Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પવનચક્કીઓના આડેધડ કામો સાથે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો

જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિના બેઠકમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા એ જુદા જુદા વિભાગના લોકહિતના પ્રશ્નો ઉઠાવી તંત્રને આડે હાથ લીધું હતું. જામનગર જિલ્લામાં અનેક ગામોમાં કલેક્ટર દ્રારા પવનચક્કી અને પવનચક્કીની ઇલેક્ટ્રીક લાઈનો ઉભી કરવા માટે જુદી જુદી કંપનીઓને જમીન ફાળવવામાં આવી છે. આ જમીનોમાં કંપનીઓ દ્રારા તેને ફાળવેલ જગ્યાને બદલે અન્ય જગ્યા ઉપર દાદાગીરીથી ખેડૂતોને ડરાવી કામ કરવામાં આવી રહૃાું છે જેમાં પોલીસ પણ કંપનીનો સાથ આપી રહી છે તેવા આક્ષેપ સાથે હેમંત ખવાએ અધ્યક્ષશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીને ઉગ્ર રજૂઆત કરી હતી. આવા અમુક કિસ્સાઓના ઉદાહરણ આપી હેમંત ખવાએ જણાવ્યુ હતું કે ખેડૂતોને સાથે રાખી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્રારા હંમેશાં કંપનીઓને છાવરવાનું જ વલણ દાખવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે સરકારી ખરાબો છે એ સરકારની માલિકીનો હોય છે પરંતુ કંપનીને ફાળવેલ જગ્યાને બદલે અન્ય જગ્યાએ ખેડૂતોને કનડગત થાય તે રીતે પોલીસ પ્રોટેકશન આપતા પહેલા મહેસૂલ વિભાગ સાથે ખરાઈ કરવામાં આવે કે કંપની જ્યાં કામ કરી રહી છે તે જ જગ્યા તેને ફાળવેલ છે ને. જો કંપની તેને ફાળવેલ જગ્યા ના બદલે અન્ય જગ્યાએ કામ કરી રહી હોય તેવા કિસ્સામાં પોલીસ પ્રોટેકશન ના આપવું. તેમજ આવા કિસ્સામાં તપાસ કરાવી તે કામ બંધ કરાવવું. વધુમાં જે કંપનીઓ વીજ લાઈનના કામો કરી રહી છે તેવા કિસ્સાઓમાં ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચુકવવામાં આવે છે જો કોઈ ખેડૂત આ વળતર થી સહમત ના હોય તો પરિપત્રની જોગવાઈ મુજબ જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં આ જમીનનું મૂલ્યાંકન કરી તેમાં નક્કી થયેલા બજાર ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચુકવવા રાજ્ય સરકાર દ્રારા કલેક્ટરશ્રીને સત્તા આપવામાં આવેલ છે આમ આ પરિપત્ર ની જોગવાઈ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા માટે રજુઆત કરી હતી. 

લાલપુર તાલુકાનાં વાવડી ગામના ગૌચરના મુદે્ તેમણે જણાવ્યું હતું કે, વાવડી ગામે ૨૦૧૭ થી ગૌચર ની જમીન મેળવવા માટે માંગણી કરી છે તેમ છતાં તંત્ર દ્રારા તે અરજી અન્વયે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. નિયમાનુસાર વહેલા તે પહેલા ના ધોરણે જેની જમીન માંગણીની અરજી પહેલા આવી હોય તેને જ જમીન મળે તો તંત્ર શા માટે ખાનગી કંપનીનું ઉપરાણું લઈને તેને જમીન મળે તે દિશામાં કામગીરી કરે છે. જ્યાં સુધી વાવડી ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન માટે કરેલ માંગણી નો નિકાલ ના થાય ત્યાં સુધી કોઈપણ ખાનગી કંપનીને જમીન ફાળવવા ની કામગીરી પણ ઊભી રાખી દો.

ફોરેસ્ટ ક્લીયરન્સના કારણે પડતર રહેલા રસ્તાઓ અનુક્રમે ઘુનડા થી ટેભડા, લાલવાડાનેશ થી ઉદેપુર સતાપર રોડ, લાલપુર થી ખટિયા રોડ, ખટિયા થી કાલાવડ રોડ અને મોટી ભરડ થી ભરડકી રોડ અંગે પ્રશ્ન રજૂ કરી બાંધકામ અને ફોરેસ્ટ વિભાગને સંકલનમાં રહી આ રસ્તાઓના કામ જલદી પૂરા થાય તે માટે સૂચનાઓ આપી હતી.

સૌની યોજનાના નવા વાલ્વ મૂકવા માટેનો પ્રશ્ન રજૂ કરી હેમંત ખવાએ સિંચાઇ વિભાગના અધિકારીઓએ તેમજ અધ્યક્ષશ્રી સાથે ચર્ચા કરી હતી. જેમાં ઘણા ગામના તળાવો ગૌચરમાં આવેલા છે જેના લીધે ત્યાં હાલના પરિપત્ર મુજબ નિયમાનુસાર સૌની યોજનાનુ કામ થઈ ના શકે આથી તળાવોને ગૌચરમાથી તળાવમાં નિમ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા તંત્રને રજુઆત કરવામાં આવી હતી.

ડી.એમ.એફ. અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટ બાબતે ખાણ ખનીજ વિભાગ આ કામગીરી કરવા જ માંગતી ના હોય તેવું લાગી રહૃાું છે. આ ગ્રાન્ટ ફાળવાય ગઈ તેને એક વર્ષ જેટલો સમય થઈ ગયો તેમ છતાં મોટાભાગના કામો હજુ ચાલુ જ નથી થયા.

જામજોધપુર-લાલપુર તાલુકામાં રાસાયણિક ખાતર વિક્રેતાઓ દ્રારા ખાતરનો જથ્થો કેટલો છે તે અંગેના બોર્ડ નિભાવાય છે કે નહીં તેવો પ્રશ્ન રજૂ કરી ખેતીવાડી અધિકારીને સમયાંતરે કેન્દ્રોની વિઝિટ કરવા તેમજ ખેડૂતોને ખાતરની સાથે નેનો યુરિયાની જેમ અન્ય પ્રોડક્ટ ફરજિયાતપણે ના આપવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી.

પીજીવીસીએલ અને જેટકો વિભાગને લગતા પ્રશ્નમાં તંત્રને બબરઝર એસ.એસ.માં તાત્કાલિક સ્વીચો બદલવા સૂચના આપી હતી તેમજ થોડા દિવસો પહેલા સમાણા સબ ડિવિઝન ના પ્રશ્નોને લઈ કરવામાં આવેલ બેઠક અંગે રિવ્યુ લેતા અધિકારીઓએ જણાવ્યુ હતું કે તેમાં ચર્ચા થયા મુજબ ઘણાં પ્રશ્નોનો નિકાલ થયો છે અને બાકી રહેલા પશ્નોનો પણ જલદી નિકાલ થશે તેવી અધિકારીઓએ ખાતરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh