Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીને સત્તારૂઢ થયેલી ડબલ એન્જિનની સરકારોના શાસનમાં ગુંડાગીરી વધુને વધુ વકરી રહી છે, ગરીબી અને ભૂખમરો વધે છે અને ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચારના ભોરીંગે ભયંકર ભરડો લીધો છે, તેવા આક્ષેપો વિપક્ષો તો કરતા જ રહ્યા છે, પરંતુ હવે તો ભાજપના જ કેટલાક દિગ્ગજ નેતાઓ પણ ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા હોય, ત્યારે લોકો સ્વાભાવિક રીતે જ વિચારે કે આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાય જ ને ?
આ વર્ષે આપણા રાજ્યમાં મેઘરાજાની મહેર થઈ છે, પરંતુ ભારે વરસાદના કારણે ભારે પૂર આવતા ઘણાં સ્થળે વ્યાપક તારાજી ફેલાઈ ગઈ છે, અને તેમાં પણ ગ્રામ્યમાર્ગોથી લઈને એક્સ્પ્રેસ હાઈવેઝ સુધીના માર્ગો તો એટલા તૂટી-ફૂટી ગયા છે કે વાહનો ચલાવવા મૂશ્કેલ અને મોંઘા થઈ ગયા છે, એટલું જ નહીં, ઠેર-ઠેર નાના-મોટા અકસ્માતો થતા ટ્રાફિક જામની સમસ્યા પણ એટલી જ વકરી રહી છે. ખાડામાં પાણી ભરાતા સર્જાયેલા ગંદા પાણીના ખાબોચિયામાં મચ્છરો ઉત્પન્ન થઈને બીમારીઓ ફેલાવી રહ્યા છે. ચોમાસાની વચ્ચે કેટલાક ખાડાઓ બુરવા આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનોના ઉપયોગનો પ્રયોગ પણ નિષ્ફળ ગયો છે અને હવે માર્ગ-મરામતના કામોમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાના જ આક્ષેપો થવા લાગ્યા છે, તેમાં તથ્ય જણાય છે.
ગુજરાત અત્યારે ભ્રષ્ટાચારમૂક્ત નહીં, પણ ભ્રષ્ટાચારયુક્ત થઈ રહ્યું છે અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ભ્રષ્ટાચારથી મૂક્ત ગુજરાતનો કરેલો વાયદો પોકળ પૂરવાર થયો છે, તેનો પુરાવો ભાજપના જ એક દિગ્ગજ નેતાએ ભરપૂર ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરતા સનસનાટી મચી ગઈ છે અને ભાજપ સરકાર ઘરઆંગણે જ ઘેરાઈ રહી હોવાથી પાર્ટીના પ્રાદેશિક અને રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે. ભાજપના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ ત્યાં સુધી બળાપો કાઢયો છે કે રોડ રસ્તાના કામોમાં એક રૂપિયામાંથી માત્ર ૩૦ પૈસાનું જ કામ થાય છે અને ૭૦ પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે. આવા ભ્રષ્ટ રાજકારણીઓ સાથે કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે થઈ રહ્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે ઘડિયાળના કાંટા ઊંધા ફરી રહ્યા છે અને રૂપિયે ૭૦ પૈસાની ખાયકી (ભ્રષ્ટાચાર) થઈ જાય છે. બિસ્માર માર્ગોને કારણે હવે લોકો લાંબા અંતરનો પ્રવાસ કરવા માટે પૂનઃ રેલવે તરફ વળી રહ્યા છે. આ પ્રકારની આક્ષેપબાજી પાછળ અમરેલી ભાજપનું સખડડખળ અને સ્થાનિક રાજકારણ જવાબદાર હોવાની દલીલ થઈ રહી છે, પરંતુ કાછડિયાએ જે આક્ષેપો કર્યા છે, તેમાં વજુદ તો છે જ અને તેના સંદર્ભે રાજ્યની પટેલ સરકાર તત્કાળ કદમ નહીં ઉઠાવે તો ભ્રષ્ટાચારની આ સરકીટ બોટમથી છેક ટોપ સુધી પહોંચે છે, તેવું પૂરવાર થશે અને જનવિશ્વાસ વધુ ઘટી જશે, તેવું નથી લાગતું ?
જો કે, "હમામ મેં સબ નંગે હૈ" જેવી જ સ્થિતિ આપણાં દેશમાં છે અને લગભગ તમામ રાજકીય પક્ષોમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે. તે ઓપન સિક્રેટ છે. કેટલાક રાજકીય પક્ષોમાં તો ચૂંટણી લડવાની ઉમેદવારી કરવા માટેની ટિકિટો પણ અદૃશ્ય સોદાબાજી કરીને વેચાતી હોય છે, તે બધા જાણે જ છે ને ?
ગઈકાલે સુપ્રિમકોર્ટમાં જાગૃત એડવોકેટે અરજી કરીને રાજકીય પક્ષોની કાર્ય-પદ્ધતિ અંગે કડક નિયમો બનાવવાની માંગણી કરી અને તેના અનુસંધાને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટીસ ફટકારી છે, તે જોતાં એવું લાગે છે કે કદાચ હવે રાજકીય પક્ષોમાં થોડી સાફસુફી, નિતિમત્તા અને જનલક્ષી સુધારાઓ થશે. જો કે, કાયદા ગમે તેટલા બને, બધા રાજકીય પક્ષો આ મુદ્દે એકસમાન વલણ ધરાવતા હોવાથી તેનો અમલ પણ સંપૂર્ણપણે રાજકીય પક્ષોની ઈચ્છાશક્તિ પર જ રહેવાનો છે.
એડવોકેટ ઉપાધ્યાયે માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ જાતિવાદ, સાંપ્રદાયિકતા, મનીલોન્ડરીંગ એન ગૂન્હાખોરીને સાંકળીને કડક નિયમો બનવવા અને તેનો ચૂસ્ત અમલ શાસકપક્ષો અને વિપક્ષો તથા અપક્ષો પણ કરે તે પ્રકારની માંગણી કરી હોય તો તેને વ્યાપક જનસમર્થન પણ મળવાનું છે, તેથી રાજકીય પક્ષો આ મુદ્દાને "હોતી હૈ, ચલતી હૈ"ની જેમ ચલાવી નહીં શકે.
આ અરજીમાં એવો ઘટસ્ફોટ પણ કરાયો છે કે વીસ ટકા લઈને કાળાનાણાં ને સફેદ નાણામાં રૂપાંતરિત કરતો એક રાજકીય પક્ષ પકડાયા પછી આ પ્રવૃત્તિ કેટલી વ્યાપક છે, તેની ગૂપ્ત તપાસ પણ થઈ રહી છે. એવો પર્દાફાશ થયો છે કે કેટલાક રાજકીય પક્ષો ગૂન્હાખોરો અને દાણચોરોને પ્રોટેક્ટ કરવા માટે નાણાં (લાંચ કે ભેટ !) લઈને તેઓને પોતાના પક્ષમાં વિવિધ હોદ્દાઓ પણ નિયુક્ત પણ કરે છે.
હવે સુપ્રિમકોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર પાસેથી એક મહિનામાં જવાબ માંગ્યો છે, તેથી આ મુદ્દો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચારનો મુદ્દો બનશે, તો નક્કી છે. બિહારમાં સ્થિતિ એવી છે કે ત્યાં છેલ્લા બે દાયકાથી રાજ્ય સરકારે કરેલા ભ્રષ્ટાચાર દરમ્યાન મુખ્યમંત્રી નિતિશકુમાર જ રહ્યા હતા અને કોંગ્રેસ, જેડીયુ, આરજેડી, એલજેપી સહિતના તમામ પક્ષો તેની સત્તામાં ભાગીદાર હતા. તેથી એમ કહી શકાય ને કે "હમામ મેં સબ નંગે હૈ... બેશરમ હૈ..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial