Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ અને ગાંધીનગરમાં કેસરિયો છવાયોઃ પદ્ગ્રહણ પહેલા નીકળી ભવ્ય રેલીઃ આતશબાજીઃ શુભેચ્છાઓનો ધોધ
ગાંધીનગર તા. ૪: જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે. આજે તેમણે સત્તાવાર જાહેરાત પછી પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતા પહેલા નીકળેલી રેલીમાં કેસરિયો છવાયેલો હતો.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે ૪ ઓક્ટોબર શનિવારે સવારે જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ના નામની સત્તાવાર જાહેરાત, પદગ્રહણ સમારોહ કમલમ્માં યોજાયો હતો. જગદીશ પંચાલ એક રેલી લઈને કમલમ્ પહોંચ્યા હતાં. આ દરમિયાન કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારપછી કમલમ્માં સત્તાવાર જાહેરાત પછી જગદીશ પંચાલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો.
આ પહેલા નરોડા પાટિયા પાસે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતાં અને ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે ર૦ જુલાઈ ર૦ર૦ થી ૩ ઓક્ટોબર ર૦રપ સુધી સી.આર. પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી. હવે જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાત ભાજપના ૧૪ મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો છે. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રિય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલની વરણી કરવામાં આવી હતી.
આ પહેલા ગઈકાલે કમલમ્માં બપોરે વિજય મુહૂર્તમાં ૧૦ ટેકેદારો સાથે જગદીશ પંચાલે ફોર્મ ભર્યું હતું. સર્વાનુમત્તે એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલનું પ્રદેશન પ્રમુખ પદ ફાઈનલ થયું હતું. આજે શનિવારે કેન્દ્રિય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સૂકાન આ વખતે ઓબીસી નેતાને સોંપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે, સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સારી રીતે નિમાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે, ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે.
મહત્ત્વની વાત એ છે કે જુના જોગીઓ અને બદલે હાઈ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપના સૂકાની બનાવ્યા છે. આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. હાલમાં ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે, તેમ મનાય છે.
નવા પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ પંચાલ ટેક્સાટઈલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ ૧ર ઓગસ્ટ ૧૯૭૩ ના અમદાવાદમાં જ થય હતો. બી.એ. અને માર્કેટીંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે ૧૯૯૮ માં બુથ ઈન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી.
તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા હતાં. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે ર૦૧પ થી ર૦ર૧ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની ર૦ર૧ ની ચૂંટણી જીત્યો હતો.
આજે તેમણે ભાજપનું સૂકાન સંભાળ્યું તે પૂર્વે જે ભવ્ય રેલફ યોજાઈ હતી જેમાં સાંસદો-ધારાસભ્યો સહિત કાર્યકરોએ તેમને ઉમળકાભેર શુભેચ્છા પાઠવી હતી. ઢોલ-નગારા, રાસ-ગરબા, ફટાકડાની રમઝટ બોલી હતી. રેલીને ઠેર ઠેર ભવ્ય આવકાર અપાયો હતો. રેલીમાં પ૦૦ થી વધુ ગાડીઓ હતી. શક્તિ પ્રદર્શન સમી આ રેલીમાં સૌ કોઈ કેસરી પાઘડી સાથે સજ્જ થયા હતાં. રેલી ગાંધીનગર કમલમ્ સુધી યોજાઈ હતી.
કોંગ્રેસના અમિત ચાવડા, આપના ઈસુદાન ગઢવી અને ભાજપના જગદીશ વિશ્વકર્મા, પોતપોતાના પક્ષના પ્રદેખ પ્રમુખ બનતા બક્ષી પંચ વોટબેંક અંકે કરવા માટે ત્રણેય પક્ષોએ કમર કસી હોય તેમ જણાય છે.
હવે ભાજપ ર૦ર૭ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે, તેમાં વિશ્વકર્માની પરીક્ષા થશે... તો આ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જગદીશ વિશ્વકર્માની અગ્નિ પરીક્ષા થશે... પાટીલે ભાજપને જે ઊંચાઈ પર પહોંચાડ્યું છે તે સ્થાન જાળવી રાખવાનો પડકાર રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ર૦ર૭ માં વિધાનસભાની ચૂંટણી, સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી, સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન સમાજના કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં મજબૂતી જેવા પડકારોને તેઓ કેવી રીતે પહોંચી વળે છે, તે પણ જોવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial