Advertisement
Author: નોબત સમાચાર

મેળાની મોજ કરી લેજો વ્હાલા

                                                                                                                                                                                                      

મેળાના મેદાનમાં પ્રવેશતા જ આંખુ ચકડોળની જેમ ચકળ વકળ ફરવા માંડે, ગમતી વ્યક્તિ સાથે  આંખ ચાર કરવા ચિત્ત વ્યાકુળ થઈ ઉઠે. મેળામાં એકલા હોય તેવું લાગે અને જેવી ''એણે'' કીધેલી  જગ્યાએ એ દેખાય ત્યાં તો હૃદયમાં મોતના કૂવામાં ચાલતા સ્કૂટર જેવું ઘમાસાણ સર્જાય. પછી બે'ય  એકલા હોય તો પણ મેળો, મેળો...

આ છે જુવાનિયાવની મેળાની વ્યાખ્યા.

આમ તો મેળા કેટલાય પ્રકારના થાય છે અમૂક તો સરકાર આયોજિત હોય છે જેમાં જન્માષ્ટમીનો  મેળો, ગરીબ કલ્યાણ મેળો, સરકારી યોજનાના જુદા જુદા મેળા...

જુવાનીયાઓને બે પ્રકારના મેળા પસંદ પડે.

જન્માષ્ટમીનો મેળો અને જ્ઞાતિ આધારિત પસંદગી મેળો.

આજે જન્માષ્ટમી નજીક છે એટલે એ મેળાની વાત કરાય અને એમાં સરખું આવે તો જ્ઞાતિ પરિચય  મેળામાં જવાની જરૂર ન પડે.

અમારો સ્વાનુભવ કહીએ તો ચુનિયો એટલો હોશિયાર માણસ છે કે અમારા રૂપિયે આખો મેળો  માણે અને છેલ્લે હું કંઈક ખવડાવીશ એવું વચન આપ્યું હોય એટલે અમે પણ હોંશે હોંશે ખર્ચ કરતા  જઈએ.

ગયા વર્ષે કુલ ૭૪૫ રૂપિયાનો ખર્ચ કરાવ્યા પછી ખાવાની ઉઘરાણી કરી એટલે તરત જ ગીર્દીવાળી જગ્યા તરફ આગળ વધ્યો અને એક બે બહેનોની એવી મસ્તી કરી કે બેફામ ગાળો મળી. આ પૂરૂ  થયું એટલે અમને એમ કે ચુનિયો હવે તો ખવડાવશે એટલે ફરી ઉઘરાણી કરતા તરત જ જવાબ  આપ્યો આટલી બધી ગાળો તો ખવડાવી, હવે ઇચ્છા હોય તો માર ખવડાવવાની આપણી તૈયારી છે.

જો હિન્દી સંગીતકારોને નવા કંપોઝીસન ન સુઝતા હોય તો એકવાર અમારા સૌરાષ્ટ્રના મેળામાં ચક્કર મારવું. મેળાની ખાસિયત હોય છે કે બે બાજુ લાઉડ સ્પીકરના ભૂંગળામાં સામસામે ગીતોનું  યુદ્ધ ચાલતું હોય કેમ કે બધાને પોતાનો માલ વેંચવો હોય એટલે શોધી શોધીને ગીતોનો મારો ચાલતો હોય. સંગીતકાર જો વચ્ચોવચ ઊભા રહી જાય તો ચારે બાજુનું મિશ્રીત સંગીત તેને નવા  કંપોઝીસન ન સુઝાડે તો કહેજો. માત્ર સંગીત જ નહીં અહિંયા જાતજાતના વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ મળી રહે. હિન્દીભાષી મોતના કુવા વાળા અને ચકડોળ વાળા ગુજરાતીઓને લલચાવવા માટે  જે હથોડા છાપ ગુજરાતી બોલે એ વોઇસ ઓવર તો ક્યાંય સાંભળવા ન મળે. સવારથી સાંજ સુધી  સતત તેમની રેકર્ડ ચાલુ હોય ત્ય ારે સાંજ પડ્યે ટ્રેક ઘસાયા પછીનો તેમનો અવાજ માણવા લાયક  હોય છે. મોતના કુવા જોવા.. આવો આવો.. બીસ રૂપિયામાં છોકરી ગાડી ચલાવવાના.. થોડા જ  સીટ બાકી.. જલ્દી કરવાના..શો ચાલુ કરવાના ટાઇમ થઇ ગયા છે. આવો આવો આવો.. તરત જ  એક કડી ગીત વાગે સુનકે તેરી પુકાર.. સંગ ચલને કો તેરે કોઈ હો ના હો તૈયાર હિંમત ના હાર પાછો તરત જ અવાજ આવે ચાલો ચાલો ચાલો.. બાબાએ જોયા, બાબાના બાપુજીએ જોયા. તમે રૈ ગ્યા. બીસ રૂપિયામાં મોતના કૂવા. ગીત તો ગોખાય ગયું છે કેમ કે વર્ષોથી આ એક જ ગીત વાગે  છે પણ હું ખાસ ત્યાં ઊભો રહું આ સાઉથ ઇન્ડયન ટોનમાં બોલાતા ગુજરાતી સાંભળવા

દરેક મેળા પછી અમારે ચૂનિયાની ડોકીનો ઇલાજ કરાવવાનો જ હોય. જો કોઈ રાઇડ્સમાં સારૂ પ ાત્ર જોઈ ગયો હોય તો પાલખીની સાથોસાથ એટલી વાર ડોકા ધૂણાવ્યા હોય કે જેવો તેવો હોય તો  ચક્કર આવી જાય. મેળ તો હજુ સુધી પડ્યો જ નથી પણ આદત થોડી છૂટે! અમારો ચુનિયો ફેમિલી  સાથે નીકળ્યો હોય ત્યારે તેનો છોકરો એક ફૂગ્ગા માટે આખો મેળો રડતા રડતા ફર્યો હોય પણ જો  ચૂનિયો અમારી સાથે હોય અને કોઈ હસીને સામે જૂએ અને સાથે જો નાનો છોકરો હોય તો ચુનિયો  પાંચથી ઓછા ફૂગ્ગા ન જ અપાવે અને પાછો બોલે પણ ખરો કે સરસ મમ્મી જેવો જ ક્યૂટ છોકરો  છે.

આમ જૂઓ તો મેળો એ સંસ્કૃતિનું પ્રતિક છે. સૌરાષ્ટ્રના મેળામાં હજુ એ છાંટ રહી છે. તરણેતરનો  મેળો તો જગ વિખ્યાત છે. ભૂરિયાઓ વિદેશથી પણ માણવા આવે છે પણ આપણા હાઇ પ્રોફાઇલ  કહેવાતા દેશી વિદેશીઓ મેળાનું નામ આવતા જ કહે કે બહુ ડર્ટી હોય. પણ જેણે ધૂળ સાથેનો  સંબંધ મૂક્યો છે એ જીવનની સાચી મઝા માણી નથી શક્યો. જેટલી અગવડતા એટલી જ મઝા તમે  મેળામાં માણી શકો પણ શરત એ છે કે મહોરૂ ઉતારીને આવવું પડે. દરેક વરણને દિલ ફાડીને પ્રેમ  કરવો પડે.. મેળો એ મનનો મેળ છે અને મેળ હોય તો જ મન પાંચમનો મેળો માણી શકાય. આવો  છો ને આ વખતે સૌરાષ્ટ્રમાં???

વિચાર વાયુઃ ટેટુ ડ્રો કરાવવાવાળા માટે મેળો નથી, અહીં છૂંદણાંની બજાર લાગે છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh