ખેડૂતોને ૧૫ દિવસમાં ક્રેડિટ કાર્ડ આપવાનો થશે પ્રારંભઃ રૃપાલાની જાહેરાત

નવી દિલ્હી તા. ૨૦ઃ કેન્દ્ર સરકાર જન-ધન ખાતાની જેમ ખેડૂતોને કિસાન ક્રેડિટ આપવા જઈ રહી છે, જેની શરૃઆત ૧૫ દિવસમાં થઈ જશે, તેમ કેન્દ્રિય કૃષિ મંત્રી પુરૃષોત્તમ રૃપાલાએ રાજ્યસભામાં જણાવ્યું છે.

ખેડૂતોને સંસ્થાગત કરજના દાયરામાં લાવવા માટે કેન્દ્ર સરકાર જન-ધન ખાતા યોજનાની તર્જ ઉપર કિસાન ક્રેડિટ કાર્ડના વિતરણનું અભિયાન શરૃ કરવા જઈ રહી છે. ખેડૂતોને ૧૫ દિવસની અંદર ક્રેડિટ કાર્ડ મળી જશે. કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પુરૃષોત્તમ રૃપાલાએ રાજ્યસભામાં કહ્યું કે દેશના ૭.૫ કરોડ ખેડૂતોને સંસ્થાગત કરજના દાયરામાં લાવવામાં આવશે. રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોએ કરજને પગલે ખેડૂતોની આત્મહત્યા વધી રહેલી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપ નેતા વિજયસિંહ તોમરે કૃષિ અને ખેડૂતોને લઈને વ્યક્તિગત સંકલ્પ રજુ કર્યો હતો. તેમણે ખેડૂતોના હિત માટે રાષ્ટ્રીય કૃષિ આયોગ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

આ પછી કૃષિ રાજ્યમંત્રી રૃપાલાએ કહ્યું કે દેશમાં અંદાજે ૧૪ કરોડ ખેડૂતો છે તેમાંથી ૬.૫ કરોડ ખેડૂતો સંસ્થાગત કરજ મેળવી રહ્યા છે. સરકાર એવો પ્રયાસ કરી રહી છે બાકીના ૭.૫ કરોડ ખેડૂતોને પણ સંસ્થાગત કરજના દાયરામાં લાવવામાં આવે જેથી તેઓ વ્યાજખોરોના કરજની જાળથી બચી શકે. રૃપાલાએ કહ્યું કે સરકાર ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવા માટે ઝુંબેશ ચલાવશે. આ હેઠળ મામૂલી દસ્તાવેજ રજુ કરવા પર ખેડૂતોને કાર્ડ મળી જશે.

બીજી બાજુ કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ફસલ વીમા યોજનાને લઈને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આરોપો ફગાવ્યા હતા. રૃપાલાએ આ યોજનાને રાફેલ સાથે જોડવા પર વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે વિપક્ષના આરોપોમાં બિલકુલ દમ નથી.

close
Nobat Subscription