Advertisement
Author: નોબત સમાચાર

'અમે શાંત છીએ સંત નહીં, આ શરૂઆત છે, અંત નહીં...' બગાવત કે બીજુ કાંઈ ?

                                                                                                                                                                                                      

આજે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગરની મુલાકાત અને સંલગ્ન કાર્યક્રમો તથા જામનગર સહિત કેટલાક જિલ્લાઓના વિકાસ પ્રોજેકટોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત ભાવનગર જિલ્લાના વિકાસકામો માટે કરોડો રૂપિયાના લોકસુવિધાના કામોની ભેટ આપવાના છે, તેવો જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે ભાવનગરની ધરતી પરથી વડાપ્રધાને જે કાંઈ કહ્યું છે અને જે નવા વિકાસ લોકકલ્યાણના કામોની જાહેરાત થઈ રહી છે, એ પછી રાજ્યમાં ફરીથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. વડાપ્રધાનની ગુજરાતની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે રાજ્યમાં એક તરફ ભારતીય જનતા પક્ષમાં  આંતરિક સખળ-ડખળ ચાલી રહી છે, અને બીજી તરફ કોંગ્રેસના જુનાગઢના રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમો તથા રાહુલ ગાંધીની મુલાકાત પછી રાજ્યમાં કોંગ્રેસની સક્રિયતા વધી રહી છે. રાજ્યમાં આમઆદમી પાર્ટી પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નવેસરથી સોગઠી મારવાની તૈયારી કરી રહી છે, તે જોતાં એવું જણાય છે કે ટૂંક સમયમાં ગુજરાતમાં કાંઈક નવાજૂની થવા જઈ રહી છે.

થોડા સમય પહેલા એવી વાતો વહેતી થઈ હતી કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિની સાથે સાથે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ જશે અને તે સમયે અત્યારે રાજ્ય સરકારના મંત્રીમંડળના કેટલાક સભ્યોને સંગઠનમાં મોકલાશે અને સંગઠનમાંથી કેટલાક ધારાસભ્યોને રાજ્યના મંત્રીમંડળમાં સમાવાશે. અત્યારે મુખ્યમંત્રી માટે "મજબૂરી" બનેલા બે-ત્રણ વિવાદાસ્પદ અને નબળી કામગીરી કરનારા મંત્રીઓનું મંત્રીપદ છીનવાય જાય અને તેવો હાંસિયામાં ધકેલાઈ જાય, તેવી શક્યતાઓ પણ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

હાલારને સંબંધ છે, ત્યાં સુધી અત્યારે બે કેબિનેટ કક્ષાના મંત્રીઓ મંત્રીમંડળમાં છે, તેથી "નવાજૂની"નો પ્રભાવ હાલારને બહુ નહીં થાય. પરંતુ જો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા તે પછીની વિધાનસભાની ચૂંટણીઓના ગણિત અને સમિકરણોને ધ્યાને રાખીને કદાચ કોઈ ફેરફાર થાય, તો રાજ્ય સરકારના કોઈ "ઉપયોગી" મંત્રીને સંગઠનમાં મોકલીને તેના સ્થાને નવા સમિકરણો મુજબ તથા નવા માપદંડોને ધ્યાને રાખીને મંત્રીમંડળમાં કોઈ સરપ્રાઈઝ્ડ સિલેકશન પણ થઈ શકે છે. આ બધી અટકળો સાથે મંત્રીમંડળમાં કાપકૂપ અને વિસ્તરણ તથા પ્રદેશ કક્ષા તથા જિલ્લા કક્ષાએ સંગઠનમાં પણ ધરમૂળ ફેરફારની ચર્ચા પણ થવા લાગી છે.

ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ જતા ઘણાં નેતાઓની કારકિર્દી પૂરી થઈ ગઈ છે, તો કેટલાક નેતાઓ ગૂંગળામણ અનુભવી રહ્યા હશે, જયારે પક્ષાંતર કરીને ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ બળાપો કાઢી રહ્યા છે, જ્યારે કેટલાક નેતાઓ બળવો કરવાના મૂડમાં ભાજપને સમાંતર કાર્યક્રમો દ્વારા હાઈકમાન્ડને ચેતવી રહ્યા હોય તેમ જણાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ જુનાગઢ જિલ્લા ભાજપમાં વધુ જોવા મળી રહી છે, તેવા સમયે કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન તથા પ્રચારાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ જુનાગઢમાં યોજાયા, તે યોગાનુયોગ છે કે આયોજનપૂર્વકની કોંગ્રસની વ્યૂહરચના છે, તેની ચર્ચા પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.

આ ઉપરાંત ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના પ્રવાસો વધી રહ્યા હોવાથી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય કક્ષાની ધ્યાન ખેંચતી ચૂંટણી બની રહેશે તે નક્કી છે.

આજે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તેમાંથી ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા કડાકા-ભડાકા થશે, તેવા સંકેતો મળી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ પાટીદાર આંદોલનમાંથી નેતા બનીને કોંગ્રેસના પ્રાદેશિક કાર્યવાહક પ્રમુખનો હોદ્દો મેળવ્યો અને તે પછી ભાજપમાં સામેલ થઈને ધારાસભ્ય બનેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશ્યલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે, તે બળાપો છે કે બગાવત છે ? તેવા સવાલો સાથે ગુજરાતની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.

"અમે શાંત છીએ, સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે, આ શરૂઆત છે, અંત નહી...."

આ શબ્દપ્રયોગ કરીને હાર્દિક પટેલનો ઈશારો કોના તરફ છે ? તેની સાથે રાજકીય પંડિતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના પ્રવાસને સાંકળી રહ્યા છે, તથા હાર્દિક પટેલની સોશ્યલ મીડિયાની કથિત પોસ્ટના ટાઈમીંગને સાંકળીને હાર્દિક પટેલે ભાજપમાં ગયા પછી તેના આક્રમક તેવર અંકુશમાં રાખ્યા હતા, તે હવે બગાવતી બની રહ્યા હોવાની અટકળો પણ થઈ રહી છે. આ પહેલા પોતાના મતક્ષેત્રમાં વિકાસના કામો તથા તંત્રના અસહયોગને લઈને ઉપવાસ પર ઉતરવાની ચિમકી પણ રાજય સરકારને આપી હતી. શું ભાજપના અસંતુષ્ટ નેતાઓની નેતાગીરી લઈને હાર્દિક પટેલ કોઈ કડાકા-ભડાકા કરશે કે ફૂગ્ગો ફૂટી જશે ? તે માટે જસ્ટ વેઈટ એન્ડ વોચ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh