Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું: ઊભા પાકને નુકસાન થવાની ભીતિ

પંચમહાલ, વડોદરા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ સહિત

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ર૦: છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, ભરૂચ, ગોધરા અને વડોદરાના જિલ્લાઓના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તે ઉપરાંત સુરત, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરામાં પણ કમોસમી વરસાદે ધબધબાટી બોલાવતા ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં.

છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. અત્યારે પંચમહાલમાં જિલ્લામાં શિયાળો અને ઉનાળો એમ બન્ને ઋતુનો એકસાથે અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડો પવન અને વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા અને ઠંડુ બન્યું છે, જ્યારે બપોરના સમયે પારો ઊંચકાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

એક તરફ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીની આગાહી કરી છે ત્યાં હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. વાસ્તવમાં છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ અચાનક બદલાતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતાં. વાલોઠી, બમરોલી, સુધિયારી અને ઊંચાપાન પાઠક જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડતા સવારની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે.

વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને વાઘોડિયાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ ખેડૂતોમાં પાક નુક્સાનીની ચિંતા વધી છે. ઊભા પાકને મોટું નુક્સાન થવાની ખેડૂતોને ચિંતા છે.

દાહોદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે. દાહોદ, લીમડી, લીમખેડા, ઝાલોદ, ટાંડી, કારઠ, મીાખેડી સહિત સિગવડ લીમખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી  વરસાદનું વીજળીના કડાકા સાથે આગમન થયું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા સેવાઈ છે. મોસમી વરસાદને લઈને ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે.

ભરૂચના અંકલેશ્વરમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે. બે દિવસથી થતા ઉકળાટ સામે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાનીની ભીતિ સેવાઈ રહી છે.

છોટા ઉદેપુરના બોડેલીમાં વહેલી સવારે કમોસમી માવઠું ત્રાટક્યું છે. વહેલી સવારે વીજળીના ગરજ સાથે માવઠું પડ્યું છે. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી માવઠું જોવા મળ્યું. માવઠાથી પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. તેથી જગતનો તાત ચિંતામાં છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. ઉધના, પાંડેસરા, ડીંડોલી, ભટાર વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો. મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતા સેવાઈ છે.

ભરૂચના હાંસોટ પંથકમાં અચાનક કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મધ્યમાં માવઠું, તાપમાનમાં ભારે ઉતાર-ચઢાવની અસર જોવા મળી છે. ઈલાવ, સાહોલ, બાલોતા સહિત ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઊભા પાકને નુક્સાનની શક્યતા, જનજીવન પર અસર પડી છે.

કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં અને ચણાના પાકને વરસાદના કારણે નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ખેતીના પાકમાં જીવાત પડવાની તેમજ લોકોમાં શરદી-ઉધરસ જેવો વાયરલ ઈન્ફેક્શન વધવાની શક્યતા પણ વધી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. ર૪ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકુ રહેવાની સંભાવના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh