Advertisement
Author: નોબત સમાચાર

ભારત પર આવતીકાલથી ૫૦ ટકા ટેરિફ લાગુઃ ટ્રમ્પ પ્રશાસનનું નોટિફિકેશન

૭મી ઓગષ્ટથી ૨૫ ટકા ટેરિફ હતો તે વધીને થશે ડબલઃ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના બહાને ભારત સાથે આડોડાઈઃ ચીન અંગે અલગ વલણ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૬: આવતીકાલથી અમેરિકાનો ભારત  પર ૫૦ ટકા ટેરિફ લાગુ થશે. ટ્રમ્પ પ્રશાસને નોટીફીકેશન પ્રસિદ્ધ કર્યુ છે. ટ્રમ્પે રશિયન ઓઈલનું બહાનું કર્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ૨૫% વધારાની ટેરિફ (આયાત ડ્યુટી) લાદવા અંગે એક ઔપચારિક નોટિફિકેશન જાહેર કર્યું છે. જે ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ થી યુએસ સમય અનુસાર રાત્રે ૧૨:૦૧ વાગ્યે અમલમાં આવશે.

હવે ભારતથી અમેરિકા જતા માલ પર કુલ ૫૦ ટકા ટેરિફ ચૂકવવો પડશે, કારણ કે ૭ ઓગસ્ટથી ૨૫% ટેરિફ પહેલાથી જ લાગુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચેનો વેપાર કરાર અંતિમ સ્વરૂપ પામી શક્યો નથી. અમેરિકા ભારતના કૃષિ અને ડેરી વ્યવસાયમાં પ્રવેશવા માંગે છે, જેના માટે ભારત સરકાર સંમત નથી. આ પછી, ટ્રમ્પે રશિયન તેલની ખરીદીનો હવાલો આપીને ભારત પર ૨૫ ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો, જે કાલથી અમલમાં આવશે.

આ પહેલા પણ, તેમણે ૭ ઓગસ્ટથી ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. કાલ પછી, ભારત પર કુલ ટેરિફ ૫૦ ટકા થશે.

જો કે, એ જાણવું મહત્વપૂર્ણ છે કે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઉર્જા સંસાધનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટો ભાગો જેવા ક્ષેત્રો ટ્રમ્પ ટેરિફથી ખૂબ પ્રભાવિત થવાના છે.

અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલવા અને તેના પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહૃાું છે, જેને ભારત સ્વીકારવા તૈયાર નથી, આ પાછળ ભારતીય ખેડૂતોનું હિત છે. આવી સ્થિતિમાં, વાતચીતના દરવાજા બંધ થયા પછી, ભારત કેટલાક પગલાં લઈને ટેરિફની અસર ઘટાડી શકે છે.

ભારતની અમેરિકામાં નિકાસ લગભગ ૮૭ અબજ ડોલર છે, જે ભારતના જીડીપીના ૨.૫% છે. આવી સ્થિતિમાં, જીડીપી પર ટેરિફની અસરને અવગણી શકાય નહીં.

વર્ષ ૨૦૨૪ માં ભારતની અમેરિકા સાથેની વેપાર ખાધ ૪૫.૮ બિલિયન હતી અને ૫૦% ટેરિફને કારણે તે વધુ વધી શકે છે.

હવે ભારત યુએસ બજાર માટે નવા વિકલ્પોની શોધને વધુ તીવ્ર બનાવી શકે છે. ભારત ખાસ કરીને યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા દેશોમાંથી તેની નિકાસ વધારીને વેપાર વધારવાનો પ્રયાસ કરશે. આનાથી અમેરિકા પરની નિર્ભરતા ઓછી થશે, પરંતુ ટેરિફની અસર ઘટાડવામાં પણ મદદ મળશે. ચીન પણ સતત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહૃાું છે.

અમેરિકા ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી નારાજ છે અને કોઈપણ કરારના પક્ષમાં નથી. બીજી તરફ રશિયા ભારતને સતત ખાતરી આપી રહૃાું છે કે રશિયન બજાર ભારતીય માલ માટે ખુલ્લું છે, ભારત રશિયા સાથે વાટાઘાટો આગળ ધપાવી શકે છે જેથી વૈકલ્પિક વેપાર વ્યવસ્થા (જેમ કે રૂપિયા-રુબલ ચુકવણી પ્રણાલીને મજબૂત બનાવવી) કરી શકાય, જે યુએસ ટેરિફ અને કડકાઈની અસર ઘટાડવામાં મદદ કરી શકે.

રશિયા ઉપરાંત, ભારત વેનેઝુએલા અથવા આફ્રિકા જેવા અન્ય દેશોમાંથી તેલ આયાતના નવાસ્ત્રેત શોધી શકે છે, જોકે વધેલી લોઝીસ્ટિક્સ અને ખર્ચ એક પડકાર બની શકે છે. પરંતુ ભારત તેના સ્થાનિક તેલ અને ગેસ ઉત્પાદનમાં વધારો કરીને રાહત મેળવી શકે છે.

ભારતમાં ૫૦% ટ્રમ્પ ટેરિફની અસરો ઘટાડવા માટે એક મોટો અને રાહતદાયક વિકલ્પ સ્થાનિક ઉદ્યોગોને સબસિડી આપવાનો પણ સાબિત થઈ શકે છે. યુએસ ટેરિફથી પ્રભાવિત ભારત કાપડ, આઇટી વગેરે સહિત તેના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અથવા પ્રોત્સાહન આપી શકે છે. જેથી ટેરિફની અસર ઓછી થઈ શકે.

ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી, માત્ર ભારત જ નહીં પરંતુ, તેઓ વિશ્વભરના દેશો પર વધારાના ટેરિફ લાદવાની વાત કરી રહૃાા છે. પહેલા, ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો અને તેને રશિયન તેલ ન ખરીદવાનું કહેવામાં આવ્યું. જ્યારે ભારતે ટ્રમ્પની વાત ન સાંભળી, ત્યારે તે નારાજ થયા અને વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો. ઉપરાંત, ટ્રમ્પ દેશના કૃષિ ક્ષેત્રમાં પોતાની નિકાસ વધારવા માંગતા હતા, જેને ભારત સરકારે મંજૂરી આપી ન હતી. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે વાત કરી અને કહૃાું કે અમે અમારા ખેડૂતો સાથે સમાધાન કરી શકતા નથી. અમારા પર દબાણ આવી રહૃાું છે પરંતુ અમે તે સહન કરીશું.

ભારત પર વધારાનો ટેરિફ લાદવાનું કારણ અમેરિકા દ્વારા રશિયન તેલની ખરીદી ચાલુ રાખવાનું છે. કારણ કે, અમેરિકા કહે છે કે તે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માંગે છે અને આ માટે રશિયાને આર્થિક રીતે નબળું પાડવું જરૂરી છે. જો ભારત જેવા દેશો રશિયન તેલ ખરીદતા રહેશે, તો તેમની અર્થવ્યવસ્થા સરળતાથી ચાલતી રહેશે અને તે યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રાખશે. જો કે, રશિયા પાસેથી જંગી માત્રામાં ઓઈલ ખરીદતા ચીન અંગે ટ્રમ્પની નીતિ જુદી જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh