Advertisement
Author: નોબત સમાચાર

ખારવા પ્રા.શાળાના શિક્ષક ફરજો ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની કરાવે છે તૈયારી

આજે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે એક પ્રેરક કથાઃ

                                                                                                                                                                                                      

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકિષ્ણનની જન્મજયંતી અને શિક્ષકોના સન્માન માટે દર વર્ષે ભારતમાં તા.૫ સપ્ટેમ્બરના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે છે. શિક્ષકો જ બાળકો માટે વધુ સારું ભવિષ્ય બનાવે છે. અને આવા જ એક શિક્ષક કે જેઓ પોતાના શાળાના સમય સિવાયના સમયમાં પણ બાળકોને અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી શ્રી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ, જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫  જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.

પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ, જ્ઞાન સાધના, નવોદયની તૈયારીઓ હું વિદ્યાર્થીઓને કરાવું છું. હું શાળાના સમય સિવાયના સમયમાં સવારના ૯:૦૦ થી ૧૦:૩૦ દરમિયાન એક્સ્ટ્રા લેકચર લઈને ધો.૫ અને ધો.૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપુ છું. અત્યાર સુધીમાં મારા બાળકો પૈકી ૫ વિદ્યાર્થીઓ નવોદયમાં, ૨૯ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનામાં, ૫૬ વિદ્યાર્થીઓ સીઈટીમાં તથા ૫૩ વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષામાં મેરીટમાં આવ્યા છે. આ વર્ષે પણ ૩૦ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં મેરીટમાં આગળ આવે તેવા મારા પ્રયત્નો છે. જેમાં સ્કુલ મેનેજમેન્ટ કમિટી અને શિક્ષકોનો પણ મને સાથ સહકાર મળી રહે છે.

શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને સંદેશો આપતા પરેશભાઈ જણાવે છે કે, ગામડાનું મધ્યમવર્ગનું બાળક તથા વાલીઓ શિક્ષકો તથા સરકારી શાળાઓ પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોને શાળાએ મોકલે છે. તો સૌ શિક્ષકોએ પણ પોતાની ફરજ નિભાવવાની સાથે બાળકોનું ભવિષ્ય ઉજ્જ વળ બને તે હેતુથી શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ. અને અમારી શાળામાં જે પ્રકારે વિદ્યાર્થીઓ માટે વધારાનો સમય ફાળવીને તેનું ભવિષ્ય ઘડવામાં મદદ કરવામાં આવે છે તે પ્રકારે અન્ય શિક્ષકો જહેમત ઉઠાવે. વાલીઓને આર્થિક રીતે મદદરૂપ ન થઇ શકીએ તો તેમના બાળકોનું ભવિષ્ય સુધારવા માટેના પ્રયાસો એક શિક્ષકે અવશ્ય કરવા જોઈએ.

ખારવા પ્રાથમિક શાળામાં ધો.૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દુધાગરા પ્રિશા જણાવે છે કે, અમે ભવિષ્યમાં સરકારની વિવિધ યોજનાઓ થકી વિનામૂલ્યે શિક્ષણ મેળવી શકીએ તે માટે અમારા સર દ્વારા શાળા સિવાયના સમયમાં દરરોજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવે છે. જેથી કરીને મધ્યમવર્ગના વાલીઓને તેના બાળકના શિક્ષણ પાછળ આર્થિક ખર્ચ ન કરવો પડે અને તેઓ ઉચ્ચ અભ્યાસ મેળવી શકે. આજે શિક્ષક દિન નિમિત્તે અમારા સર દ્વારા આપવામાં આવતી આ સેવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવે છે.તે જ રીતે વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજયના ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે.

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ  નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ સુધી દર મહીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

આલેખનઃ પારૂલ કાનગડ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh