Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, પ્રાસંગિક, આર્થિક દૃષ્ટિએ
દસમી દસ અવતાર,
જય વિજ્યાદસમી,
મા જય વિજ્યાદસમી,
રામે રામ રમાડ્યા,
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો માઁ
ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે...
નવરાત્રિ દરમિયાન દરરોજ થતી માતાજીની આરતીની ઉપરોક્ત પંક્તિ રામાયણકાળમાં યુદ્ધના મેદાન પર ભગવાન શ્રીરામે અસૂર રાજા રાવણનો વધ કર્યો હતો, તેના સંદર્ભે ગવાય છે. દશેરાને 'દશહરા' એટલે કે દસ માથાળા રાવણના સંહાર તરીકે રાવણને વર્ણવવા માટે પણ વિવિધ શબ્દપ્રયોગો થાય છે. દશેરાનું આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક, પ્રાસંગિક અને આર્થિક મહાત્મય જોતા આ દિવસ એક તહેવાર જ નહીં, એક પૌરાણિક તથા ઐતિહાસિક યુગનું ક્લાયમેક્સ પણ વર્ણવે છે.
દેવી દુર્ગમાતાએ નવ દિવસ અને નવ રાત્રિ સુધી યુદ્ધ કરીને મહિસાસૂર નામના તાકતવર અસૂરને હરાવીને તેનો વધ કર્યો હતો, તેના સંદર્ભે પણ દશેરાની ઉજવણી થાય છે.
ભિન્ન ભિન્ન માન્યતાઓ
દશેરાને સાંકળીને જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ઘણી માન્યતાઓ, કથાઓ અને પરંપરાઓ પ્રચલિત છે, પરંતુ તે બધાનો સારાંશ અથવા બોધ એક જ છે કે બુરાઈ હંમેશાં શક્તિશાળી હોવા છતાં હારી જાય છે અને અચ્છાઈ જીતી જાય છે, કારણ કે ઈશ્વરીય, કુદરતી અથવા દૈવી શક્તિઓ હંમેશાં અચ્છાઈની સાથે જ રહે છે.
તહેવારનું નામકરણ
દસ દિવસના યુદ્ધ પછી મળેલા વિજયને સાંકળીને આ દિવસનું વિજ્યાદસમી નામકરણ થયું હશે, તેવું માની શકાય. વિજ્યાદસમી નામકરણ અંગે પણ ઘણી ભિન્ન ભિન્ન માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે.
રાવણદહ્ન
દશેરાના દિવસે જામનગર સહિત ઠેર-ઠેર રાવણદહ્નના કાર્યક્રમો યોજાય છે. આ દિવસ રાવણદહ્ન તરીકે મનાવાય છે, પરંતુ હકીકતે રાવણ, કુંભર્કણ અને મેઘનાદ્ના પૂતળાઓનું દહ્ન કરવામાં આવે છે, કારણ કે આ ત્રણેય જુદી જુદી પ્રકારની આસૂરી વૃત્તિઓ તથા બુરી મનોવૃત્તિના પ્રતીક હોવાનું વર્ણવાય છે.
આધ્યાત્મિક મહત્ત્વ
તત્ત્વજ્ઞાન-આધ્યાત્મિક દૃષ્ટિએ દશેરાના તહેવારના ભિન્ન ભિન્ન ગૂઢાર્થ કાઢવામાં આવે છે. સત્ય પર અસત્યનો પ્રભાવ લાંબો સમય રહેતો નથી અને અંતે સત્યનો વિજય થાય છે. દુર્વિચાર, દુર્જનતા અને દુષ્કૃત્યો સામે સુવિચાર, સજ્જનતા અને સત્કાર્યો જ જીતે છે. નકારાત્મક્તા પર સકારાત્મક્તા હંમેશાં પ્રભાવી રહે છે. ફિલોસોફીમાં નેગેટિવિટી અને પોઝિટિવિટીના પ્રભાવો અને પરિણામોના વિવિધ વિવરણો જોવા મળે છે. અહંકાર, અદેખાઈ, મદ, મોહ, વાસના, ક્રોધ, સજ્જનો પ્રત્યે નફરત અને અસત્ય પ્રત્યે ઝુકાવાને નેગેટિવિટીમાં ગણવામાં આવે છે, જ્યારે સરળતા, સદ્ભાવ, વિશુદ્ધ પ્રેમ, ધૈર્ય, નિષ્ઠા, સજ્જનો પ્રત્યે સ્નેહ, વડીલો પ્રત્યે આદર, જીવદયા, માનવતા, સત્ય, અહિંસા, સહિષ્ણુતા, સજ્જનતા, સુસંસ્કાર અને સદ્ચારિત્ર્ય વિગેરે સદ્ગુણોને પોઝિટિવિટીમાં ગણવામાં આવે છે.
ધાર્મિક મહત્ત્વ
ધાર્મિક દૃષ્ટિએ પણ દશેરાનું દેશના જુદા જુદા પ્રદેશોમાં અલગ-અલગ મહાત્મય છે. રામાયણ તથા દુર્ગામાતાજી સાથે સાંકળીને પ્રચલિત થયેલા મહાત્મયો ઉપરાંત પણ ઘણાં સ્થળે વિવિધ માન્યતાઓ અને કથાઓમાં વિવિધાસભર ધાર્મિક મહાત્મયો વર્ણવાય છે, અને તેના સંદર્ભો પણ અપાય છે. ધાર્મિક દૃષ્ટિએ હિન્દુ ધર્મનો આ એવો તહેવાર છે, જે દેશવ્યાપી તો છે જ, પરંતુ કેટલાક અન્ય દેશોમાં પણ વિવિધ સ્વરૂપે ઉજવાય છે.
સૌથી વધુ પ્રચલિત રામાયણની કથા છે, જેમાં રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. મહિસાસૂર પર માતા દુર્ગાનો વિજય અને તે જ રીતે અસત્ય પર સત્યના વિજયને સાંકળીને જુદા જુદા ગ્રન્થોમાં દશેરાના વિવિધ મહાત્મયો વર્ણવાયા છે.
સાંસ્કૃતિક મહત્ત્વ
દશેરાને સાંકળીને દેશભરમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉજવાય છે. આ પ્રવૃત્તિઓમાં રામલીલા સર્વાધિક લોકપ્રિય છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં યોજાતી રામલીલાઓમાં તો દેશના સંતો, મહંતો, સર્વોચ્ચ નેતાઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તથા ગુરુ-શિષ્યો ઉપસ્થિત રહેતા હોય છે. રામલીલા આપણા દેશની એવી સાંસ્કૃતિક પરંપરા છે, જે આજે પણ નાનામાં નાના ગામ, કસ્બાથી લઈને મહાનગરો, રાજધાનીઓ તથા વિશ્વના અન્ય કેટલાક દેશો સુધી લોકપ્રિય છે. રામલીલાના માધ્યમથી ભગવાન શ્રીરામના મહાન કાર્યોને લોકોના દિલોદિમાગમાં જિવંત રાખવાનું ભગીરથ કાર્ય તો થાય જ છે, પરંતુ સાથે સાથે 'સત્યમેવ જયતે'ના હાર્દને પણ ચરિતાર્થ કરે છે.
આર્થિક મહત્ત્વ
દશેરાના પર્વનું આર્થિક મહત્ત્વ પણ છે. દશેરાના દિવસે લોકો મીઠાઈ વહેંચે છે અને સૌરાષ્ટ્રમાં ગાંઠિયા-જલેબીની મહેફિલો યોજાય છે. આ કારણે મીઠાઈ-ફરસાણનું મોટું માર્કેટ ઊભું થાય છે, જે અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ ઢબે રોજગારીની તકો પૂરી પાડે છે. દશેરાના તહેવારોમાં પ્રવાસ-પર્યટન પણ વધે છે, અને હવે તો અયોધ્યાના રામમંદિરે પણ દર્શનાર્થીઓ મોટા પ્રમાણમાં ઉમટે છે. આ ઉપરાંત નવરાત્રિને સાંકળીને પણ ઘણાં યાત્રા-પ્રવાસો દશેરાના દિવસે સંપન્ન થાય છે, જે પણ રોજગારીની વધુ તકો ઊભી કરે છે. ખેડૂતો પણ આ દિવસે કૃષિ ઓજારોનું પૂજન કરે છે, જ્યારે દેશભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજનના કાર્યક્રમો પણ યોજાય છે. જેથી દશેરા માત્ર ઐતિહાસિક, પૌરાણિક કે ધાર્મિક નહીં, પરંતુ આર્થિક સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
પ્રાસંગિક મહત્ત્વ
દશેરાના દિવસે ઘણાં મંગલકાર્યો, વિકાસકાર્યો, નવા સાહસો, નવા ધંધા-વ્યવસાય કે નવા મકાનો-સંકુલોના ઉદ્ઘાટનો મંગલપ્રારંભ કે ભૂમિપૂજનો પણ થતા હોય છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial