Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે આખી દુનિયામાં અજંપો, અનિશ્ચિતતાઓ અને અવિશ્વાસનો માહોલ છે, અને ગ્લોબલ માર્કેટ ગોટે ચડી ગયું હોય તેમ જણાય છે. શેરબજારમાં થતા ઉતાર-ચઢાવના કારણે રાતોરાત ઈન્ડોનેશિયાના એક ઉદ્યોગપતિને અબજો ડોલરનો ફટકો પડયો હોવાના અહેવાલો હોય કે સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા પછી થયેલો ઘટાડો હોય, કે પછી ડોલર સામે રૂપિયો નબળો પડયો હોય, આ બધા દૃષ્ટાંતો દુનિયાની ડામાડોળ દશા દર્શાવે છે. અમેરિકન ડોલર જ્યારે નબળો પડે, ત્યારે સામાન્ય રીતે રૂપિયો મજબૂત થાય, પરંતુ ગઈકાલે અમેરિકન ડોલર તૂટવા છતાં રૂપિયો વધુ તૂટયો, જેના કારણે ફુગાવો વધુ ઝડપથી વધવાની સંભાવનાઓ વધી ગઈ છે અને આવું થવાના કારણોની ચર્ચા થવા લાગી.
ફોરેન એકસચેઈન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો જયારે ૯૨ની સપાટીએ પહોંચ્યો, એટલે કે એક અમેરિકન ડોલર સામે રૂ।. ૯૨નો ભાવ પહોંચ્યો, ત્યારે નવો ઈતિહાસ સર્જાયો અને તે પછી નહીંવત સુધારો થયો, પરંતુ આ સ્થિતિ ભારત અને એશિયન બજારોને ડામાડોળ કરનારી નિવડી. એ પછી આવું થવાના કારણોની ચર્ચા પણ થવા લાગી.
હકીકતે અમેરિકાની ફેડરલ રિઝર્વે એટલે કે ત્યાંની રિઝર્વ બેંકે વ્યાજદરમાં અપેક્ષા મુજબનો ઘટાડો કર્યો નહીં. અને યથાવત રાખ્યા, તેની સીધી અસર વિશ્વની અન્ય કરન્સીઓ પર પણ થઈ. આ કારણે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા ઘટી ગયો, અને તેની અસર ફોરેન એક્સચેઈન્જ પર થઈ.
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડના ભાવોમાં આવેલી તેજીના કારણે પણ ભારતમાં રૂપિયો પ્રેસરમાં આવ્યો હોવાનું તારણ ગ્લોબલ માર્કેટના તજજ્ઞો કાઢી રહ્યા છે. મુંબઈ શેરમાર્કેટમાં તેજીના કારણે રૂપિયો વધુ તૂટતા અટકયો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આમ છતાં આ બંને પરિબળોના કારણે ગ્લોબલ માર્કેટના પ્રવાહોની સીધી વિપરીત અસરો જોવા મળી રહી છે.
અમેરિકાની એચ.બી. વિણની કડક બનેલી નીતિ, વૈશ્વિક અશાંતિ અને આર્થિક ક્ષેત્રની અનિશ્ચિતતાઓના કારણે અમેરિકામાં જોબ માર્કેટ તથા ફુગાવાની અસરો હેઠળ નજીકના ભવિષ્યમાં પણ ફેડરલ રિઝર્વ વ્યાજદરો ઘડાડે, તેવી સંભાવનાઓ ઓછી હોવાના સંકેતો પણ અમેરિકન ઈકોનોમિસ્ટો આપી રહ્યા છે.
વિશ્વમાં કરન્સીના ભાવોમાં હાલમાં જબરી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ડોલર સ્વીસ કરન્સી સામે પટકાયો અને લગભગ એક દાયકાના ઈતિહાસમાં પહેલી વખત તળિયે પહોંચ્યો, તેવી જ રીતે ડોલર સામે બ્રિટિશ પાઉન્ડના ભાવો સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે., જયારે ઓસ્ટ્રેલિયાનો ડોલર પણ છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વખત અમેરિકન ડોલર સામે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ન્યુઝીલેન્ડના ડોલરે પણ ચાલુ વર્ષે પહેલી વખત અમેરિકન ડોલર સામે તેજી દેખાડી છે, જ્યારે ચાઈનીઝ કરન્સી તથા યુરોપિયન કરન્સી યુરો પણ ડોલર સામે તેજીમાં રહ્યા હતા, પરંતુ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે પ્રારંભમાં નબળો પડીને પછી ગઈકાલે થોડો સુધર્યો હતો, અને તેની પાછળ ભારતીય અર્થનીતિ, રાજનીતિ, કૂટનીતિ અને વૈશ્વિક સ્પર્ધાની મક્કમ રણનીતિ જેવા પરિબળો હોવાના મિશ્ર મંતવ્યો સાથેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
ગઈકાલે ભારતમાં સોના-ચાંદીના ભાવો રેકર્ડબ્રેક સપાટીએ પહચ્યા, તેની પાછળ પણ ગ્લોબલ માર્કેટના ઉતાર-ચઢાવ અને કરન્સી માર્કેટની અનિશ્ચિતતાઓના કારણે અસુરક્ષાની સામાન્ય જનતાની ભાવના તેમજ સોના-ચાંદીને સુરક્ષીત એસેટ્સ માનવાના જનમાનસની અવધારણાઓ હોવાનું માનવામાં આવે છે. જો કે, પહેલા રેકર્ડબ્રેક સ્થિતિએ પહોંચ્યા પછી સોનાના ભાવોમાં ૪ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી પણ ૬ ટકા જેટલી તૂટી હતી. ગઈ મોડી રાત્રે આ પ્રકારનો બદલાવ અમેરિકન ડોલરની નબળાઈની ભારતીય માર્કેટ સુધી મોડેથી પહોંચેલી અસરો ઉપરાંત સોના-ચાંદીના ભાવો જ્યારે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા, ત્યારે અચાનક વેચવાલીમાં વધારો થયો, તેના કારણે આવ્યો હોવાનું પણ કહેવાય છે. આ બંને કિંમતી ધાતુઓમાં જ્યારે સર્વોચ્ચ સપાટીએ ભાવ પહોંચ્યા ત્યારે ઊભી થયેલી નફાકારક સ્થિતિનો લાભ માર્કેટના ખેલાડીઓ તથા સોના-ચાંદીના વૈશ્વિક વેપારીઓએ ઉઠાવ્યો હોવાના તારણો પણ નીકળે છે. તે ઉપરાંત સામાન્ય જનતાના ઉચ્ચ મધ્યમવર્ગો બચત તરીકે સોના-ચાંદીની ખરીદી શેરમાર્કેટની અનિશ્ચિતતાના કારણે ઈન્વેસ્ટમેન્ટના વિકલ્પના સ્વરૂપમાં કરી રહ્યા હોય, તેઓએ પણ નફાકારક સ્થિતિમાં વેચાણ કર્યું હોય, તેવી અસરોના કારણે પણ મોડી રાતે સોના-ચાંદીના ભાવોમાં ચાર-છ ટકાનો કડાકો બોલ્યો હોય, તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે.
આ સ્થિતિ ભારતની સામાન્ય જનતાને અકળાવનારી છે. કારણ કે, આવું જ રહ્યું તો મોંધવારી વધુ વધશે. એવું કહેવાય છે કે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર વધતા ટ્રમ્પ ટેરિફના કારણે ઊભી થયેલી સ્થિતિ સામે લડી શકાશે અને વ્યાપારની સાથે સાથે પૂરક રોજગારીની તકો પણ વધશે. એવું પણ કહેવાય છે કે ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે પણ એક ઐતિહાસિક ટ્રેડ ડીલ થશે. જો એવું થશે તો પણ તેના પરિણામો હવે આવતા નાણાકીય વર્ષ સુધીમાં જ આવશે, તેથી ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ના છેલ્લા ક્વાર્ટરમાં તો સ્થિતિ પડકારરૂપ જ રહેવાની છે, અને જનતા અનિશ્ચિતતાઓના આંધીમાં અટવાતી જ રહેવાની છે.
ગઈકાલે ભારતીય શેરમાર્કેટમાં પ્રારંભિક કડાકા પછી ઝડપી રિકવરી સાથે તેજી જોવા મળી, તેની પાછળ નાણામંત્રીએ સંસદમાં રજૂ કરેલા ઈકોનોમિક સર્વેની સકારાત્મક પ્રતિક્રિયાઓ તથા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ માટેનો અપેક્ષિત આશાવાદની અસરો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને અમેરિકાની રિઝર્વ બેંકે વ્યાજદરો યથાવત રાખ્યા પછી પણ ભારતીય શેરમાર્કેટમાં તેજી જળવાઈ રહી તેને સારો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે.
આજે પણ ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો જોવા મળ્યો હતો અને મેટલ સેકટર ચર્ચામાં રહ્યું છે, અને ખુલતી બજારે ગ્લોબલ અસરો જોવા મળી રહી છે. અને બપોર સુધીનો ઉતાર-ચઢાવ માર્કેટની અનિશ્ચિતતાઓ દર્શાવે છે. જો કે, સવારે સોના-ચાંદીનો ચળકાટ જળવાઈ રહ્યો હતો તે પછી બપોર સુધીની સ્થિતિ આપણી સામે જ છે, અને બજાર તૂટી છે.
બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રને લઈને આશાવાદી સંકેતો ઈકોનોમિકલ સર્વેમાં દર્શાવાયા છે. વર્ષ ૨૦૨૬-૨૭માં અર્થતંત્રનો આર્થિક વૃદ્ધિનો દર અંદાજ ૬.૮ ટકાથી ૭.૨ ટકા મૂકાયો છે. એવું પણ જણાવાયુ છે કે આગામી વર્ષના આર્થિક દરના આ અંદાજોથી વૃદ્ધિ દર વધી પણ શકે છે.
આ અંદાજો ટ્રમ્પ ટેરિફ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલની સ્થિતિ તથા તાજેતરમાં થયેલા યુરોપિયન સંગઠનો સાથેના કરારોની અસરો પડે, તે પહેલાના છે, તેથી જો ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જાય અને "મધર ઓફ ડીલ" ગણીને યુરોપિયન યુનિયન સાથેની વ્યાપાર સમજૂતિની અમલવારી થાય, તથા ટ્રમ્પ ટેરિફ ઘટે, તો આ અંદાજો કરતા વૃદ્ધિદર ઘણો વધી શકે છે, તેવો આશાવાદ પણ દર્શાવાઈ રહ્યો છે.
અર્થતંત્ર અને આર્થિક વૃદ્ધિદરની આ બાબતો ભલે સામાન્ય જનતાને સરળતાથી સમજાતી ન હોય કે વ્યાપાર-ઉદ્યોગ તથા સેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સુધી મર્યાદિત જણાતી હોય, પરંતુ હકીકત એ છે કે આ તમામ સામાન્ય બાબતોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો સામાન્ય જનતાને પણ થતી જ હોય છે, તેથી જ શાસન-પ્રશાસન અને ખાસ કરીને કેન્દ્ર સરકારે સામાન્ય જનતાના હિતો તથા સુખાકારીને ધ્યાને લઈને જ આર્થિક નિર્ણયો લેવા જોઈએ અને રણનીતિ ઘડવી જોઈએ. દેશની આર્થિક સ્થિતિ સુદૃઢ હોય, તો તેનો લાભ જનતાને થાય, તે નિર્વિવાદ હકીકત છે, પરંતુ દેશની આર્થિક વિકાસની દોટમાં ગરીબો વધુ ગરીબ થતા જાય અને અમીરો વધુ અમીર થતા જાય, તેવું તો ન જ થવું જોઈએ ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial