Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાપાર, મિલ્કત, કરાર કે અન્ય કોઈ પણ નાણાકીય અથવા નૈતિક દાવાઓમાં જ્યારે એક પક્ષ બીજાને પોતાનું કાયદેસર હક યાદ અપાવે છે, અથવા કાયદેસર કાર્યવાહી કરતાં પહેલાં ચેતવણી આપે છે, ત્યારે તેને ''કાયદેસર નોટીસ'' કહેવામાં આવે છે. આ નોટીસ એ માત્ર કાગળનો ટુકડો નથી તે કાયદાની ભાષામાં પ્રથમ દસ્તાવેજી પગલું છે, જે આગળ ચાલીને અદાલતી કાર્યવાહીનું આધાર બનતું હોય છે.
કાયદેસર નોટીસ સામાન્ય રીતે વકીલ દ્વારા મોકલવામાં આવે છે, જે પોતાના ક્લાયન્ટના જણાવેલા તથ્યો અને દાવાઓને આધારે સ્પષ્ટ રીતે નોટીસના માધ્યમથી સામે પક્ષને જણાવે છે કે શું માંગણી છે, શું હક્ક છે અને શું ઉપાય માંગવામાં આવી રહૃાો છે. નોટીસમાં તારીખ, ઘટનાક્રમ, કાયદાની જોગવાઈઓ અને માંગણી વિશે સંપૂર્ણ વિગતો હોવી જરૂરી છે. કાયદેસર નોટીસ કોઈ પણ સમયે મોકલી શકાય છે એ ફક્ત ગુન્હાખોરી માટે જ નહીં, પણ નાગરિક દાવા માટે, મિલકતના વિવાદ માટે, ઋણ વસૂલી માટે કે કોન્ટ્રાક્ટના ભંગ માટે પણ મોકલાતી હોય છે.
નોટીસ મળ્યા પછી શું કરવું? જવાબદારીથી વર્તનનું મહત્ત્વ
જ્યારે કોઈને કાયદેસર નોટીસ મળે ત્યારે સૌથી પહેલું કૃત્ય એ છે કે વ્યક્તિ એ નોટીસ સ્વીકારે. ઘણીવાર નોટીસ મળ્યા પછી લોકો ડરી જાય છે કે હવે કોર્ટકચેરીનો મૂંઝવણભર્યો રસ્તો શરૂ થવાનો છે અને નોટીસને લેવાનો ઇન્કાર કરે છે. પણ કાયદામાં સ્પષ્ટ માન્યતા છે કે નોટીસનો ઇન્કાર કરવો એ ''અસરકારક સેવા (ઈફેક્ટીવ સર્વિસ)'' તરીકે માનવામાં આવે છે. એટલે કે જો તમે નોટીસ સ્વીકારો કે ન સ્વીકારો, તેમાં લખેલા દાવાઓ કે તથ્યો સામે તમને કાયદેસર જવાબ આપવો પડશે અને તમારી મૌનતાને કોર્ટ ભવિષ્યમાં દાવાની સ્વીકૃતિ માને છે.
નોટીસ મેળવવી એટલે એક તક મળે છે તમારી વાત રાખવાની, દલીલો રજૂ કરવાની અને સંભવિત વિવાદ દૂર કરવાની. એટલેકે નોટીસ મળ્યા પછી વકીલની સલાહ લૈને યોગ્ય જવાબ આપવો ખૂબ જરૂરી છે. જો તરત જવાબ આપવા માટે પૂરતી માહિતી, દસ્તાવેજો કે સમજ ઉપલબ્ધ ન હોય, તો નોટીસ આપનાર પક્ષને અંતરિમ જવાબ આપી શકાય છે. જેમાં જણાવવામાં આવે કે વિગતવાર જવાબ માટે થોડો સમય જોઈએ છે, અને પછી યોગ્ય કાયદેસર જવાબ મોકલવો જોઈએ.
નોટીસ મોકલવાની પદ્ધતિ કાયદેસર સેવા કેવી રીતે માન્ય થાય?
કાયદેસર નોટીસ મોકલવાની સૌથી સુસંગત પદ્ધતિ છે પહોચાવાની પુષ્ટિ સાથેનો દાખલ પત્ર (આર.પી.એ.ડી.). આ વિધિ કાયદા હેઠળ સ્વીકૃત સેવા તરીકે માન્ય છે. આજે ઘણાં ન્યાયધિકરણો તથા કાયદાકીય વ્યવહારોમાં ઈમેઇલ દ્વારા મોકલેલી નોટીસ પણ માન્ય ધરી શકાય છે, જો મોકલનાર પાસે પુરાવા હોય કે નોટીસ સમયસર અને યોગ્ય રીતે મોકલવામાં આવી છે. એટલે દરેક નાગરિકે એવો રેકોર્ડ રાખવો જોઈએ કે કઈ તારીખે કઈ નોટીસ મોકલવામાં આવી અને એની પ્રાપ્તિનું પુરાવો પણ સાચવી રાખવું.
મૌન અને નબળો પ્રતિસાદ ભવિષ્યના વિવાદમાં નુકસાનીકારક બની શકે છે
જો કોઈ વ્યક્તિ નોટીસમાં કરાયેલા દાવા કે તથ્યોનો જવાબ આપતો નથી, તો ભવિષ્યમાં જ્યારે આ મુદ્દો અદાલતમાં લઈ જવામાં આવે ત્યારે કોર્ટ એ માન્ય રાખે છે કે નોટીસમાં જણાવેલા તથ્યો સામે કોઈ પણ અસ્વીકાર કરવામાં આવ્યો નથી એટલે એ દાવાઓ ન્યાયાલય દૃષ્ટિએ મૌન સ્વીકૃતિ તરીકે ગણાય છે.
એટલે જ, જો નોટીસમાં મૂકવામાં આવેલા તથ્યો ખોટા, ભ્રામક કે અપૂર્વ છે, તો તેમની સામે લેખિત અને પુરાવાઓ આધારિત જવાબ આપવો અગત્યનો છે. નહીંતર, ભવિષ્યના દાવા કે જવાબદારીમાં જવાબદાર પક્ષ તરીકે જાતે સાબિત થવાનો જોખમ ઊભો થાય છે.
વિશેષ કરીને જ્યારે નોટીસ કોઈ ન્યાયિક મંચ, ઔપચારિક ફોરમ કે કોર્ટ તરફથી આવે, ત્યારે તે ઔપચારિક કાર્યવાહીનો ભાગ હોય છે અને તેનો સમયસર પ્રતિસાદ આપવો કાયદેસર ફરજરૂપ છે.
તાર્કિક, દસ્તાવેજ આધારિત જવાબ ભવિષ્ય માટે રક્ષણરૂપ બને છે
નોટીસનો જવાબ આપતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે જેમ નોટીસ દસ્તાવેજી પુરાવા છે, તેમ તેનો જવાબ પણ એ જ રીતે પુરાવા રૂપે ગણાય છે. એટલે એ જવાબ વ્યવસ્થિત ભાષામાં, સંપૂર્ણ દસ્તાવેજ આધારિત, સમયસર અને કાયદેસર રીતે આપવો જોઈએ.
જો કિસ્સો આગળ ચાલી અદાલત સુધી પહોંચે, તો નોટીસનો જવાબ એ પ્રથમ સંરક્ષણરૂપ દસ્તાવેજ બને છે જે કહે છે કે તમે પહેલા જ તમારા પક્ષની સ્પષ્ટ સ્થિતિ રજુ કરી હતી અને આ રીતે જવાબ આપવાથી તમારું ભવિષ્યનું કાનૂની રક્ષણ વધુ મજબૂત બને છે.
અદાલત કે અન્ય કાનૂની મંચથી મળેલી નોટીસ જવાબદારી વધુ ઊંડી, અસર વધુ ગંભીર
અહીં ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલા બધા સિદ્ધાંતો અને કાયદેસર નિયમો માત્ર ખાનગી પક્ષો દ્વારા મોકલાયેલી નોટીસ સુધી મર્યાદિત નથી રહેતા. જો કોઈ નાગરિકને અદાલત, કોર્ટ, ટ્રિબ્યુનલ, અથવા અન્ય કોઇ કાનૂની મંચ તરફથી નોટીસ પ્રાપ્ત થાય, તો તેનું મહત્ત્વ તો વધી જ જાય છે.
કારણકે આવી નોટીસો કાયદેસર કાર્યવાહીનો સચોટ ભાગ હોય છે જેના જવાબ ન આપવાથી એકપક્ષીય નિર્ણય થઈ શકે છે, અથવા ન્યાયાલયે તમારૃં મૌન તમારા વિરૂદ્ધ વાપરી શકે છે. એવી નોટીસમાં આપેલી તારીખો, જવાબદારીના દાવા, કે હાજરી માટેના આદેશોને અવગણવા કે ટાળવાનો કોઇ અધિકાર નથી.
અદાલત તરફથી મળેલી નોટીસ અંગે પણ વકીલની સલાહ લઈ, સમયસર જવાબ આપવો, તથા લેખિત રીતે યોગ્ય રજૂઆત કરવી એ કાયદેસર ફરજ તરીકે માનવામાં આવે છે. વધુમાં, આવી નોટીસનું તથા તેના જવાબનું પુરાવા તરીકે દસ્તાવેજીકરણ તો ફરજિયાત જ છે.
નિષ્કર્ષઃ નોટીસ એ ઘેરાવ નથી તે અવસર છે તમારા પક્ષને નિર્મળપણે રજૂ કરવાનો
કાયદેસર નોટીસ એ દુઃસ્વપ્ન નથી કે જેેથી ડરાઈ જવાનું હોય એ તો એક તક છે, તમારા તર્ક, દસ્તાવેજ અને દાવા યોગ્ય રીતે મૂકવાની. નોટીસ મળવી એ કાયદાની પ્રક્રિયામાંનો પહેલો પડાવ છે, જે તમને સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વિવાદ કાયદેસર માર્ગે આગળ વધશે.
નોટીસ મળ્યા પછી મૌન રહેવું, તપાસ કર્યા વગર નકારવું, કે અવગણના કરવી એ ત્રણેય પગલાં ભવિષ્યમાં ગંભીર નુકસાની પહોંચાડી શકે છે. કોર્ટો વારંવાર કહી ચૂક્યાં છે કે જો નોટીસનો જવાબ ન અપાયો હોય, તો તેમાં કરાયેલા દાવાઓ અનપાત્ર રીતે અસ્વીકારાયેલ નથી એવું માનવામાં આવે છે.
તેથી, કાયદેસર નોટીસ મળ્યા બાદ વકીલની સલાહ લેવી, અંતરિમ જવાબ આપીને સમય માંગવો, અને પછી દસ્તાવેજ આધારિત વિગતવાર જવાબ આપવો એ તમામ નાગરિકોના હિતમાં છે. એ જવાબ પછી ભવિષ્યના દાવા કે આરોપ સામે રક્ષણરૂપ બને છે અને એ કાયદેસર પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે.
ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial