Advertisement
Author: નોબત સમાચાર

અંધેરી નગરી ને ગંડૂ રાજા... જેનો રાજા વેપારી, તેની પ્રજા ભીખારી...

                                                                                                                                                                                                      

અમેરિકાના રાષ્ટ્રપતિની ટ્રેડ પોલિસી જોતા તેઓ પાક્કા વેપારી હોય, તેમ ચલાવી રહ્યા છે, અને હવે તો સાયન્સ, ટેકનોલોજી અને મેડિકલના ક્ષેત્રોમાં પણ ચંચૂપાત કરવા લાગ્યા છે. શાંતિના ક્ષેત્રે નોબલ પારિતોષિકના પોતે હક્કદાર હોવાનું જણાવીને ટ્રમ્પ ભારત-પાકિસ્તાન સહિતના સાત-સાત યુદ્ધો રોકવાનો દાવો કરી રહ્યા છે, અને હવે તેમણે તબીબી ક્ષેત્રેના પોતે નિષ્ણાત હોય, તેવી ભાષામાં સગર્ભા મહિલાઓ માટે એસિટામિનોફેન/ટાઈલેનોલની વિપરીત અસરોને લઈને જે નિવેદન આપ્યું છે, તે પછી નવો વિવાદ ઊભો થયો છે.

આપણે ત્યાં આ તત્ત્વો ધરાવતી દવા પેરાસિટામોલ તરીકે પ્રચલિત છે, અને તેના સંદર્ભે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગર્ભવતી મહિલા દ્વારા ટાઈલેનોલના અતિરિકત સેવનથી બાળકોમાં ઓરિઝમનો ખતરો વધી જાય છે. ટ્રમ્પની આ નવી હેલ્થકેર નીતિએ સૌને ચોંકાવી દીધા છે, એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો ટાઈલેનોલને લઈને જે દાવાઓ કર્યા છે, તેને વિધિવત રીતે સ્પષ્ટ શબ્દોમાં રદીયો પણ આપ્યો છે.

ટ્રમ્પે યુનોમાં ભાષણ કરતી વખતે જે કાંઈ કહ્યું તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને ભારત અને ચીન પર યુક્રેન સામે યુદ્ધ લડવા ફંડીંગનો નવો આરોપ લગાવીને ટ્રમ્પે ભારતની વિરૃદ્ધમાં ઝેર ઓક્યું છે, તે જોતા એવા કટાક્ષો થઈ રહ્યા છે કે આવી "દોસ્તી" શું કામની ? ટ્રમ્પના દોસ્ત કેમ કાંઈ બોલતા નથી ?

ટ્રમ્પની આ હરકતો કવિ દલપતરામે વર્ષો પહેલા રચેલી એક કાવ્ય રચનામાં આબેહૂબ વર્ણવાયા છે.

"અંધેરી નગરીને ગંડૂ રાજા" વાળી આખી કવિતા જેમણે ધ્યાનથી વાંચી હશે, તેને તો આ કથાની ખબર જ હશે. એક નગરમાં મીઠાઈ અને શાકભાજી એક સમાન ભાવે વેચાતા હતા અને તે રાજ્યમાં આ જ પ્રકારની વિચિત્ર સ્થિતિ હતી તે નિહાળી તે નગરની મૂલાકાતે આવેલા ગુરૃ પોતાના શિષ્યો સાથે નગર છોડીને ચાલ્યા જાય છે, પરંતુ એક શિષ્યને અહીં ખાજા (મીઠાઈ-પકવાન)પણ શાકભાજીના ભાવે મળતા હોવાથી તે એ રાજ્યમાં રોકાઈ જાય છે, ત્યારે ગુરૃ ચેતવે છે કે આ પ્રકારના શાસનમાં રહેવું એ ખતરનાક છે. પરંતુ શિષ્ય માનતો નથી, અને તે પછી તેનું દુષ્પરિણામ જીવ ગુમાવીને ભોગવવું પડે છે.

કવિ દલપતરામની આ કાવ્ય રચના તથા ભારતેન્દુ હરિચન્દ્રે લખેલા "અંધેરી નગરી, ચોપટ રાજા" નામના વ્યંગાત્મક નાટકમાં જે કાલ્પનિક પાત્રો છે, તેને શબ્દચિત્રો, સંવાદો તથા કલાકારોના માધ્યમથી જિવંત બનાવીને એટલી લોકપ્રિય રીતે રજૂ કરાયો છે કે, આજે પણ આ કાવ્ય અને નાટક રંગભૂમિ પર પણ ભજવાય છે અને કવિ દલપતરામનું આ કાવ્ય શાળા-કોલેજોમાં સરકારી પાઠ્યપુસ્તકોમાં પણ સમાવાયું છે.

આ નાટ્ય પદ્યરચનાની આગવી સ્ટોરી જોઈએ તો ગંડુ રાજાના રાજ્યમાં બધી જ ચીજવસ્તુઓ એક જ ભાવે વેચાતી હતી, અને ત્યાં રોકાયેલો શિષ્ય ખાઈ-પીને તગડો થઈ ગયો હતો. બીજી તરફ નગરશેઠને ત્યાં ચોરી કરવા ગયેલા ચાર ચોર દીવાલ કુદવા જતાં, દીવાલ પડી જતાં તેમાં જ દબાઈને મરી ગયા, તો પછી ગંડુરાજાની સમક્ષ ચોરની માતા (ડોશી) એ ફરિયાદ કરતા ગંડુરાજાએ શેઠ (સમૃદ્ધ વેપારી)ને શુળીએ ચઢાવવાની સજા ફરમાવી તો શેઠે કહ્યું કે દીવાલ નબળી ચણનાર કડિયાનો વાંક છે. કડિયાએ ગાળીયું કરનાર મજુરનો વાંકા કાઢ્યો. ગંડુરાજાએ તેને પકડી લેવા આદેશ કર્યો તે પછી ગાળીયું કરનાર મજુરે પાણીનો વાંક કાઢી પખાલી (પાણી રેડનાર સાથીદાર) જવાબદાર હોવાનું કહ્યું તો પખાલીએ તે સમયે ત્યાંથી પસાર થનાર મુલ્લા તરફ ધ્યાન જતા પાણી વધુ રેડાઈ ગયું હોવાની દલીલ કરી, ગંડૂરાજાએ એ મુલ્લાને પકડીને શુળીએ ચઢાવવા આદેશ કર્યો, પરંતુ મુલ્લા એટલા પાતળા (દુબળા) હતા કે શુળીના જાડા પાંખીયામાં ચડે તેમ નહીં હોવાથી સૈનિકોએ ગંડુરાજાને હકીકત જણાવી. તે ભૂપે (રાજાએ) ખીજાઈને આદેશ આપી દીધો કે દલીલબાજી ન કરો, નગરમાં જે જાડો માણસ હોય, તેને શુળીએ ચઢાવી દ્યો.

સૈનિકોએ નગરમાં ખાઈ-પીને તગડા બનેલા એ શિષ્યને પકડીને રજૂ કર્યો.

અહીં સુધીની સ્ટોરી કદાચ ટ્રમ્પ જેવા પ્રવર્તમાન શાસકોને ઘણી જ મળતી આવે છે, પરંતુ તે પછીની સ્ટોરી પણ તૂંડ મિજાજી તાનાશાહોએ લક્ષ્યમાં લેવા જેવી છે.

ગંડુરાજા પાસે થોડા દિવસની મુદ્દત માંગીને શિષ્ય બાજુના ગામમાં જઈને ગુરૃને બચાવી લેવા આજીજી કરે છે. ગંડુરાજા જેવા મૂર્ખ શાસક સામે ગુરૃજી તેના જેવી જ યુક્તિ વાપરે છે. અને શિષ્ય સાથે જઈને ગંડુરાજાને કહે છે કે "અત્યારે એવા ચોઘડીયા છે કે અત્યારે જ શુળીએ ચડે, તેને પ્રભુના વિમાન લેવા આવે, તેજી શિષ્યને બદલે મને શુળીએ ચડાવો, તો શિષ્ય કહે છે કે મારે સ્વર્ગમાં જવું છે, મને જ શુળીએ ચડાવો".

આ ચડસાચડસી સાંભળીને મૂર્ખ ગંડુરાજા પોતાને સ્વર્ગમાં જવાનો "ચાન્સ" છે, એવું માનીને પોતે જ શુળીએ ચડી જાય છે. અને ગુરૃ-શિષ્યને દેશવટો આપીને પાંચ ગાઉ દૂર મોકલી દ્યે છે.

આ નાટકનો પૂર્વાર્ધ અત્યારે વિશ્વમાં ટ્રમ્પફેઈમ શાસકો તરફ અુંગલી નિર્દેશ કરે છે, અને ઉત્તરાર્ધ આ પ્રકારના તઘલખી તાનાશાહોનો અંજામ કેવો આવી શકે છે, તે જણાવે છે. દોઢ સદી પહેલા લખાયેલું હિન્દી નાટક અને ગુજરાતી કાવ્ય આજે પણ કેટલું પ્રસ્તુત છે !

એક ગુજરાતી કહેવત છે કે "જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી", હવે ટ્રમ્પે ટ્રેડ પોલિસીને જ શાસનનું મુખ્ય ઓજાર બનાવ્યું છે, ત્યારે હવે અમેરિકાની પ્રજાએ તેનો ભોગ બનવું પડશે, તવી ચેતવણીઓ અમેરિકાના જ ઘણાં લોકો આપી રહ્યા છે, જાણીતા અર્થશાસ્ત્રીઓ, અમેરિકન સાંસદો તથા વૈશ્વિક પ્રવાહોના નિષ્ણાતો ટ્રમ્પની નીતિ, તેમના બદલાતા રહેતા વલણો તથા આડેધડ નિર્ણયોના કારણે અમેરિકા તો બરબાદ થશે જ, પરંતુ આખી દુનિયામાં ઉથલપાથલ મચાવશે, તેવો મત વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે દલપતરામના ગંડુરાજા જ યાદ આવી જાય ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh