Advertisement
Author: નોબત સમાચાર

જીતો તો ગયા, પરંતુ જનભાવનાઓનું શું....? પાક.સાથે ક્રિકેટે રમવાની મજબૂરીનું ગુપ્ત રહસ્ય...!

                                                                                                                                                                                                      

ગઈકાલે એશિયાકપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને કચડી નાંખ્યુ અને લીગ મેચમાં સાત વિકેટે શાનદાર વિજય મેળવ્યો, એટલું જ નહીં, ટોસ જીતીને બેટીંગ પસંદ કરનાર પ્રતિસ્પર્ધી ટીમને માત્ર ૧૨૭ રનમાં આઉટ કરીને ભારતીય બોલરોએ દમખમ દેખાડ્યો, તે આ ટુર્નામેન્ટની આગામી મેચો માટે પણ મોમેન્ટ વધારશે, તે નક્કી છે.

જો કે, આ ટી-ર૦ ક્રિકેટ મેચ ઘણાં જ વિવાદો સાથે વિપરીત જનભાવનાઓને અવગણીને રમાયો, એટલું જ નહીં, જો કેન્દ્ર સરકારે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ન્યુટ્રલ સ્થળે રમવાની મંજૂરી ન આપી હોત તો કદાચ વર્તમાન ક્રિકેટ ટીમનો કોઈપણ ખેલાડી આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવા રાજી ન હોત તો અને દેશમાં પણ એક મોટો વર્ગ પાકિસ્તાન સાથે કોઈપણ સંબંધ રાખ્યા ન હોય, ત્યારે ખેલકૂદમાં પ્રતિસ્પર્ધી બનીને તેની સાથે ક્રિકેટ રમવાની વિરૂદ્ધમાં હતો. આપણાં દેશની ધનાઢ્ય બીસીસીઆઈએ તો આ મેચ રમવાના નિર્ણય લેવાનું ઠીકરૃં કેન્દ્ર સરકાર પર ફોડી દીધુ, પરંતુ બીસીસીઆઈ અને આઈસીસીમાં નિર્ણાયક પરિબળો કોણ-કોણ છે અને તેનો પ્રવર્તમાન સરકાર સાથે ક્યો સંબંધ છે, તે ઓપન સિક્રેટ જ છે ને...?

ગઈકાલની મેચની વાત કરીએ તો સલમાનની ટીમ સૂર્યાની ટીમ સામે ક્યાંય ટકી શકી નહીં, અને પહેલેથી જ આ મેચ એકતરફી રહી. ઓપરેશન સિંદૂર પછીની પાકિસ્તાન સાથેની પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમ ભૂંડી રીતે હારી ગઈ અને ભારતીય ટીમે ખેલના મેદાનમાં પણ પાકિસ્તાનને રગદોળી નાંખ્યો, તેનું ગૌરવ પણ લેવામાં આવી રહ્યું છે...!

જો કે, ભારતીય ટીમે પ્રતિસ્પર્ધા ટીમને સસ્તામાં નિપટાવીને માત્ર ૧પ ઓવર અને પાંચ બોલમાં જ ૧૩૧ રન ઝૂડી નાંખ્યા અને ટાર્ગેટ હાંસલ કરી લીધો, તે બદલ ભારતીય ક્રિકેટ ટીમ ધન્યવાદને પાત્ર છે, અને તેઓની કાબેલિયતને બીરદાવી જ જોઈએ, ગઈકાલની મેચમાં ભારતીય ટીમમાં તમામ ખેલાડીઓમાં પણ એક અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળ્યો હતો, જેમાં યુદ્ધના મેદાનમાં દેશ માટે ઝઝુમતા જવામર્દો જેવી જીતવાની તાલાવેલી પણ જોવા મળી હતી.

બીજી તરફ લોહી અને પાણી એકસાથે વહી ન શકે અને જે દેશ આતંકવાદીઓને આપણાં દેશમાં મોકલીને નિર્ર્દોેષોના લોહી વહાવતો હોય, એટલું જ નહીં, ઓપરેશન સિંદૂર પછી પણ ભારતે નષ્ટ કરેલા આતંકી સંકુલોને ફરીથી ધમધમતા કરવા કરોડો રૂપિયા ફાળવતો હોય, તે નાપાક, નાલાયક અને નપાવટ દેશ સાથે ક્રિકેટ શા માટે રમવું જોઈએ...? તેવી જનભાવનાઓના કારણે બીસીસીઆઈ તથા કેન્દ્ર સામે પ્રચંડ આક્રોશ પણ પડધાઈ રહ્યો હતો.

એશિયા કપનું ટાઈમટેબલ જાહેર થયું ત્યારથી જ પાકિસ્તાન સામે એકાદ ટુર્નામેન્ટમાં નહીં રમીને પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માંગણી પ્રવર્તી રહી હતી અને ભારતીય ક્રિકેટના દિગ્ગજો, રાજકીય, સામાજિક અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રોની હસ્તીઓ જ નહીં, સામાન્ય જનતા તથા પ્રેસ મીડિયાના ક્ષેત્રોમાંથી પણ આ જ પ્રકારની જનભાવનાઓ પ્રગટી રહી હતી. વિપક્ષના ઘણાં દિગ્ગજ નેતાઓએ પણ પાકિસ્તાન સાથે ટી-ર૦ ક્રિકેટ મેચ રમવાનો જબરદસ્ત વિરોધ કર્યો હતો.

બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમે આદેશાનુસાર મેચ રમતી વખતે હસ્તધૂનન નહીં કરીને જે વિરોધ દર્શાવ્યો હોવાની ચર્ચા છે, તેમાંથી જ પાક. વિરોધી ભારતીય જનભાવનાઓ પણ પડધાઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચમાં વિજય મેળવ્યા પછી પહેલગામ હુમલાને વખોડીને ગઈકાલની શાનદાર જીત ભારતીય સેનાના સમર્પિત કરી, તે ભાવનાત્મક ક્ષણો હતી. તેમણે કહ્યું કે, તેઓ પહલગામ આતંકી હૂમલાના પિડીતો સાથે ઊભા છે, અને તેઓની સાથે જ છે. આ વિજયને ભારતીય સેનાને સમર્પિત કરીએ છીએ, જેઓ તેઓની પ્રેરણા છે. બીજી તરફ પાકિસ્તાન ટીમના કેપ્ટનમાં પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન કેમેરાની સામે ઊભા રહીને પ્રશ્નોના જવાબ આપવાની હિંમત પણ રહી નહીં હોય, તેથી તેઓએ પ્રેઝન્ટેશન એવોઈડ કર્યુ હોવાની ચર્ચા જોતા ઓપરેશન સિંદૂરની અસરો સ્પષ્ટ દેખાતી હતી અને ભારતીય ટીમના વિજયની ગૌરવગાથા ગવાઈ રહી હતી.

આ તરફ બીસીસીઆઈ તથા કેન્દ્ર સરકારને પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવા મજબૂર કેમ થવું પડ્યું અને જનભાવનાઓ તથા કડક ટિકા-ટિપ્પણીઓ છતાં તટસ્થ દેશમાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમવું પડ્યું, તેની એક અલગથી ચર્ચા પણ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈ તથા કેન્દ્ર સરકાર પણ એક સમયે તો આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે જ નહીં રમીને ક્રિકેટના નિયમો મુજબ પાકિસ્તાનને ભલે વધુ પોઈન્ટ મળી જાય અને ભારતીય ટીમ પાછળ રહી જાય, તો પણ પહલગામ હુમલાના દોષિતોના દેશની ટીમ સાથે કોઈપણ સંબંધ નહીં રાખવાના વિચાર સાથે સહમત હતી, પરંતુ આગામી ઓલિમ્પિક્સમાં જ્યારે ક્રિકેટનો સમાવેશ કરાયો છે, અને આગામી સમયમાં કોમનવેલ ગેમ્સ સાથે ઓલિમ્પિક્સ ભારતમાં રમાય, તેવી ભારત દાવેદારી કરી રહ્યું છે, ત્યારે જો આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભારત આંતરરાષ્ટ્રીય ખેલજગતના નિયમોનો ભંગ કરે, તો ઓલિમ્પિકની દાવેદારી પણ જતી કરવી પડે, અને જે સપનું સાકાર કરવા અત્યાર સુધીમાં અબજો રૂપિયાના આયોજનો તથા પ્રોજેક્ટો હાથ ધરાયા છે, તે દેશવાસીઓનું સપનું રોળાય જાય તેમ હોવાથી ખૂબ જ કડવાશ સાથે અને ના છૂટકે કમને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવું પડ્યું છે, વિગેરે....!

જે હોય તે ખરૃં, પરંતુ પહલગામ જેવા ક્રૂર આતંકી હુમલામાં જેના સ્વજનોની ઘાતકી હત્યા થઈ છે, તે પરિવારજનોને આ પ્રકારની દલીલો સરળતાથી ગળે ઉતરે નહીં, તે સ્વાભાવિક છે, આપણે બધા તેઓની સાથે જ છીએ, તે સરકાર કન્વીન્સ કરાવી શકશે...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh