જાયા હશે, પરંતુ "સત્તા સામે શાણપણ નકામું" તે કહેવત મુજબ અંતે તો શાસકો જ અને તંત્રોનું જ ધાર્યું થયું હશે.

હમણાંથી નગરના કેટલાક મુખ્ય સર્કલોનો પીપીપી મોડેલથી વિકાસ કરવાની વાતો થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં કરાયેલા કેટલાક વિકાસના કામોના નવીનીકરણ કે પછી ખાનગી ક્ષેત્રના માધાંતાઓના સહયોગથી નવી સુવિધાઓ કરવા માટે પીપીપી મોડેલનો વિકલ્પ અપનાવાશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

હાલારમાં બજેટની મોસમ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બજેટ રજૂ થઈ રહ્યા છે. સંસદમાં તો બજેટ રજૂ થયા પછી બખેડો ઊભો થયો અને કેટલાક દિવસો બરબાદ થયા પછી ગઈકાલે બજેટને લઈને થોડી ચર્ચા થઈ હતી. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર પણ ૧૬મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે, જયારે જામનગર મહાનગરપાલિકાનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરીને જનરલ બોર્ડને સોંપ્યું છે.

જામ્યુકોના બજેટના ઘણાં પ્રતિભાવો સામે આવ્યા છે, અને વિવિધ મુદ્દે અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે. આ પૈકીનો એક મુદ્દો હવે રસ્તાનું ખાનગીકરણ થવાનું છે કે પછી પીપીપી મોડેલ હેઠળ કેટલાક માર્ગોને મનઘડંત રીતે મોડિફાઈ કરવાની ઉઠેલી આશંકાઓનો પણ છે, અને આ આશંકાઓની સાથે પવિત્ર સ્થળો પણ સંકળાયેલા હોવાથી ગઈકાલથી આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.

જામ્યુકોના બજેટમાં બાલા હનુમાન, સત્યનારાયણ મંદિર વગેરેને સાંકળતા રસ્તાને અસર કરે અથવા જાહેર રસ્તાનું ખાનગીકરણ કરવાની હિલચાલ થતી હોય, તેવી જે આશંકારો ઊભી થઈ હતી. તેની જ ચર્ચા ગઈકાલથી થઈ રહી હતી. કોઈપણ પ્રકારના ખાનગીકરણ કે રસ્તો પ્રતિબંધિત થાય કે વાહન-વ્યવહાર અવરોધતો હોય, તેવા વિકાસકામો કરતા પહેલા સંબંધિત સ્ટેક હોલ્ડર્સ (હિતધારકો) ને વિશ્વાસમાં લેવા જોઈએ. આ અંગે જો કોઈ ધાર્મિક સંસ્થા, જાગૃત નાગરિક કે મંદિરના સંચાલક કે પૂજારી દ્વારા કોઈ સૂચન કે રજૂઆત થઈ રહી હોય, તો તેને લક્ષ્યમાં લઈને જ આગળ વધવું જોઈએ, તથા શક્ય હોય ત્યાં સુધી કોઈ માર્ગોનું ખાનગીકરણ થાય કે પીપીપી મોડેલ અપનાવાય તેવા પ્રોજેકટો નિવારવા જોઈએ, તેવા સ્થાનિક જનમતને અવગણવા જેવો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh