Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના એક આસામી સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૬: જામનગરમાં લોન કન્સલટન્ટ તરીકે કામ કરતા એક મહિલાએ સતત ૨૦ મહિનાથી દુષ્કર્મ ગુજારાતું હોવાની એક ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લોન માટે મિલકત જોવા આવવાનું કહી તેણીને બોલાવ્યા પછી વીડિયો ક્લિપના આધારે બ્લેકમેઈલ કરી સંબંધ બાંધવામાં આવતો હોવાની કેફિયત આપવામાં આવી છે. પોલીસે આરોપીની શોધ હાથ ધરી છે.
જામનગરમાં લોન અપાવવાનું કામ કરતી એક મહિલાએ ઉદ્યોગપતિ વિશાલ મોદી નામના આસામી સામે વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે અને મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપવા અંગે સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ કેટલાક સમય પહેલાં તેઓ વિશાલના સંપર્કમાં આવ્યા હતા. ત્યારપછી લોન માટે પ્રોપર્ટી જોવા પોતાની સાથે આવવાનું કહી આ આસામી તેણીને ખંભાળિયા રોડ પર એક બંગલામાં લઈ ગયા હતા. જ્યાં ઠંડાપીણામાં કોઈ કેફી પ્રવાહી ભેળવી તેણી પર દુષ્કર્મ ગુજારાયું હતું.
ત્યારપછી અવારનવાર પોતાની સાથે સંબંધ બનાવી વીડિયો ક્લિપના આધારે બ્લેકમેઈલ કરી વિશાલે ફડાકા ઝીંકવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાની વિગતો પોલીસ ફરિયાદમાં આપવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ હાથ ધરી છે.