Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદે ખેતીને વ્યાપક નુકસાન કરતા જગતના તાતને ફટકોઃ જનજીવન પ્રભાવિતઃ આજે પણ બપોર સુધી ૭૨ તાલુકામાં વરસાદ
અમદાવાદ/ જામનગર તા. ૧: હાલાર સહિત ઠેર-ઠેર માવઠાનો માર પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૧ તાલુકાઓમાં વરસાદ પડયો છે. આજે પણ બપોર સુધીમાં ૭૨ તાલુકામાં વરસાદ પડયો છે. ચાર ઈંચ સુધીનો વરસાદ પડતા જગતનો તાત ચિન્તામાં મુકાયો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં જ રાજ્યના ૭૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો.
આ સાર્વત્રિક માવઠાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં માત્ર ૨ કલાકમાં દોઢ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લીંબડી અને ચૂડા, આણંદના બોરસદ, રાણપુર, ખેડા, ભાવનગરના તળાજા તેમજ છોટા ઉદેપુરના જેતપુર પાવી અને ક્વાંટ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
આજે વહેલી સવારે અમદાવાદના ધંધુકામાં ૧.૯૩ ઇંચ, રાજકોટના લોધીકામાં ૧.૬૧ ઇંચ, ભાવનગરના ઉમરાળામાં ૧.૩૪ ઇંચ, ભરૂચના જંબુસરમાં ૧.૧૮ ઇંચ, બોટાદના ગઢડામાં ૦.૯૮ ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ૦.૯૪ ઇંચ, બોટાદના બરવાળામાં ૦.૯૧ ઇંચ, રાજકોટ શહેરમાં ૦.૯૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ભાવનગરના વલ્લભીપુર, સિહોર, જામનગરના કાલાવડ અને લાલપુર, પાલીતાણા, બોરસદ, અને રાણપુરમાં પર કમોસમી વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થતાં ઓફિસ જવા નીકળેલા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની ઋતુ હોવા છતાં લોકોને રેઇનકોટ પહેરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ રાજ્યના ૧૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં ૩.૪૬ ઇંચ નોંધાયો હતો. આ સિવાય અમરેલીના ખાંભામાં ૭૬ મિ.મી, ભાવનગરના તળાજામાં ૬૩ મિ.મી, અમરેલીના જાફરાબાદમાં ૫૨ મિ.મી અને ભાવનગરના મહુવામાં ૪૯ મિ.મી વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, જામનગર, નવસારી, ભરૂચ, જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, તાપી અને વડોદરાના અનેક તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની નોંધણી થઈ છે, જે સૂચવે છે કે રાજ્યવ્યાપી મેઘમહેર જોવા મળી છે. જો કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં ૧ થી ૪ મી.મી. જેટલો સાવ ઓછો વરસાદ નોંધાયો છે.
હાલાર પંથકમાં વરસાદથી નુકસાન
છેલ્લા કેટલાક દિવસથી હાલારમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી રહ્યું છે, પરિણામે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં હાલાર પંથકમાં અડધા થી બે ઈંચ જેટલો વરસાદ થયો છે. આજે સવારે પણ કાલાવડ, લાલપુર અને કલ્યાણપુરમાં અડધાથી પોણો ઈંચ અને ખંભાળીયા, ધ્રોલમાં વરસાદી ઝા૫ટું વરસ્યું હતું.
ચોમાસાની વિધિવત વિદાય પછી દિવાળીના તહેવારો પૂરા થયા અને ઠંડીની મોસમ શરૂ થાાય તે પહેલા ફરીથી એક વખત ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ-માવઠાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કપાસ, મગફળી સહિતના પાકનું ધોવાણ થઈ જવા પામ્યુ ંછે. જામનગર શહેરમાં ગઈકાલે રાતે ૧૧ વાગ્યે ધીમી ધારે વરસાદ થયો હતો. આ પછી વરસાદે જોર પકડયું હતું. જો કે, થોડીવારમાં ધીમો પડ્યો હતો. જે ૧૬ મી.મી. નોધાયો છે. આ વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ખાડા ખબોચીયા પણ ભરાઈ જતા વાહન ચાલકો-રાહદારીઓને મુશ્કેલી પડી હતી. જામનગર શહેર-જિલ્લામાં આજે સવારે ૧૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં જામનગરમાં ૧૭ મીમી, ધ્રોલમાં ૧૮ મીમી, કાલાવડમાં ૪૫ મીમી, લાલપુરમાં ૨૦ મીમી, અને જામજોધપુરમાં ૧૬ મીમી વરસાદ થયો છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે કલ્યાણપુરમાં અડધો ઈંચ, ખંભાળીયામાં સવા ઈંચ, ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ વરસતા ચોતરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અને માવઠાથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારે પણ કલ્યાણપુર પંથકમાં અડધા ઈંચ જેવો વધુ વરસાદ વરસી ગયાના વાવડ છે. આ માવઠાથી ખેડૂતોને ભારે ફટકો પડયો છે. કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
અમુક ખેડૂતોએ મગફળીના વાવેતર ઉપાડી લીધું હતું, પરંતુ તેના પાથરા વાડી/ખેતરમાં પડયા હતા જે ધોવાઈ ગયા છે. કપાસ તથા ઘાસચારાનું પણ ધોવાણ થઈ ગયું છે. આજે પણ વરસાદી માહોલ જળવાયો છે. અને વરસાદ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial