Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના "ફઈબા" રંભાબેને પોતાનું સમગ્ર જીવન દેશ સેવા માટે કર્યુ હતુ અર્પણઃ સાદગીની મિશાલ હતા

સ્વાતંત્ર્ય ચળવળમાં ગાંધીજીને અનુસરીને ઘણી ચળવળોમાં ભાગ લીધો અને જેલ સજા પણ ભોગવી હતી

ગુજરાત રાજ્યનો સ્વતંત્રતા સંગ્રામમાં અવિસ્મરણીય ફાળો રહ્યો છે. ત્યારે હાલાર પંથકના કણ-કણમાં શૂરવીરતા અને વીરરસ રહેલો છે. આ વાત છે જોડીયા ગામના 'ફઈબા' ની, જેમનું સમગ્ર જીવન દેશદાઝ અને માનવસેવાનો ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.

જામનગર જિલ્લામાં સ્થિત જોડીયા ગામનું ગૌરવ ગણાતા અને ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મહાન સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાની એવા રંભાબેન માધવજીભાઈ સુખપરીયા (ગણાત્રા) કે જેઓ 'ફઈબા' ના હુલામણા નામથી ઓળખાય છે. જોડિયાના નિવાસી નારાયણજી ગણાત્રાના પરિવારમાં રંભાબેનનો જન્મ ૨૨ સપ્ટેમ્બર ૧૮૯૩ ના રોજ થયો હતો. તેમના માતાનું નામ પાનબાઈ હતું. રંભાબેનમાં નાનપણથી જ આધ્યાત્મિકતા અને સાદગી પૂર્ણ જીવન જીવવાના સદગુણ જોવા મળતા હતા.

વર્ષ ૧૯૦૮ માં રંભાબેનના જોડિયા નિવાસી માધવજીભાઈ નકારામભાઈ સુખપરીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ માત્ર ૧૯ વર્ષની યુવા વયે તેમને વૈધવ્ય પ્રાપ્ત થતા તેઓ પિતૃગૃહે પરત ફર્યા હતા. રંભાબેનના મોટાભાઈ કરાંચીમાં વ્યવસાય કરતા હોય રંભાબેન કુટુંબ સાથે કરાંચીમાં સ્થાયી થયા હતા. કરાંચીમાં વસવાટ દરમિયાન તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાનું પ્રથમ પગથિયું સર કર્યું હતું. રંભાબેને એ જમાનામાં કે જ્યાં સ્ત્રીઓ માટે કોઈ અવકાશ ના હતો, ત્યારે ભાઈ હીરાલાલ સાથે તેઓએ જ્ઞાતિ સુધારણાની કામગીરી હાથ ધરી હતી. સમય જતા ભાઈ હીરાલાલ કરાંચીના નાયબ મેયર બન્યા. ત્યારબાદ તેઓ હીરાલાલભાઈના દરેક કાર્યમાં કદમથી કદમ મિલાવ્યા હતા.

હીરાલાલભાઈ સાથે કાર્ય કરવાથી તેઓ અનેક મહાનુભાવોના પરિચયમાં આવતા ગયા. સમય જતા રંભાબેન ગાંધીવાદી વિચારસરણીથી રંગાયા અને દેશને આઝાદી અપાવનારી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ઝંપલાવ્યું. વર્ષ ૧૯૩૦ માં કોંગ્રેસનું અધિવેશન કરાંચીમાં ભરાયું હતું. મહાત્મા ગાંધીજીએ આ અધિવેશનમાં હાજરી આપી હતી અને રંભાબેન પોતાના ભાઈ હીરાલાલ સાથે આ અધિવેશનમાં ભાગ લેવા માટે ગયા. ગાંધીજીએ સભા પૂરી થયા બાદ ત્યાં હાજર બહેનોને સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આહવાન કર્યું અને ત્યાં રહેલી બહેનોમાંથી સૌથી પહેલું નામ રંભાબેને લખાવ્યું હતું. બસ, આ ક્ષણ તેમના જીવનની એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગઈ. આ ક્ષણથી રંભાબેને પોતાના સમગ્ર  જીવનને ગાંધીવાદી વિચારસરણીને રંગે રંગીને સમાજ અને રાષ્ટ્રના ચરણોમાં અર્પિત કરી દીધું હતું.

ગાંધીજીના આદેશ અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૧૯૩૨ માં રંભાબેને કરાંચીમાં દારૂ, વિદેશી માલના પેકેટિંગ તેમજ બહિષ્કારની પ્રવૃત્તિઓમાં મહિલા ટુકડીની આગેવાની લીધી હતી. પરિણામે બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી અને તેઓને છ માસની જેલની સજા ફટકારી. જેલવાસમાં તેઓને ઘણા કષ્ટો સહન કરવા પડ્યા હતા. જેલમાં થતા અન્યાયો સામે રંભાબેને જેલના સતાધીશો સામે ભૂખ હડતાલ ચલાવી હતી.

આ વર્ષો દરમિયાન તેઓએ ખાદી અપનાવી સ્વદેશી ભાવનાને આત્મસાત કરી હતી અને કરાંચીમાં મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક એમ અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં રંભાબેન અગ્રેસર રહ્યા હતા. ૧૫ મી ઓગસ્ટ, વર્ષ ૧૯૪૭ ના રોજ ભારત આઝાદ થતાં ભારત- પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. ત્યારે રંભાબેન પોતાના પરિવાર સાથે માદરે વતન જોડિયા પરત ફર્યા અને ત્યાં સ્થાયી બન્યા. પોતાના ગામમાં પરત આવીને વતનનું ઋણ અદા કરવા અને સ્ત્રીઓની પરિસ્થિતિ સુધારવાના આશયથી સ્ત્રી ઉત્કર્ષ માટે ૮૭૫ રૃપિયાનો ફાળો ગામમાંથી એકત્ર કર્યો હતો. જેની મદદથી તેમણે જોડિયા ગામે 'સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા' ની વર્ષ ૧૯૫૦ મ ાં સ્થાપના કરી હતી.

સ્ત્રીઓના જીવનમાં શિક્ષણ, સંસ્કાર, સેવા, સ્વાવલંબન અને પવિત્રતાનું અજવાળું પાથરતી આ સંસ્થા બાલવાડી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળા, કન્યા છાત્રાલય, મહિલા તાલીમ વિકાસ કેન્દ્ર, કમ્પ્યુટર તાલીમ વર્ગો, વ્યવસાયલક્ષી તાલીમ વર્ગો, સર્વ રોગ નિદાન કેમ્પો, મહિલા ઉત્કર્ષ શિબિર જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી વટવૃક્ષ સમાન બની ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સમગ્ર દેશમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અન્વયે જોડિયાની પ્રખ્યાત ગાંધીવાદી સંસ્થા હુન્નરશાળામાં પૂજ્ય ફઈબાના નામની સ્વાતંત્ર સેનાની તરીકે એક તકતી રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવી હતી.

આ ઉપરાંત, હડિયાણા પ્રાથમિક કન્યાશાળાના શિક્ષિકા સુશ્રી બારૈયા દેવાંગીબેન અને રંભાબેનના પરિવારજનો દ્વારા રંભાબેન જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીના ઇતિહાસને જાહેર જનતા સમક્ષ ઉજાગર કરવા માટે નિસ્વાર્થ ભાવે પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોડીયા હુન્નરશાળાએ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજમાં સેવાની સુગંધ મહેકાવી છે. દેવાંગીબેન અને સુખપરીયા પરિવાર એ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે, દેશસેવા અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરવા માટે દેશનો એક-એક નાગરિક આગળ આવી શકે છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર ભાગીદારી બદલ સ્વતંત્રતાના ૨૫ માં વર્ષે તત્કાલીન વડાપ્રધાનશ્રીએ તારીખ ૧૫ મી ઓગસ્ટ ૧૯૭૨ના રોજ શ્રીમતી રંભાબેન માધવજીભાઈ સુખપરીયાને તામ્રપત્ર ભેટ અર્પણ કરીને તેમને સન્માનિત કર્યા હતા. તારીખ ૨૨ ડિસેમ્બર ૧૯૮૯ ના ૯૬ વર્ષની વયે પોતાની માતૃસંસ્થા હુન્નર શાળામાં શ્રીજી ચરણ પામ્યા હતા. પરંતુ તેઓએ પ્રજ્વલિત કરેલા સેવા અને દેશપ્રેમના દીપકની જ્યોત તેઓના મહાન કાર્યોની સાક્ષી પૂરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh