Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ ભોળી પ્રજાને રાહતના બદલે "ડામ" ! : ગરીબ-મધ્યમ વર્ગમાં ફફડાટ

ગુજરાતમાં વીજળી બીલની વસુલાતના મુદ્દે ભાજ૫ સરકારના બેવડાં ધોરણો ?!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: ગુજરાત રાજયમાં આગામી બે-ત્રણ મહિનામાં જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાનાર છે.

દર વખતની કોઈપણ સામાન્ય ચૂંટણી પહેલાં ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકોને રાહત થીમ જેવી જાહેરાતો (રેવડી) કરવામાં આવતી હોય છે, અને આ રેવડીની મતદારો પર ધારી અસર પણ થતી હોય છે, ખાસ કરીને શાસક પક્ષ અને સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણયોથી ચૂંટણીમાં ખૂબ મોટો લાભ ભાજપને થતો આવ્યો છે, અને હાલ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં મોટાભાગની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને વિધાનસભામાં ધીંગી બહુમતિ સાથે ભાજપનું શાસન છે.

ગુજરાતમાં મતદારો પરના ભાજપના આવા પ્રબળ અને જબરદસ્ત પ્રભાવનો ભાજપની નેતાગીરી ગેરલાભ લઈ રહી હોય તેવી લાગણી ઈવન ભાજપના સમર્થકોમાં પણ જોવા મળે છે. જે લોકોએ ભાજપને કાયમ માટે વિજયનો રસ પીવડાવ્યો છે, તેવા ગુજરાતના લોકોને ભાજપ શાસિત અન્ય રાજયોની સરખામણીમાં શાસકો તરફથી ક્યારેય કોઈ નોંધપાત્ર રાહત મળી નથી તે હકીકત છે અને આ બાબતની ચર્ચાએ હવે જોર પકડ્યું છે.

અત્યારે મુદ્દો વીજબીલના નાણા નહીં ભરનારાના વીજ જોડાણો કાપી નાંખવા માટે કડકમાં કડક કાર્યવાહી સાથેની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ, મધ્યમવર્ગના લોકો, નાના ધંધાર્થીઓમાં ચિંતા અને ગભરાટ ફેલાયા છે. પ૦૦-૧૦૦૦ ની રકમના વીજ બીલના નાણા ભરવામાં વિલંબ થયો હોય કે છેલ્લા બે બીલના નાણા કોઈને કોઈ કારણોસર ભરી શક્યા ન હોય તેવા પ્રામાણિક ગ્રાહકોના પણ વીજ જોડાણો કાપી નાંખવામાં આવશે, તેવી દહેશત સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ છે.

વીજ તંત્ર વીજ બિલના નાણાની વસુલાત કરે તે એક સ્વાભાવિક અને તેના કાર્યક્ષેત્રની નિયત પ્રક્રિયા જ છે, તેની સામે કોઈને વાંધો ન જ હોય શકે... પણ સવા મણનો સવાલ એ છે કે, વીજતંત્ર દ્વારા મોટાપાયે વીજ ચોરી કરનારાઓ કે મોટી રકમના (લાખોની રકમ) વીજ બિલ નહીં ભરનારા સામે શા માટે કોઈ પગલાં લેતું નથી...? લાખો રૂપિયાના બાકી બીલની શા માટે વીજ જોડાણો કાપવાની કાર્યવાહી સાથે કડક ઉઘરાણી કરવામાં આવતી નથી...? વીજ તંત્રની ઉદાસીનતાના કારણે જ રાજકીય વગ ધરાવતા અને માથાભારે લોકોની વીજ બીલ નહીં ભરવાના કારણે આ રકમ ચડત (વધતી) જતી હોય છે... હવે પાડાના વાંકે પખાલીને 'ડામ' જેમ વીજ તંત્ર આવા મોટા માથાઓને છાવરીને નાના વર્ગના લોકોને બીક બતાવી વીજ જોડાણ કાપી નાંખવાની ચીમકી અને ડામ આપી રહ્યું છે.

વીજળીની ચોરી ખૂબ જ મોટા પાયે થાય છે, ખાસ કરીને લગભગ દરેક શહેરમાં ઉદ્યોગોમાં આ પ્રવૃત્તિ વીજ તંત્રની મીઠી નજર હેઠળ જ ચાલતી હોવાની ચર્ચા છે. આવી જ રીતે વીજતંત્રના કેટલાંક ચોક્કસ કર્મચારી / અધિકારીઓ દ્વારા મીટર વગર ડાયરેક્ટ વીજ જોડાણ આપી નિયમિત રીતે હપ્તા લેવાતા હોવાના કિસ્સાઓની સૌ પ્રજાજનોને ખબર છે જ...!

આ સંજોગોમાં વીજતંત્ર ભલે કડક ઉઘરાણીની કામગીરી કરે, પણ તેમાં પૂરેપૂરૃં પ્રમાણભાન જાળવે તે પણ જરૂરી છે, બસ્સો-પાંચસોની રકમ બાકી હોય તેવા નાના બાકીદારોના વીજ જોડાણ  કટ કર્યા વગર પૈસા વસુલવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત વરસોથી નિયમિત રીતે વીજ બીલ ભરનારાના રેકર્ડ જોઈને કાર્યવાહી થાય, તે પણ જરૂરી છે. અને તેની સામે ગમે તેવા મોટા ચમરબંધીને છોડવામાં ન આવે અને મોટી રકમની વસુલાત કરે તો પ્રજાને રાહત થવા સાથે વીજતંત્રની કામગીરી પ્રત્યે વિશ્વાસ જાગશે.

વીજતંત્રની વીજ જોડાણ કટ કરી નાખવાની સ્પેશિયલ ડ્રાઈવ અંગે વીજતંત્રએ સૌથી પહેલા મોટી રકમના બાકીદારોથી કામગીરી શરૂ કરવી જોઈએ તેમજ પાંચ હજાર સુધીની બાકી રકમના બાકીદાર ગ્રાહકોના વીજ જોડાણ કટ નહીં થાય તેવી જાહેરાત કરશે તો ઉચાટ અનુભવતા લોકોને મોટી રાહત થશે...

બાકી તો વીજતંત્રને આવી ઉઘરાણીનો આદેશ રાજય સરકારના આદેશ કે દિશા-નિર્દેશથી જ થયો હોય ત્યારે સાવલ એ થાય છે, અત્યારે જ્યારે સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે રાહતની રેવડી આપવાના બદલે આવા ધગધગતા ડામ આપવાનું કેમ સુઝ્યુ...! અને તે પણ ઉનાળો શરૂ થવા સમયે...??

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh