Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આદિવાસી વર્ગો જેને ભગવાન માને છે, તે બિરસા મુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે આજે ગુજરાતના ડેડિયાપાડામાં વડાપ્રધાનના હસ્તે ૯૭૦૦ કરોડથી વધુ રૃપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે, અને જિલ્લે જિલ્લે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, અને ગઈકાલે બિહારની ચૂંટણીના પરિણામો પછી ત્યાં સરકાર રચવાની હલચલ તેજ બની રહી છે, તેવામાં જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પ્રચંડ વિસ્ફોટમાં કેટલાક જવાનોના જીવ ગયા અને કેટલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલોએ સવારથી જ ચિંતા જગાવી હતી. જો કે, આ વિસ્ફોટ અકસ્માતે થયો કે કોઈ ષડ્યંત્ર હતું, તે અંગે સવારે કાંઈ સ્પષ્ટ થયું નહોતું. પોલીસ મથકમાં થયેલો ધમાકો અને સંલગ્ન તપાસના ધમધમાટ વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે અહીં જપ્ત કરાયેલા કેટલાક વિસ્ફોટકોની ચકાસણી થઈ રહી હતી. દિલ્હીના વિસ્ફોટની તપાસ કરતી એક ટીમ અહીં પહોંચી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. જેથી કન્ફ્યુઝન પણ ઊભું થયું હતું.
તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં એમોનિયમ નાઈટ્ર્ેટનું પરીક્ષણ થઈ રહ્યું હતું, ત્યારે આ ધમાકો થયો હતો. દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ-કાશ્મીરનું કનેક્શન બહાર આવ્યા પછી ધરપકડ કરાયેલા કેટલાક આતંકવાદીઓની આ પોલીસ મથકમાં પુછપરછ કરવામાં આવી રહી હતી. આ પોલીસ મથકમાં જ આતંકવાદી મોડયુલની તપાસ માટે જરૃરી પુછપરછ અને જપ્ત કરાયેલા હથિયારો, વિસ્ફોટકના પરીક્ષણ માટે થતો હોવાથી એવી શંકા સેવાઈ જ રહી હતી, કે આ વિસ્ફોટ વિસ્ફોટકોના પરીક્ષણ દરમ્યાન જ થયો હોવો જોઈએ, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આ ધમાકો પરીક્ષણ દરમ્યાન થયેલી એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના હોવાની પુષ્ટિ કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
આ અંગે વિસ્તૃત જાણકારી મળ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ હતી અને નૌગામના ધમાકામાં શહીદ થયેલા જવાનોને સહાનુભૂતિપૂર્વક અંજલિ અર્પણ કરાઈ હતી. આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાનીમાં પડયા છે. પરીક્ષણ દરમ્યાન પણ આ પ્રકારનો ધમાકો થાય, અને જવાનો શહીદ થઈ જાય, તેવી દુર્ધટનાને હળવાશથી લેવાશે નહીં, તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
આ અહેવાલો વચ્ચે ગુજરાત એ.ટી.એસ.દ્વારા પંજાબનો એક ફરાર આરોપી દબોચી લેવાયો હોવાના અહેવાલ પણ આવ્યા હતા અને આ ભાગેડુ આરોપી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા તાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત ત્રણ શખ્સોને ઝડપ્યા પછી તેઓ ખતરનાક ઝેર બનાવીને મંદિરોના પ્રસાદમાં ભેળવવાનું કાવતરૃં ઘડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, અને તેના થોડા દિવસોમાં દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, તે યોગાનુયોગ છે, કે આ ઘટનાક્રમો વચ્ચો કોઈ કનેક્શન છે, તે તપાસનો વિષય છે. તેવામાં આ ભાગેડુ આરોપી ઝડપાયા પછી તેના આતંકવાદી કનેક્શનની તપાસ ઉપરાંત આ આરોપીની પુછપરછના આધારે વધુ શખ્સો દબોચાશે અને આતંકવાદી ષડયંત્રોના સંદર્ભે વધુ એક ઘટસ્ફોટ થશે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.
બીજી તરફ અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૃર પણ જણાવાઈ રહી છે. ખાસ કરીને ઉપરાછાપરી મોટા મોટા ષડયંત્રો પકડાઈ રહ્યા હોવાથી હવે માત્ર બોમ્બ ધડાકા કે ફાયરીંગ જ નહીં, પરંતુ પ્રસાદ, ખોરાક કે પાણીમાં ઝેરી પદાર્થો ભેળવવા જેવા ખતરનાક અખતરાઓ પણ થવા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કારણે હવે મોટા ધર્મસ્થળો, મોટા ભોજન સમારંભો, સદાવ્રતો, અને પ્રસાદ વિતરણ કે અલ્પાહાર, ઠંડાપીણાના સામૂહિક વિતરણ સમયે પણ સંબંધિત લોકોએ સતર્ક રહેવું પડે તેમ છે.
ઘણાં લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આપણાં દેશમાં આ શું થઈ રહ્યું છે ? શું ચિદમ્બરમ્ ફેઈમ બે પ્રકારના આતંકીઓ એકબીજા સાથે મળીને આપણાં દેશને બરબાદ કરવાના કાવતરા ઘડી રહ્યા છે ? શું આઈ.એસ.આઈ.એ હવે સરહદપારથી આતંકીઓ મોકલવા ઉપરાંત ભારતમાં જ ગદ્દારોની ફોજ ઊભી કરાવીને પરોક્ષ યુદ્ધની નવી મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી છે ? જો એવું જ હોય તો આપણી કેન્દ્રીય એજન્સીઓ તેને અટકાવવામાં પૂરેપૂરી સક્ષમ નથી ? યે ક્યા હો રહા હૈ ?
કેટલાક લોકો પરોક્ષ રીતે એવી ટીકા કરી રહ્યા છે કે દેશમાં બોમ્બ ધડાકા થતા હોય ત્યારે વિદેશ પ્રવાસો કરવા યોગ્ય નથી અને ઉત્સવો ઉજવવા કે કોઈ ચૂંટણીના વિજયોત્સવોના આયોજનો પણ નિવારવા જોઈએ. બીજી તરફ આ પ્રકારની ટીકા સામે તાર્કિક જવાબો પણ અપાઈ રહ્યા છે, આ ટીકા-ટિપ્પણીઓ વચ્ચે જનતામાંથી અવાજ ઊઠી રહ્યો છે, કે "યે ક્યા હો રહા હૈ?"
જો કે, ગુજરાતના આજના દેવમોગરાના લોકસંસ્કૃતિના તહેવાર તથા જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરલા મુંડાની ૧૫૦મી જયંતીને આ વાદ-વિવાદ અને ટીકા-ટિપ્પણીઓ સાથે સાંકળવામાં આવી રહી નથી અને અંગ્રેજો સામે ઝઝુમનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓને આજે બિરદાવાઈ રહ્યા છે, તેને સાંકળીને આક્ષેપો-પ્રતિઆપેક્ષો થઈ રહ્યા નથી, તે સાચી વાત છે.
આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના દિને તમામ દેશવાસીઓને ઉદ્દેશીને જે સંદેશ અપાઈ રહ્યો છે અને બીજી તરફ દેશ પર આતંકવાદના મંડરાઈ રહેલા નવતર ખતરાઓને લઈને એલર્ટ અપાઈ રહ્યા છે, ત્યારે આતંક અને અન્યાય સામે એકજૂથ થઈને પહેલેથી ચાલતા રહેલા સંઘર્ષને આગળ વધારીએ અને તેનાથી રાજનીતિને દૂર રાખીએ, એ જ દેશહિતમાં ગણાશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial