Advertisement
Author: નોબત સમાચાર

દેશ-દુનિયા-રાજ્ય કક્ષાએ બદલાતા પ્રવાહો વચ્ચે, સૌ કોઈને ધનતેરસની શુભકામનાઓ

                                                                                                                                                                                                      

આજે ધનતેરસ છે. ભગવાન ધન્વન્તરિનો પ્રાગટ્ય દિવસ છે. અને આજે ઘનલક્ષ્મી માતાજીનું પૂજન પણ થાય છે. આજે લોકો શુકનવંતી ખરીદી કરે છે અને શુભકાર્યો કરે છે. સોનાના આસમાને પહોંચેલા ભાવોના કારણે સોનાની ખરીદી કરવી જેની પહોંચની બહાર હોય, તેવા લોકો આજે ટોકન પૂરતી ખરીદી કરીને કે ચાંદીના આભુષણોની ખરીદી કરી રહ્યા છે., અને આજે ધન્વન્તરિ જયંતી નિમિત્તે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિના પ્રચાર-પ્રસાર સહિત સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.

બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી પછી આજથી પોત-પોતાના કાર્યભાર સંભાળી રહ્યા છે અને દિવાળીના તહેવારોમાં પોત-પોતાના મત વિસ્તારો તથા વતનના ગામોમાં પહોંચશે, ત્યારે તેઓને લોકો આવકારશે. જે નવા મંત્રીઓ બન્યા છે, તેઓના નિવાસસ્થાનો, વતન અને કાર્યસ્થળો પર ધમધમાટ વધ્યો છે, જ્યારે સ્વાભાવિક રીતે જ જેઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાંથી પડતા મુકાયા છે, ત્યાં ભીડભાડ અને લોકોની ચહલ-પહલ ઓછી થઈ જશે. જો કે, તેઓ ધારાસભ્ય તરીકે પોતાની સેવાઓ ચાલુ જ રાખશે, પરંતુ મંત્રીપદે હોય તેવો દબદબો નહીં રહે.

આ વખતે મંત્રીમંડળમાં કેટલાક એવા મંત્રીઓ છે, જેઓ હાલમાં કાયમી ધોરણે જુદા જિલ્લા કે શહેરમાં નિવાસસ્થાન ધરાવે છે, અને તેઓ જ્યાંથી ચૂંટાયા છે તે મતક્ષેત્ર અલગ જિલ્લામાં છે અને/અથવા વતન જુદા જિલ્લામાં છે. જો કે, મંત્રીપદ મળ્યા પછી તો ગાંધીનગરમાં મંત્રીઓનો ફાળવાતા બંગલાઓમાં રહીને જનસેવા કરવાની હોવાથી તેઓનો લાભ તેમના કાયમી નિવાસસ્થાનના શહેર/ગામ, વતનનો જિલ્લો અને પોતાના મતક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યને મળશે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ પ્રકારની વ્યૂહરચના અથવા માપદંડ "ચાણક્ય નીતિ" હેઠળ પણ ગોઠવાઈ હોઈ શકે છે. જે હોય તે ખરૃં, મંત્રી તો આખા રાજ્યના હોય, અને આખા રાજ્યનું પ્રતિનિધિત્વ જ કરવું પડે, તે પણ હકીકત છે.

જામનગર શહેરના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વસનીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક એન પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, હાલારને બે કેબિનેટકક્ષાના મંત્રી સામે એક રાજ્યકક્ષાના મંત્રી મળ્યા છે અને રાજકોટને તો કોઈ મંત્રીપદ મળ્યું નથી, તેથી આ વખતે કાંઈક અલગ જ દૃષ્ટિકોણ અને રણનીતિથી હાઈકમાન્ડે મંત્રીમંડળની પસંદગી કરી હોય તેમ જણાય છે. એક હકીકત છે કે આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઈટાલીયા વિસાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ગયા તે પછી દર વખતે ખોબલે ખોબલે ભાજપને મતો આપતા મતદારોના બદલાતા મિજાજને પારખીને આ વખતે સૌરાષ્ટ્રને વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે અને નવા મંત્રીઓની પસંદગીમાં મતવિસ્તારવાર તથા મેરિટને ધ્યાને લઈને જ માપદંડો નક્કી કરાયા હોય તેમ જણાય છે. ટૂંકમાં એક જ લાકડે ધણ વાળવાની માનસિકતાના સ્થાને ઊંડુ મનોમંથન તથા બદલતી જનભાવનાઓની પણ નોંધ લેવાઈ હોય તેમ લાગે છે.

દિવાળી ટાણે ભારતમાં ઉત્સવનો માહોલ છવાયો છે, અને વહેલા પગાર અને ખાનગી ક્ષેત્રે પણ અપાઈ રહેલા પ્રોત્સાહનો છતાં હજુ એકંદરે બજારોમાં અત્યાર સુધી જોઈએ તેવી રોનક જોવા મળતી નહોતી, પરંતુ આજથી બજારો ધમધમશે, પ્રવાસન સ્થળોમાં ચહલ-પહલ વધશે અને યાત્રાધામોમાં ભીડ વધવા લાગશે, તેથી તંત્રો પણ તેની તૈયારીઓમાં વ્યસ્ત બની રહ્યા છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાં વૈશ્વિક શાંતિભંગ અને કેટલાક દેશોમાં ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રશિયા-યુક્રેન ઉપરાંત નવા યુદ્ધો શરૂ થવા લાગ્યા છે, તેની ચિંતા વધી છે.

જો કે,જગત જમાદારની ભૂમિકાના ચિત્રવિચિત્ર હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાક સહિત સાત-આઠ યુદ્ધો સમાપ્ત કરી દેવાયા હોવાનો દાવો કરતા રહે છે. અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાનનું પૂર્ણકક્ષાનું યુદ્ધ સમાપ્ત કરવાનું સરળ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.

જામનગર જિલ્લાને રાજયના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું, પરંતુ વન, પર્યાવરણ અને ખાસ કરીને પ્રવાસન મંત્રી તરીકે એકંદરે સારૃં કામ કરતા ખંભાળીયાના ધારાસભ્ય અને ભાણવડના વતની મૂળુભાઈ બેરાને પડતા મુકાયા અને દ્વારકા જિલ્લાને કોઈ વૈકલ્પિક પ્રતિનિધિત્વ પણ મળ્યું નહીં. જ્ઞાતિ-જાતિની દૃષ્ટિએ કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપીને ભલે સમીકરણ સરભર કરી દેવાયું હોય, પરંતુ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ ખુંચવાઈ જતા થોડી નારાજગી જોવા મળી રહી છે.. બીજી તરફ પડોશના જિલ્લા પોરબંદરને કેન્દ્ર સરકાર પછી હવે રાજ્ય સરકારમાં પણ કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળ મળતા એકંદરે ઘેડ-બરડા-બારાડી-હાલારના સંયુક્ત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તેવા તારણો પણ ખોટાં નથી.

દિવાળીના તહેવારોમાં જ બદલાયેલી રાજ્ય સરકાર હવે વધુ ગતિશીલતાથી કામ કરશે અને અધુરા કામો ઝડપથી પૂરા થશે, તેવી આશા લોકો રાખી રહ્યા છે. હવે, જામનગરનો ફ્લાય ઓવર બ્રિજ પણ દિવાળી પછી ટૂંક સમયમાં ખુલ્લો મૂકી દેવાશે, તેવી હૈયાધારણા પણ અપાવા લાગી છે !!

અફઘાનિસ્તાને "વટ"થી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાન સાથે રમવાની ના પાડી દીધી, તે પછી ભારતીય ટીમે પણ હવે પછી કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચ કે અન્ય રમતો પાકિસ્તાન સાથે રમવી જોઈએ નહીં, તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુદ્ધ વિરામ છતાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હૂમલો કર્યો અને તેમાં કેટલાક ક્રિકેટરો પણ માર્યા ગયા, તે પછીનો ઘટનાક્રમ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળશે, તેવા સંકેતો પછી હવે ટ્રમ્પ આ સંભવિત ભીષણ યુદ્ધ કેવી રીતે અટકાવી શકે છે તે જોવાનું રહ્યું...

રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર રિવાબા જાડેજાને આવકારીએ અને આજથી દિવાળીના તહેવારોની ઉજવણીએ વેગ પકડ્યો છે અને ધનતેરસ ઉજવાઈ રહી છે, ત્યારે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર પ્રિય વાચકો તથા નોબતની ઈન્ટરનેટ સાથે સંલગ્ન સેવાઓ સાથે સંકળાયેલા ફોલોઅર્સ સહિત સૌ કોઈને ધનતેરસની શુભકામનાઓ પાઠવે છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh