Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિરલ વજાણીએ નાની વયે એડીટર તરીકે ફિલ્મો સહિત મનોરંજન ક્ષેત્રમાં મેળવી મોટી પ્રતિષ્ઠા

કિરદારોં કી હદ મૈં તય કરતા હૂં, દાસ્તાનો કા કદ મૈં તય કરતા હૂં:

                                                                                                                                                                                                      

દુનિયા વિચારોથી ચાલે છે. આ વાક્ય અમર છે. કોઈપણ વસ્તુની શોધ કે નવી પરંપરાનો આરંભ એક વિચારથી થતો હોય છે. નાનામાં નાનાથી લઇ મોટામાં મોટા આયોજન વિચાર વડે ઘડાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિચાર એ જ અસલી સોનુ છે. વિચાર ૨૪ કેરેટ ગોલ્ડ છે જેમાં પ્રયાસ અને નિષ્ઠા ઉમેરવાથી ક્રાંતિ થાય છે અને સોનેરી ભવિષ્ય સાકાર થાય છે. સોનીની કામગીરી સોનાને ઘાટ આપવાની-નવી ઓળખ આપવાની છે. ત્યારે જામનગરનો એક સોની યુવાન આ જ કાર્યને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરી રહૃાો છે. વિચાર એ સોનુ છે અને ફિલ્મ એટલે પડદા પર રજૂ થયેલ વિચાર. આ સોનાને ઘાટ આપવાનું કામ એડીટરનું છે. જ્યારે ફિલ્મરૂપી વિચારને મઠારી યોગ્ય ઘાટ આપવામાં આવે છે ત્યારે એ એક પૂર્ણ વાર્તા બને છે. આમ સૂક્ષ્મ રીતે જોઇએ તો એક સુવર્ણકાર અને એક એડીટર બંનેનું કર્મ એકસરખું છે.

'સોનાને આભૂષણ બનાવવાનું' આજે આપણે વાર્તાલાપ કરવો છે એવા યુવાન સાથે જે જ્ઞાતિએ સોની છે અને કર્મથી એ ફિલ્મોમાં તથા એડવર્ટાઝમેન્ટ સહિતના ક્ષેત્રમાં એડીટર તરીકે કાર્યરત છે.

વિરલ જયેશભાઇ વજાણીએ ખૂબ નાની વયે મુંબઇમાં મનોરંજન ક્ષેત્રે એડીટર તરીકે મોટી પ્રતિષ્ઠા સંપાદિત કરી છે. વિરલ અને તેનાં પિતા જયેશભાઇએ 'નોબત'ની શુભેચ્છા મુલાકાત લઇ પત્રકાર આદિત્ય સાથે વાર્તાલાપ કર્યો હતો.

બાળપણથી ફોટોગ્રાફી સહિતની કલાઓનો શોખ ધરાવતા વિરલે ધો. ૧૨ સુધીનો અભ્યાસ શ્રી સત્યસાઇ વિદ્યાલયમાંથી કર્યો હતો. ત્યાર પછી તેણે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાંથી એક્સ્ટર્નલ જર્નાલીઝમનો કોર્સ પણ કર્યો. ઉપરાંત વીએફએકસ સહિતની કલા સંલગ્ન ટેક્નોલોજી માટે પણ તાલીમ મેળવી હાલ એડીટર તથા મોશન ગ્રાફિક અને વીએફએક્સ સુપરવાઇઝર તરીકે કાર્યરત વિરલે માત્ર ૧૮ વર્ષની વયે આ ક્ષેત્રમાં કામ કરવાનું આરંભ કરી દિધું હતું.

બોલીવુડ સેલિબ્રિટીથી લઇ ક્રિકેટ સ્ટાર્સ અને અંબાણી પરીવાર જેવા ધનકુબેરોનાં ઘરનાં લગ્ન જેવા માંગલિક પ્રસંગો કવર કરનાર ખ્યાતનામ ફોટોગ્રાફી ડિરેક્ટર વિશાલ પંજાબી સાથે વિરલને એસોસિએટ તરીકે કારકિર્દીના આરંભમાં જ કામ કરવાની તક મળી જેને તે સદભાગ્ય ગણાવે છે. આ દરમ્યાન તેને ઘણો અનુભવ અને વિષય સંલગ્ન જ્ઞાન શીખવા મળ્યું તથા મુંબઇમાં તેનું કામ અને નામ પણ જાણીતું થવા લાગ્યું.

એ પછી કોવિડના સમયમાં વિરલને ફરજીયાત બ્રેક લઇ વતન આવવુ પડ્યું. જે પછી સ્થિતિ પુનઃ સામાન્ય થતા તેણે ધીમે ધીમે ફરી પોતાની કારકિર્દી આગળ વધારી. એડવર્ટાઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ટાટા, રિલાયન્સ, ફિગારો સહિતની બ્રાન્ડ માટે કામ કર્યુ. ઉપરાંત એક આધ્યાત્મિક વિભૂતિની કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પદયાત્રા અંગેની ડોક્યુમેન્ટરી 'વોકીંગ વીથ એમ' નું એડીટીંગ કર્યું. આ ખૂબજ પડકાર જનક કાર્ય હતું. દોઢ વર્ષ ચાલેલી પદયાત્રાનું દૈનિક ત્રણ કલાકનું શૂટીંગ થયેલ. જેનો લગભગ એક પેટા બાઇટ જેટલો ડેટા હતો. એ ડેટા માત્ર સ્કેન કરવામાં જ ૧૦ લોકોને ૧ વર્ષ જેટલો સમય લાગી ગયો. એ પછી એમાંથી સારભૂત બાબતો તારવી ડોક્યુમેન્ટરી સાકાર કરી.જેનું પ્રિમિયર મુંબઇનાં રોયલ ઓપેરા હાઉસમાં યોજાયું હતું અને તેને વર્ષ ૨૦૨૩ માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન રામાયણ સિરિયલવાળા રામાનંદ સાગરનાં પૌત્ર આકાશ સાગર ચોપરાએ કર્યુ હતું. આકાશ સાગર સાથે કામ કરવાનાં અનુભવને વિરલ યાદગાર ગણાવે છે.

હાલમાં રિલિઝ થયેલ વિરલ શાહ દિગ્દર્શિત અને માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર અભિનિત ગુજરાતી ફિલ્મ 'મહારાણી'માં વિરલે એડીટર તરીકે પ્રશંસાપાત્ર કર્યુ છે. નેશનલ એવોર્ડ વિનીંગ કચ્છ એક્સપ્રેસ ફિલ્મનાં દિગ્દર્શક વિરલ શાહ અને અભિનેત્રી માનસી પારેખની કલા જોડીએ ફરી આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ મનોરંજન પ્રસ્તુત કર્યુ છે. વખણાઇ રહેલી આ ફિલ્મમાં માત્ર ૨૫ વર્ષની વયે એડીટર તરીકે કાર્ય કરી વિરલે કલા ક્ષેત્રે નગરને ગૌરવ અપાવ્યું છે એમ કહી શકાય.

વાર્તાલાપ દરમ્યાન વિરલનાં પિતા જયેશભાઇ જણાવે છે કે એડીટરનું કામ ડાયરેક્ટર જેવું અર્થાત  પડદા પાછળનાં હિરો જેવુ છે ત્યારે તેમનાં પરીવારની ઇચ્છા છે કે વિરલ અભિનય ક્ષેત્રે પણ આગળ વધે. આ દરમ્યાન વિરલ ભવિષ્યમાં ડાયરેક્ટર તરીકે આગળ વધવાની તથા કોમર્શિયલ અને આર્ટ સિનેમા બંનેમાં સમાંતર કામ કરવાની મહેચ્છા દર્શાવે છે.

ગમતા એડીટરો અંગે પૂછવામાં આવતા આરતી બજાજ, બલુ સલુજા વગેરેનો નામોલ્લેખ તથા ડાયરેક્ટર્સમાં અનુરાગ કશ્યપ, નિતેશ તિવારી તથા અયાન મુખર્જી સહિતના નામ વિરલ લે છે.

અત્યાર સુધીમાં ૪૦ થી વધુ એડ ફિલ્મમાં એડીટર તરીકે કાર્ય કરી ચૂકેલ વિરલનો પ્રથમ ગુજરાતી ફિલ્મ પ્રોજેક્ટ 'મહારાણી' ખૂબ પ્રશંસા પામ્યો છે ત્યારે આગામી સમયમાં એક હિન્દી ફિલ્મ પ્રોજેક્ટમાં પણ કામ કરી  બોલીવુડ ડેબ્યુ માટે તૈયાર હોવાનું જણાવે છે.

ફિલ્મ ક્ષેત્રે અને ખાસ કરીને એડીટીંગ કે ડાયરેક્શન જેવા પડદા પાછળની કલામાં કૌવત દેખાડવા ઇચ્છતા યુવા વર્ગને વિરલ સિનેમાનો સતત અભ્યાસ કરી પોતાની પ્રતિભા વિકસાવવાનો અનુભવસિદ્ધ રસ્તો બતાવે છે.

'એટલે કે તમે જ સુવર્ણ છો અને તમે જ તમારા સુવર્ણકાર'

આલેખનઃ આદિત્ય, તસ્વીરઃ નિર્મલ કારીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh