Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચુનિયાએ દિલાને ફોન કર્યો કે ''તાત્કાલિક તરૂણભાઈના ઘરે આવ ન બનવાનું બની ગયું છે.''
૧૩૫ કિલોનો દિલો હાંફતો હાંફતો તરૂણભાઈના ઘરે પહોંચ્યો ઘરની બહાર આઠ દસ મિત્રો ચિંતાતુર ઊભા હતા. દિલાના વિશાળ દિલમાં ફાળ પડી નક્કી કાંઈક અજુગતું ઘટ્યું છે.
ભારેખમ ચહેરા સાથે ચુનિયાએ દિલાના ખભા પર હાથ મૂક્યો અને કહૃાું કે ''હિંમત રાખજે''.
ભીના સાદે દિલ એ પૂછ્યું ''કઈ રીતે બન્યું?''
''તરૂણભાઈની ખાવા પીવાની આદત બીજું શું?''
''ખરેખર તરૂણભાઈએ ધ્યાન રાખવાની જરૂર હતી.''
''મે નહીં કીધું હોય? પણ કોઈના બાપનું માને તો ને''
''હશે જે થવાનું હતું તે થઈ ગયું.તમે લાગણીથી ગુસ્સો કરો છો. પરિવારને સાંત્વના આપી?''
આ બધી ચર્ચા થતી હતી ત્યાં તરૂણ ફાકી થૂંકવા ઘરની બહાર આવ્યો. નામ જ તરૂણ છે બાકી ઉંમર ૫૦ આંબી ગયા છે.
દિલા એ તરત જ કહૃાું કે ''આ તો..... તમે પણ શું ચુનિલાલ મને તો ધ્રાસ્કો પડી ગયો હતો. ખરખરાના મૂડમાં કોઈ ફોન કરે?''
ચુનિલાલે દિલાના ૭૦ એમએમના વાસામાં જોરથી ઢીક્કો માર્યો. તારામાં બુદ્ધિ નથી? રાતી રાયણ જેવો છે. હું તો કહેવા માગું છું કે તેને ડાયાબિટીસ આવ્યું.
ઓ... એમ છે. તો એમાં શું થઈ ગયું? ડોક્ટરને દેખાડી દેવાનું તે કહે તે દવા લેવાની. ચાલો તેની પાસે બેસીએ અને જાણીએ કે કઈ રીતે ડાયાબિટીસ છે તે ખબર પડી.
ઘરમાં પરિવારના ઘેરા વચ્ચે તરૂણ લમણે હાથ દઈ બેઠો હતો. ચુનિયાએ વાતનો ઉપાડ કર્યો.
ભલા માણસ ભડભાદર થઈ અને હિંમત હારી ગયો? બે મહિના લીમડા ઉપર રહો એટલે ડાયાબિટીસ ગાયબ.
તરૂણે તરત જ કહૃાું કે મારી હાઈટ ટૂંકી પડે લીમડાના ઝાડ પર કઈ રીતે ચડવું અને ખડબચડા થડ પર બે મહિના બેસવું, સુવુ, ખાવું પીવું બધું અઘરૃં પડે.
''અરે એમ નહીં ભલા માણસ બે મહિના લીમડાના પાન ખાવ એમ કહું છું.''
તરૂણના મગજમાં આવેલા પેંડા કડવા થઈ ગયા.
સલાહ શરૂ થાય પછી રોકાય થોડી?
''લીમડાના પાન કરતાં રોજ રાત્રે મેથીના તેરદાણા પલાળી દેવાના અને સવારે મેથી ચાવી જવાની અને પાણી પી જવાનું.''
''કડુ કરિયાતું બેસ્ટ હોં, સવારે નયણા કોઠે ફાકડો મારી જવાનો.''
''બધા કરતા કારેલાનો જ્યુસ અક્સીર ગણાય. રોજ સવાર સાંજ પીવાનું રાખો મહિના પછી મીઠાઈ ખાવી પડશે એ હદ સુધી સુગર ઓછી થઈ જાય.''
તરૂણ વચ્ચે બેઠો હતો અને ચારે બાજુથી યુક્રેન પર રશિયા એ જે રીતે મિસાઈલનો મારો કરેલો તે રીતે સલાહ સુચન લમણામાં વાગતી હતી.
તરૂણને મગજમાં એમ થઈ ગયું કે જો છૂટ મળે તો મીઠાઈ નથી ખાવી પરંતુ આ બધાને એક એક ઢીક્કો તો મારી જ લઉ.
આ બધાથી છટકવા માટે તરૂણ ઉભો થવા ગયો કે તરત જ પરિવારના દીકરા દીકરી અને વહુએ ટેકો દેવાનું ચાલુ કર્યું. તરૂણે રાડ પાડી ''ડાયાબિટીસ થયું છે કંઈ હું લંગડો નથી થઈ ગયો. મને અશક્તિ નથી આવી ગઈ''
તરૂણના ઘરવાળાને સાડીનો છેડો મોટા ઉપર દાબી રોવાનું શરૂ કર્યું. ''જોયું ડાયાબિટીસને કારણે સ્વભાવમાં પણ કેવો ફેરફાર થઈ ગયો છે? પહેલા કોઈ દિવસ આટલું ઊંચા અવાજે બોલ્યા નથી (એ હિંમતના અભાવને કારણે). કંટાળો તો જરાય ન કરતા. સ્વભાવ ચીડ ચીડિયો થઈ ગયો છે.''
ખરેખર તરૂણને ગુસ્સો આવતો હતો. પરંતુ આટલા બધા વાક પ્રહારથી તેને પણ થયું કે ખરેખર ડાયાબિટીસના કારણે હું ગુસ્સે થયો છું કે આ લોકોની ડાયાબિટીસ અંગેની ગેરસમજણને કારણે?
પરિસ્થિતિને સમજી અને તરૂણે ઘરવાળીને ખભે હાથ મૂકી અને કીધું ''ગાંડી તારા પર ગુસ્સે નથી થતો મારી જાત પર ગુસ્સે થવું છું.''
તરૂણના ઘરવાળા તરત જ બોલ્યા ''થાય ડાયાબિટીસમાં આવું થાય પણ તમે ચિંતા ન કરતા આપણે બંને સાથે મળી અને આ દર્દ સાથે લડશું. તમને કાલથી તેલ ઘી ખાંડ ગોળ ઘઉં ચોખા બધું જ બંધ.''
તરૂણે તરત જ કીધું કે ''તો શું રસોડે તાળું મારી દેશો? મારે જમવું શું?''
ભાભી એ લિસ્ટ કાઢ્યું તને બોલ્યા, ''મારી બા એ જમાઈ માટે મોકલ્યું છે. કાલથી બાફેલા શાક, કોદરી, દહી છાશ, જવની રોટલી, સવારના નાસ્તામાં ભાખરી નહીં આપું બાફેલા મગ મળશે, તેલ તો વાર તહેવારે એકાદ ચમચી વઘાર માટે જોઈએ તેટલું જ વાપરવું, મીઠાઈ ખાવાની તો નહીં પરંતુ મીઠાઈની દુકાન બાજુ જોવાનું પણ નહીં. આઈસ્ક્રીમ સપનામાં પણ ન આવવો જોઈએ.''
તરૂણને થોડીકવાર તો એમ થયું કે આના કરતાં તો કાળાપાણીની સજા સારી. જેલમાં પણ સપરમા દિવસે કેદીઓને મીઠાઈ પીરસવામાં આવે છે.
આ બધું તો ઠીક છે કંટાળીને મોબાઈલમાં રીલ જોવાનું ચાલુ કર્યું તો તેમાં પણ ડાયાબિટીસની રીલો જ તેની સામે આવી.
હું ખૂણામાં બેઠો બેઠો આ બધું જોતો હતો મને આંખેથી ઈશારો કર્યો અને તરૂણ ''હમણાં આવું'' કહી અને મારી સાથે બહાર નીકળ્યો.
મને કહે ''મિલનભાઈ યાર આ લોકોને સમજાવો મારે જીવવું છે. મારે ડાયાબિટીસમાં શું કરવું તે મને ખબર છે. કોઈ સારો ડોક્ટર દેખાડો એટલે તેની સલાહ પ્રમાણે ચાલીએ.''
વિચારવાયુઃ ડાયાબિટીસના દર્દીઓને એક ગમતું વાક્ય એટલે...
''એકા'દમાં વાંધો નહીં''
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial