Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છએક દિવસથી ધામા નાખનાર જીએસટી ટીમની સચોટ કાર્યવાહીઃ અન્ય ફરિયાદોની વકીઃ
જામનગર તા. ૯: જામનગરમાં છએક દિવસથી ધામા નાખીને પડેલી અમદાવાદથી દોડી આવેલી જીએસટી વિભાગની ટીમે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ તથા રહેણાંકના સ્થળે ચકાસણી હાથ ધરી હતી. જેમાં વાહનના સ્પેરપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મોટી લાખાણી ગામના એક આસામીના જીએસટી પોર્ટલ પર રૂપિયા પોણા ત્રણ કરોડથી વધુની વેરા શાખ મેળવી લેવાઈ હોવાનંુ જણાઈ આવ્યા પછી તે વેપારીનું નિવેદન નોંધાતા આ વેપારીએ પોતાનું સાતેક વર્ષથી કામ કરતા જીએસટીના વકીલે જાણ બહાર જ અન્ય વેપારીઓને પોતાના નામે ઉપરોક્ત રકમની વેરા શાખ અપાવી દીધાની વિગતો બહાર આવ્યા પછી આ પ્રકરણમાં સૌપ્રથમ ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે હાલમાં ફરાર થઈ ગયેલા સીએ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર શહેરમાં પાંચેક દિવસથી અમદાવાદથી ધસી આવેલી જીએસટીની કેટલીક ટીમો દ્વારા સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અત્યંત ગુપ્ત રીતે આગળ ધપેલી કાર્યવાહી અંતર્ગત જામનગરના એક સીએ-અલ્કેશ પેઢડીયા દ્વારા કેટલીક ગોબાચારી કરાઈ હોવાની અનોપચારિક વિગતો પ્રકાશમાં આવી રહી હતી. તે દરમિયાન ગઈકાલે જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં વસવાટ કરતા અને વાહનોના સ્પેરપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રદીપસિંહ લાલુભા જાડેજા નામના આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સી ડિવિઝનમાં કરાયેલી આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પ્રદીપસિંહ જાડેજાની પેઢીનું એકાઉન્ટ લખાયા પછી જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિએટ્ નામની પેઢી ચલાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાને ત્યાં જીએસટીના રિટર્ન અંગેની કાર્યવાહી થતી હતી. તે દરમિયાન ગઈ તા.૧ એપ્રિલ ૨૦૨૧થી ગઈ તા.૩૧ માર્ચ ૨૦૨૫ દરમિયાન પ્રદીપસિંહના એકાઉન્ટમાં તેમના ગ્રાહકોના બીલની જગ્યાએ અન્ય જીએસટી ધારક વેપારીઓના મોટી રકમના ખોટા બીલ ઉધારી નાખી ગોબાચારી કરાઈ હતી.
મોટી લાખાણીના વેપારીના જીએસટી પોર્ટલ પર ભરવાપાત્ર રિટર્નમાં ખોટા બીલ બતાવી પ્રદીપસિંહ જાડેજાની જાણ બહાર જ રૂ.૨ કરોડ ૯૩ લાખ ૮૩૩૩૨ની વેરા શાખ આપી દેવામાં આવી હતી. આ બાબતની ચકાસણી જીએસટીની ટીમે કર્યા પછી પ્રદીપસિંહ જાડેજાને તેની જાણ થઈ હતી, તેના પગલે તેઓએ ગઈકાલે પોલીસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા સામે ફરિયાદ નોંધાવી છે.
જીએસટીની ટીમ દ્વારા ગુપ્તરાહે કરાયેલી સર્ચ કાર્યવાહી દરમિયાન એક વેપારીના જીએસટી પોર્ટલ પર કરાયેલી ઉપરોક્ત ગોબાચારી બહાર આવવા પામી છે. તેની સાથે અન્ય કેટલાક વેપારી ઓના એકાઉન્ટમાં પણ આ જ રીતે ગોબાચારી થઈ હોવાની શક્યતા નકારી શકાતી નથી.
વાહનના સ્પેરપાર્ટના વ્યવસાયી પ્રદીપસિંહની પેઢીનું જીએસટી અંગેનું કામ સાતેક વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા મારફત થતું હતું. તે દરમિયાન જામનગર ધસી આવેલી જીએસટી ટીમે હાથ ધરેલી ચકાસણીમાં આ વેપારીને તે બાબતની નોટીસ પાઠવાયા પછી ચોંકી ગયેલા વેપારીએ પોતાની જાણ બહાર ઉપરોક્ત શાખ મેળવી લેવાઈ હોવાનું જણાવતા આખરે આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઉપરોક્ત ચકાસણી અંગે સૌપ્રથમ ગુન્હો પોલીસ મથકમાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી ટીમે અલ્કેશ પેઢડીયાની ઓફિસ તથા રહેણાંક મકાન પર દરોડા પાડી કેટલુક સાહિત્ય કબજે કર્યા પછી ઉપરોક્ત વેપારી ફરિયાદી તરીકે બહાર આવ્યા છે તે પછી અન્ય પણ ફરિયાદો નોંધાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial