Advertisement
Author: નોબત સમાચાર

પાછલા બારણેથી દારૂબંધી હળવી કરવા કે તદ્દન હટાવી લેવાના પ્રયાસો ? ભાજપની હિલચાલ કે વ્યૂહ ?

                                                                                                                                                                                                      

ગુજરાતમાં દારૂબંધી વર્ષ ૧૯૬૦થી જ લાગુ પડી ગઈ હતી. વર્ષ ૧૯૬૦માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત છુટુ પડયુ અને સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી (નશાબંધી) લાગુ પડી હતી.

હકીકતે ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દારૂબંધીના પ્રખર હિમાયતી હતા, તેથી તેઓના સન્માનમાં ગુજરાત રાજયની રચનાથી જ દારૂબંધી લાગુ પડી ગઈ હતી. બૃહદ મુંબઈ રાજ્યમાં પ્રોહીબિશન એકટ-૧૯૪૯ અમલમાં હતો, અને તેમાં ઘણાં કડક સુધારા થયા હતા. વર્ષ ૧૯૬૦માં તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો બન્યા, તે પછી મહારાષ્ટ્રમાં તો વિદેશી દારૂનું વેચાણ તથા ઉત્પાદનની છૂટછાટ મળી પરંતુ ગુજરાતે ગાંધીજીના માનમાં સ્થાપના થતાં જ સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી દીધી હતી અને આજ પર્યંત દારૂબંધી છે. જો કે, આરોગ્યના હેતુઓ માટે, મિલ્ટ્રીમેનો માટે અને વિદેશી મહેમાનો માટે વખતોવખત છૂટછાટ અપાતી રહી છે અને એ માટે અલાયદી પરમીટ (પરમીશન) લેવી પડે છે., પરંતુ ગુજરાતમાં દેશી કે વિદેશી દારૂનું સેવન, વેચાણ, હેરફેર, સંગ્રહ, ઉત્પાદન કે તદ્વિષયક માર્કેટીંગ કરવાની સખ્ત મનાઈ છે, એટલું જ નહીં, દારૂ બનાવવાનો કાચો માલ, મોલાસીસ, નવસાર, રસાયણો કે સાધનો પકડાય તો પણ વર્ષ ૧૯૬૦નો પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

જો કે, ગાંધીનગરના ગિફ્ટસિટીમાં પરમીટના આધારે દારૂના વેચાણ અને સેવનની છૂટ અપાઈ છે, અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પરમીટ ધરાવતા લોકોને વેચાણ માટેના પરવાના પણ અપાયા છે. જો કે, ત્યાં પણ ૨૧ વર્ષની ઉંમરથી નીચેની વયના લોકોને દારૂના સેવનની છૂટ નથી.

આ તો કાનૂની દૃષ્ટિએ રાજ્યમાં 'કડક' દારૂબંધીની વાત થઈ, પરંતુ હકીકતે રાજ્યમાં દારૂબંધી કેટલી કડક છે અને જેટલો જંગી જથ્થો પકડાય છે, તેનાથી  અનેકગણો વધુ દારૂનો જથ્થો પીવાય છે, જેમાં મોટા પ્રમાણમાં ઉત્પાદિત થતા દેશી દારૂ તથા મોટા પ્રમાણમાં ઘુસાડાતો વિદેશી દારૂ હોય છે. આ જંગી જથ્થો એક સમાંતર માર્કેટ ધરાવે છે, જે તદૃન ગેરકાયદે હોવા છતાં સિસ્ટોમેટિક રીતે ખૂલ્લેઆમ ધમધમી રહી છે. આવું કેમ થઈ રહ્યું છે એ પણ ઓપન સિક્રેટ જ છે ને ?

ગુજરાતની જેમ જ બિહારમાં એપ્રિલ ૨૦૧૬માં તે સમયની મહાગઠબંધન સરકારે સંપૂર્ણ દારૂબંધી લાગૂ કરી હતી. મહાગઠબંધનમાં જનતાદળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સામેલ હતા. તે સમયે તેજસ્વી યાદવ, નીતિશકુમારના સમર્થનમાં હતા, અને નીતિશકુમારે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન તે સમયે મહિલાઓને સંપૂર્ણ દારૂબંધીનું વચન આપ્યું હતું અને તેનું પાલન કરીને સંપૂર્ણ દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાતની જેમ જ બિહારમાં દારૂબંધી સફળ થઈ રહી નહીં હોવાની ચર્ચાઓ પણ અવારનવાર થતી રહે છે, અને તેમાં તથ્ય પણ છે.

બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ થઈ, તેને એપ્રિલમાં દસ વર્ષ પૂરા થશે. આ સમયે દારૂબંધીના કાયદાની પુનઃ સમીક્ષા કરવાની માંગણી બિહારમાં જોરશોરથી ઉઠી રહી છે. બિહારની વિધાનસભામાં સૌથી વધુ ચર્ચા પણ દારૂબંધીની જ થઈ રહી છે. એવું કહેવાય છે કે નીતિશકુમારની જીદના કારણે બિહારમાં દારૂબંધી લાગુ કરી દીધા પછી એક તરફ તો ગુજરાતની જેમ જ બિહારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પીવાય છે અને પકડાય છે, અને દારૂબંધી નિષ્ફળ ગઈ છે તો બીજી તરફ આ નીતિના કારણે બિહાર સરકારના ખજાનાને ફટકો પડી રહ્યો છે., બિહારમાં દારૂબંધી લાગૂ નહોતી, તે સમયે સરકારને શરાબ પરના શુલ્કમાંથી જે મબલખ આવક થતી હતી, તે સદંતર બંધ થઈ ગઈ છે, અને તે ભ્રષ્ટાચારીઓ તથા બૂટલેગરોના હાથમાં જઈ રહી હોવાની વાતો પણ થઈ રહી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે બિહારની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના પ્રમુખ મૂકેશ સહનીએ એવો આક્ષેપ લગાવ્યો છે કે ભાજપ સ્વયં બિહારમાંથી શરાબબંધી ખતમ કરવા ઈચ્છે છે, પરંતુ તે બીજાના ખભે રાખીને બંદુક ફોડવા માટે જુદી જુદી પદ્ધતિથી શરાબબંધી સામે સવાલો અન્ય લોકો, સંગઠનો કે પાર્ટીઓ દ્વારા ઉઠે તેવું પરસેટશન ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમણે એવો સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અસ્વસ્થાનો ગેરલાભ ભાજપ ઉઠાવી રહ્યો છે, અને બિહારના શાસન પર ભાજપ પ્રભાવી બની રહ્યો છે. ટૂંકમાં પાછલા બારણેથી ભાજપ જ બિહારમાં દારૂબંધી હળવી કે ખતમ થઈ જાય, તેવી ચાલ ચાલી રહ્યું છે.

બિહારમાં કોંગ્રેસના એક ધારાસભ્યે તો તમામ ધારાસભ્યો તથા અધિકારીઓના બ્લડ ટેસ્ટની માંગણી ઉઠાવી દીધી, તો રાજકીય પક્ષો એકબીજા પર આરોપો-પ્રતિઆરોપો કરી રહ્યા હતા. બિહારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ વર્ષ ૨૦૧૬થી આજ સુધી પકડાયેલી શરાબના આંકડા આપ્યા, તો અન્ય માદક દ્રવ્યો પણ પકડાયા હોવાથી ડ્રગ્સની બદી પણ વધી રહી હોવાના આક્ષેપો થયા, અને ઉડતા પંજાબની જેમ ઉડતા બિહારની વાતો પણ થવા લાગી છે.

તેજસ્વી યાદવ પણ અવારનવાર શરાબબંધીના કારણે બિહારની સરકારની તિજોરીનો અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું  જણાવે છે અને કહે છે કે શરાબબંધીના ગેરકાયદે દારૂના કારોબારની ૪૦ હજાર કરોડ રૂપિયાની સમાંતર ઈકોનોમી રાજ્યમાં ચાલી રહી છે.

ગુજરાતમાં વર્ષ ૧૯૬૦ થી સંપૂર્ણ શરાબબંધી છે અને બિહારમાં વર્ષ ૨૦૧૬થી શરાબબંધી લાગુ કરાઈ છે. પરંતુ બંને રાજ્યોમાં દારૂની હેરફેર, વેચાણ, સંગ્રહ, સેવન અને ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થયા જ નથી, અને તેથી જ આ પોલિસીની ફેર વિચારણાની માંગણી ઉઠતી રહે છે. ગુજરાતમાં તો ગાંધીના રાજયમાં દારૂબંધી સંપૂર્ણપણે હટાવવી શક્ય નથી, પરંતુ બિહારમાં આ મુદ્દો લગભગ તમામ રાજકીય પક્ષોમાં મૂક સહમતિ હોવાની ગુસપુસ થતી રહે છે, પરંતુ કોઈ ખુલીને દારૂબંધી તદૃન હટાવી લેવાની માંગણી ઉઠાવી રહ્યું નથી. આ સંજોગોમાં બિહાર ભાજપ પણ આ દારૂબંધી હટાવવાની તરફેણમાં હોય તો પણ બિહારના જ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા પછી આ પ્રકારની બૂમરેંગ પૂરવાર થઈ શકે તેમ હોવાથી ભાજપ પાછલા બારણેથી શરાબબંધી હળવી કરવાની ફિરાકમાં હોવાના આક્ષેપો થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh