Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનું ગૌરવઃ ફોરમ વિપાણીએ ફેશન ડિઝાઇનીંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મેળવી સિધ્ધિ

લિબાસો કો નએ આયામ દેતી હૂં, મૈં ફેશન કો હુન્નર કા નામ દેતી હૂં

માણસનાં વ્યક્તિત્વનો સૌથી પ્રથમ પરિચય તેનાં પહેરવેશ ઉપરથી થતો હોય છે. એટલે જ ફેશન વર્લ્ડનો કારોબાર અબજો રૂપિયાનો છે કારણકે ફેશન એટલે ટ્રેન્ડ બની ગયેલો પ્રયોગ. તમારા પહેરવેશથી લોકો પ્રભાવિત થાય  તો જ એ ફેશન બને. મોટાભાગના લોકો ફેશન ફોલો કરતા હોય છે (મહદ્અંશે ફિલ્મ સ્ટારોનાં પહેરવેશ જોઇને) પરંતુ અમુક લોકો પોતાનું પેશન ફોલો કરે છે એ પોતાનાં ક્ષેત્રમાં ફેશન બનાવે છે. જામનગરની ફોરમ જીજ્ઞેશભાઈ વિપાણીએ ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે નગરને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. ત્યારે ફોરમે તેનાં પિતા જીજ્ઞેશભાઇ તથા માતા તેજલબેન સાથે 'નોબત' ની મુલાકાત લઇ 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે પોતાની સફળતા અંગે સંવાદ કર્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ડિઝાઇનીંગ ફોરમ દ્વારા નેશનલ ડિઝાઇનર્સ એવોર્ડ સિઝન-૬, ૨૦૨૩ નું આયોજન થયું હતું. જેમાં ભારતનાં દરેક રાજ્યમાંથી પસંદગીનાં ફેશન ડિઝાઇનરોએ ભાગ લીધો હતો.જેમાં ગુજરાતની ટીમનાં ૧૦ ફેશન ડિઝાઈનર પૈકી જામનગરમાંથી એકમાત્ર ફોરમની પસંદગી થઇ હતી. જેમાં માતાજીની પછેડી થીમવાળા ડ્રેસની કૃતિઓએ ગુજરાતની ટીમને 'બેસ્ટ ટ્રેડીશ્નલ ગારમેન્ટ ઓફ ધ યર' નો ખિતાબ અપાવ્યો હતો અને આ સિધ્ધિમાં ફોરમનો સિંહફાળો રહ્યો હતો.

ફોરમે આ થીમ પર ડિઝાઇન કરવા માટે ભારે શોધખોળ અને પ્રયોગ પછી સુરતથી એક કાપડ પસંદ કર્યું હતું. એ પછી માતાજીની પછેડી થીમને અનુલક્ષીને પોતાના કુળદેવી શ્રી સિંધવૈય સિકોતર માતાજીની સૌથી પ્રાચીન છબિને શોધી તે મુજબ પોતાનાં હાથે ૪૮ કલાક પેઇન્ટીંગ કરી માતાજીનાં સ્વરૂપને ડ્રેસમાં સાકાર કરવામાં આવ્યું હતું.

વિવિધ ખ્યાતનામ મોડેલોએ ફોરમ દ્વારા ડિઝાઇન કરેલ ડ્રેસમાં રેમ્પ વોક કરી વાહવાહી સાથે ગુજરાતની ટીમને સિધ્ધિ અપાવવાનું કાર્ય કર્યુ હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ ફેશન ડિઝાઇનરો ઉપરાંત બોલીવુડનાં કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે ફોરમની કલાને બિરદાવી હતી.

ફોરમનાં પિતા જીજ્ઞેશભાઇ બેડી બંદર રોડ પર પટેલ કોલોની નં. ૬ પાસે વિજેશ ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું સંચાલન કરે છે. જ્યારે માતા તેજલબેન ગૃહિણી હોવાની સાથે જ સ્ટોર સંચાલનમાં પણ સહભાગી બને છે. ફોરમનાં પિતા જીજ્ઞેશભાઇ ડિઝાઇનીંગની આગવી સૂઝ ધરાવે છે. ફોરમનાં અભ્યાસ વિશે વાત કરીએ તો તેણીએ નગરની શ્રી સત્યસાંઇ તથા સેન્ટ આન્સ સ્કૂલ અને એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. બી.કોમ.ની સમાંતર જ તેણીએ આઇ.એન.આઇ.એફ.ડી. ની ડિગ્રી મેળવી ફેશન ડિઝાઈનીંગમાં કારકિર્દી તરફ આગેકૂચ કરી. ડબલ ગ્રેજ્યુએટ ફોરમનું સપનુ છે કે તે જામનગરમાં જ પોતાનું ફેશન ડિઝાઇનીંગ ઇન્સ્ટીટ્યૂટ શરૂ કરે. તેણીનાં માતા-પિતાએ અભ્યાસથી લઇ કારકિર્દીમાં હંમેશાં ફોરમની લાગણીને માન આપી તેને મનગમતા પગલા લેવા દીધા છે અને ફોરમ એ પગલાઓ થકી મંઝીલો પામતી ગઇ છે ત્યારે ફોરમ પોતાનું ઇન્સ્ટિટયૂટ શરૂ કરી નવી મંઝીલ પણ મેળવી લેશે એવો તેણીને વિશ્વાસ છે. આ વિશ્વાસ સાચો પડે એવી શુભેચ્છા સાથે વિરમીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh