શ્રીનગર તા. ૧રઃ જમ્મુ-કાશ્મીરમાં સેના અને સીઆરપીએફના સંયુક્ત સ્પેશ્યલ ઓપરેશન દરમિયાન બે આતંકી ઠાર કરાયા છે, જ્યારે સેનાનો એક જવાન ઘાયલ થયો છે. આ સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયાર અને દારૃગોળો જપ્ત કરાયા છે.
જમ્મુ-કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લાના ગુંડમાં સેનાની કાર્યવાહીમાં મંગળવારે ર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, એક જવાન ઘાયલ થયો છે. ત્રણ દિવસમાં બાંદીપોરા અને ગાંદરબલ જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધી પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ પહેલા લશ્કર-એ-તોઈબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. રવિવારે પણ એક આતંકીને ઠાર કરાયો હતો.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા પછી રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ઓપરેશન અને સીઆરપીએફએ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સેનાએ જણાવ્યું કે, ઘટના સ્થળે વધારાની સેના મોકલવામાં આવી હતી. કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું હતું કે, ગાંદરબલના ગુંડમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં મોટી માત્રામાં હથિયાર અને દારૃગોળો મળી આવ્યો છે જે જપ્ત કરી લેવાયો છે.