Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરાખંડના થરાલીમાં વાદળ ફાટતા ભારે તારાજીઃ ભયનો માહોલ

રાજસ્થાનના ૧૧ જિલ્લા એલર્ટ પરઃ એમ.પી.ના ૧૩ જિલ્લામાં વોર્નિંગઃ હિમાચલમાં પણ ભારે વરસાદઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટતા તબાહીનું તાંડવ મચ્યું છે. યમોલીના થરાલીમાં મધરાતે વાદળ ફાટ્યું તે પછી અનેક ઘરો અને દુકાનો ક્ષતિગ્રસ્ત થઈ છે. માર્ગોને ભારે નુક્સાન થકયું છે. ૩ લોકો લાપત્તા છે. રાહત-બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશથી ભયનો માહોલ છે. દેવભૂમિમાં ઉત્તરકાશીના ધારાલી, હર્ષિલ, સુખી ટોપ અને સ્યાનચટ્ટી પછી હવે ચમોલીના થરાલીમાં આવેલી કુદરતી આફતે લોકોને ગભરાટમાં મૂકી દીધા છે. થરાલી તાલુકા હેઠળના ટ્રનરી ગડેરામાં વાદળ ફાટવાના સમાચાર છે. વાદળ ફાટવાના કારણે લોકો ગભરાટમાં છે. ઘટનામાં એક વ્યક્તિ કાટમાળ નીચે દટાઈ ગઈ હોવાની પણ માહિતી છે.

પોલીસ અને વહીવટી તંત્રી ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ભારે વરસાદ અને કાટમાળને કારણે ઘણા ઘરો, દુકાનો અને રસ્તાઓને નુક્સાન થયું છે. વહીવટી તંત્ર અને એસડીઆરએફ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

વાદળ ફાટવાની સૌથી વધુ અસર થરાલી બજાર, કોટદીપ અને તહસીલ પરિસરમાં જોવા મળી હતી. અહીં કાટમાળ તહસીલ પરિસર, એસડીએમ. નિવાસસ્થા અને ઘણાં ઘરોમાં ઘૂસી ગયો. તહસીલ પરિસરમાં પાર્ક કરેલા ઘણાં વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. શહેરના રસ્તાઓ એટલા કાટમાળથી ભરાઈ ગયા હતાં કે તે તળાવ જેવા દેખાવા લાગ્યા હતાં. નજીકના સાગવારા ગામમાં કાટમાળ નીચે દટાઈ જવાથી એક નાની છોકરીનું મોત થયું હતું.

આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતાં. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક રાહત કાર્ય માટે ગામમાં પહોંચી હતી. ચેપ્ઠોન બજારમાં કાટમાળને કારણે ઘણી દુકાનોને નુક્સાન થયું હતું. ઉપરાંત એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે, જેના કારણે સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ છે.

ભારે વરસાદ અને કાટમાળને કારણે મિંગગાડેરા નજીક થરાલી-ગ્વાલડમ રોડ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત થરાલી-સગવારા રોડ પણ બ્લોક થઈ ગયો છે. આ બે માર્ગો બંધ થવાને કારણે વિસ્તારમાં અવજરવર ઠપ્પ થઈ ગઈ છે અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૌચરથી રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (એસડીઆરએફ) ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વહીવટી તંત્રે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સુચનાઓ આપી છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનની ટીમ મિંગગડેરા નજીકનો રસ્તો ખોલવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ટ્રાફિક અને રાહત કાર્ય જલદી સુગમ થઈ શકે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંતરે શનિવાર (ર૩ ઓગસ્ટ ર૦રપ) માટે થરાલી તહસીલની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સતત સ્થળ પર હાજર છે અને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.

બીજી તરફ રાજસ્થાનના ૧૧ જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. ચિત્તોડગઢ, બારન, ટોંક, સવાઈ માધોપુર, ઝાલાવડ, કોટા, બુંદી, ડુંગરપુર, ભીલવાડામાં શનિવારે શાળાઓ બંધ રહેશે.

બુંદીના નૈનવાનમાં ૯ કલાકમાં ૧૩ ઈંચ પાણી પડી ગયું. ભીલવાડાના બિજોલિયામાં ર૪ કલાકમાં ૬.પ ઈંચ વરસાદને કારણે પંચનપુરા ડેમ ઓવરફ્લો થઈ ગયો. એરૂ નદી છલકાઈ ગઈ. જયપુરમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

બીજી તરફ ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના ૧૩ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે ભોપાલ સહિત ર૦ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ૧૦ જૂને રાજ્યમાં ચોમાસું બેઠું ત્યારથી સરેરાશ ૩૩.૬ ઈંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં ર૭.૪ ઈંચ વરસાદ પડવાનો હતો. આ મુજબ ૬.ર ઈંચ વધુ પાણી પડ્યું છે.

હિમાચલ પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં ર૩ થી ર૬ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૦પ સહિત ૩૩૪૭ રસ્તાઓ હજુ પણ બંધ છે. ર૦ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ર૯પ લોકોના મોત થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh