Advertisement
Author: નોબત સમાચાર

હમ નહીં સુધરેંગે....

ઘણાંં વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી, *હમ નહીં સુધરેંગે..*. કોમેડી ફિલ્મ હતી, અને મને કોમેડી ફિલ્મો બહુ જ ગમે. છતાં પણ મેં આ ફિલ્મ નથી જોઈ, કારણ કે આપણી આસપાસ જ એવા કેટલાય જીવતા જાગતા નમુનાઓ મળી આવે છે કે જેઓ જાણ્યે-અજાણ્યે ભૂલો કરતા રહે છે, અરે, એકની એક ભૂલ વારંવાર કરતા રહે છે. અને દરેક ભૂલ પછી એવી રીતે સોરી કહે છે કે જાણે એલાન કરતા હોય કે, *હમ નહીં સુધરેંગે....!!*

અને આ વાત સરકારને પણ એટલી જ લાગુ પડે છે. કદાચ સરકારને તો આ વાત વધુ સારી રીતે લાગુ પડે છે. કારણ કે દર પાંચ વર્ષે ચૂંટણી આવે એટલે દરેક રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે અનેક વચનો આપે, અને હવે તો ગેરંટી પણ આપે છે. પરંતુ એક વખત ચૂંટણી પતે એટલે બધા જ વચનો અને બધી જ ગેરંટી જાય કચરાપેટીમાં. સરકારી વહીવટ ફરીથી એ જ જૂની બેજવાબદાર રીતે ચાલ્યા કરે. કોઈ સરકારી વહીવટ સુધારવાની વાત કરે તો તરત જ જવાબ મળે કે, *હમ નહીં સુધરેંગે...!!*

જરા યાદ કરો કે આજથી  સવા વર્ષ પહેલા મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો, અને લગભગ ૧૩૫ માણસો માર્યા ગયા. એ સાથે જ સરકાર સફાળી જાગી ગઈ, અને સરકારને નરસિંહ મહેતા જેવી આધ્યાત્મિક અનુભૂતિ થઈ કે, *જાગીને જોઉં તો જગત દીસે નહીં...!!*

અને સરકારને પણ આવી આધ્યાત્મિક અનુભૂતિ જ વધારે પસંદ છે. ભૌતિક રૂપે જુઓ તો નજર સામે જ તૂટેલો પૂલ પડ્યો હોય, તેને સપોર્ટ આપતા સ્ટીલના વાયરો કટાઈને તૂટી ગયા હોય, પૂલ રીપેર થયા બાદ તેનું કોઈ સેફટી ચેકિંગ થયું ન હોય અને પૂલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ પણ જાય.. સરકારની જવાબદારી શું? કશી નહીં. ૧૨૫ની કેપેસિટી વાળા પુલ પર ૪૦૦થી વધુને પ્રવેશ આપ્યો, જવાબદારી કોની ? ખબર નથી...

આ બધી બેદરકારીના સરવાળા રૃપે પૂલ તૂટ્યો, લગભગ ૧૩૫ માણસો મર્યા, પછી સરકાર એક્શનમાં આવી અને આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક તપાસ પંચની રચના કરી. સાથે સાથે સેફટીના બીજા પણ જરૃરી પગલા લીધા, જેવા કે અટલબ્રિજના મુલાકાતીઓ પર રિસ્ટ્રીક્શન, બેટ દ્વારકા માં બોટોનું  ચેકિંગ, વગેરે વગેરે.

પરંતુ આ બધું થોડા દિવસ ચાલ્યું. જેવા લોકો મોરબીની દુર્ઘટનાને ભૂલ્યા કે સરકારે પણ તેના બધા જ ચેકિંગ પડતા મુક્યા. લોકોની સલામતી ? એ તો ભગવાન ભરોસે. સરકારે વગર બોલ્યે જાહેર કરી દીધું કે, *હમ નહીં સુધરેંગે...!!*

અને એક વર્ષમાં જ પરિણામ દેખાયું, વડોદરાની હરણી બોટ દુર્ઘટના રૂપે. એ જ બધી જુની બેદરકારી - જુની બોટ, મેન્ટેનન્સનો અભાવ, પાણી અટકાવવા સેલોટેપનો ઉપયોગ, નાસ્તાની લારી ચલાવનારને બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ, સેફટી જેકેટનો અભાવ, વગેરે વગેરે.

કહે છે કે એક હાથે તાળી ન પડે. બધી જ બાબતોમાં સરકારને દોષ દેવાને બદલે આપણે પણ થોડું જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ. દાખલા તરીકે બોટ કે બીજા કોઈ પણ વાહનમાં ઓવર કેપેસિટી મુસાફરી ન કરવી, આપણી સલામતી માટે આપણે લાઈફ જેકેટ, હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરેનો નિયમિત ઉપયોગ કરવો, વગેરે વગેરે.

કહે છે કે હમણાં ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશે પણ નળ સરોવરમાં બોટિંગ લાઇફ સેવિંગ જેકેટ પહેર્યા વગર કરવું પડેલું. સાચી વાત તો એ છે કે સરકારે પણ એવી વ્યવસ્થા કરવી જરૂરી છે કે જ્યાં જાહેર જનતા આવી નાની નાની ફરિયાદ સંકોચ વગર કરી શકે, અને તેનો તાત્કાલિક નિકાલ પણ આવે.

જો આવો સંયુક્ત પ્રયાસ કરવામાં આવશે તો જ આપણે આપણા માથા પર લાગેલું, *હમ નહીં સુધરેંગે..*નું કલંક દૂર કરી શકીશું.

વિદાય વેળાએ ઃ આ દેશમાં બુદ્ધિજીવીઓ બધા જ સિંહ જેવા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એટલી જ છે કે તેમની સિંહ ગર્જનાઓ રણમેદાનમાં નહીં, પરંતુ ટીવીની અર્થહીન ચર્ચાઓમાં જ સાંભળવા મળે છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh