Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિનું પર્વ શ્રદ્ધા અને આનંદ-ઉલ્લાસના પર્વ તરીકે તો ઉજવાય છે જ પણ સાતમ-આઠમ-નોમના દિવસો કેટલાક અજબગજબના રીત રિવાજોથી મનાવાય છે. ઉત્તર ગુજરાતના ખેરાળુમાં સાતમને 'મડાસાતમ' તરીકે બ્રાહ્મણો ઉજવે છે. તો અમદાવાદમાં શાહપુર વિસ્તારની સદુમાતાની પોળમાં ભાટ-બારોટ જ્ઞાતિના પુરુષો આઠમની રાતે સ્ત્રીના કપડા પહેરીને ગરબા ગાય છે. નોમના દિવસે ગાંધીનગર નજીક રૂપાલની પલ્લી પર હજારો કિલો શુદ્ધ ઘી ચઢાવાય છે. જેના થકી ગામના રસ્તાઓ લથબથ થઈ જાય છે.
ખેરાળુમાં આસો સુદ સાતમને દિવસે બ્રાહ્મણો 'માડાસાતમ' મનાવે છે. સીતાફળના વૃક્ષના લાકડામાંથી બનાવેલ ઠાઠડીમાં અહિંના લોકો સૂઈ જાય છે. એમાં પહેલી તક વિધવાના છોકરાને અપાય છે. છેલ્લે એક જણને ઠાઠડીમાં ઊંચકીને રીતસર લઈ જવાય છે. મહિલાઓ ત્યારે મરસિયા ગાય છે. અર્થી મડા માતાના મંદિરે જાય ત્યાં રાત્રે ગરબા ગવાય એવા કાર્યક્રમ હોય છે. રાજસ્થાનના ભીનમાલથી આશરે ૧૦૦ થી ૧રપ વર્ષ પહેલા બ્રાહ્મણો અહીં આવેલા છે. લોકવાયકા એવી પણ છે કે બ્રાહ્મણો વર્ષો પૂર્વે રોગચાળાથી બચવા મડાદેવીને માથાના વાળ વધારીને ધૂણતા ધૂણતા પગે લાગતા. એ પ્રથા અહિં પણ ચાલુ રહી છે. બ્રાહ્મણો ઉપરાંત પટેલ, વાણિયા અને બીજી જ્ઞાતિના લોકો પણ સદેહે ઠાઠડીમાં સૂએ એવું પણ બને છે.
અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં સદુમાતાની પોળમાં આઠમની રાત્રે ભાટવાડાના અને બીજા વિસ્તારના ભાટ બારોટ જ્ઞાતિના પુરુષો પરંપરાને અનુલક્ષીને સ્ત્રીનો પહેરવેશ ધારણ કરી ગરબા ગાય છે. આ રિવાજ કરવટું છે. મરાઠાકાળમાં અમદાવાદમાં વિક્રમ સંવત ૧૮૭ર-૭૩ માં સદુબા નામની ભાટ જ્ઞાતિની મહિલાને સુબા રાધુ રામચંદ્રના ચાડિયાઓના આક્ષેપોથી બચવા શહીદ થવું પડેલું. સદુબાનું માથું એના પતિએ જ ઉતારી લેવું પડેલું. અમદાવાદમાં બે દિવસ ભારે અરાજક્તા રહેલી અને સદુબાને લોકો 'સતી' માનીને દેરી બાંધેલી. સદુબાના ચારિત્ર્યનું રક્ષણ કરવામાં ભાટ-બારોટો પહેલે તબક્કે નિષ્ફળ નિવડ્યા તેના પ્રાયશ્ચિતરૂપે આઠમની રાતે સ્ત્રીના કપડા પહેરી ગરબા ગાવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હોવાનું મનાય છે. રૂપાલામાં આસો સુદ નવમીની રાતરે પલ્લી રથ બનાવીને ગામમાં ફેરવવામાં આવે છે. માતાજીનો આ રથ ગામમાં ફરે છે અને જેમણે બાધા-આખડી રાખ્યા હોય તેવા લોકો રથ-પલ્લી પર ચોન્નું ઘી ચઢાવે છે. વરદાયિની માતાના આ રથ પર હજારો કિલો ઘી ચઢાવાય છે જે રસ્તા પર ઢોળાય જાય છે. સુધારાવાદીઓએ આ ઘી ના બગાડ સામે કાનૂની કાર્યવાહી સુધીની ઝુંબેશ ચલાવી છે પણ તેમાં કોઈને સફળતા મળી નથી.
આલેખનઃ જિતેન્દ્ર ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial