Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે ઠંડી ઘટશે અને ગરમી વધશે, જ્યારે દેશમાં ચૂંટણીલક્ષી રાજકીય ક્ષેત્રમાં પણ માહોલ ગરમાઈ રહ્યો છે, જામનગરમાં મેગા દબાણહટાવ ઝુંબેશની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે અને મહાશિવરાત્રિ પછી હવે લોકો હુતાશણી પર્વે હોળી પ્રગટાવીને હોલિકાદહન કર્યા પછી ધૂળેટીનો કલરફૂલ ઉત્સવ ઉજવવા સમગ્ર રાજ્ય થનગની રહ્યું છે.
બેડી વિસ્તારમાં એસ.પી. ના નેતૃત્વમાં ગોઠવાયેલા બંદોબસ્ત હેઠળ જે ડિમોલીશન થયું, તેની હકારાત્મક પ્રતિક્રિયાઓ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે, અને મુખ્યમંત્રી-ગૃહમંત્રીની સૂચના મુજબ જિલ્લામાં કોઈપણ ગેંગ કલ્ચરને પનપવા નહીં દેવાય અને આ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલતી રહેશે તેવી એસ.પી. ની ખાતરી પછી નાના-મોટા ગૂન્હા કરતા અપરાધીઓથી માંડીને જંગી ગેરકાયદે બાંધકામો સહિતનો ગુનાખોરીનું માનસ ધરાવતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આ પ્રકારની કડકાઈ કાયમી ધોરણે જળવાઈ રહે તો જ નવા ગેરકાનૂની કૃત્યો તથા દબાણો થતાં અટકી શકે, તે પણ હકીકત છે.
આ પ્રકારના દબાણો હટાવાય, ત્યારે હંમેશાં એવો પ્રશ્ન પણ ઉઠતો હોય છે કે જ્યારે સરકારી ખરાબાઓ કે જાહેર સ્થળોમાં આ પ્રકારના ગેરકાયદે કૃત્યો કે દબાણો થતાં હોય ત્યારે સંબંધિત તંત્રો શું ઊંઘતા હતા ? આટલા મોટા તોતીંગ બાંધકામો કાંઈ રાતોરાત તો નહીં જ ઊભા થયા હોય ને ? કોઈપણ પ્રકારના દબાણો ગેરકાયદે જ ગણાય, પછી ભલે તે સરકારી જમીન પર હોય, ટ્રસ્ટો કે સંસ્થાઓની જગ્યામાં થાય કે પછી ખાનગી પ્લોટો કે ખેતર-વાડીઓમાં પેશકદમી થતી હોય, તે તમામ પ્રકારની દાદાગીરીને ખતમ કરવા પ્રિવેન્ટીવ એપ્રોચ અપનાવવો અત્યંત જરૂરી હોય છે, કારણ કે જંગી દબાણો થઈ ગયા પછી હટાવાય, તે તોતીંગ વૃક્ષની માત્ર ડાળીઓ તોડવા જેવું જ ગણાય,અને તેના જમીનની અંદર રહી ગયેલા મૂળિયામાંથી ફરીથી તે જ સ્થળે દબાણો ઊભા થઈ જતાં હોય છે, અને એવું ઘણાં સ્થળે થતું હોય છે, તે આપણે સૌ જાણીએ જ છીએ ને ?
આ પ્રકારના દબાણો હટાવ્યા પછી તે જ સ્થળે તેનું સ્વરૂપ બદલીને, ગમે-તેમ કરીને કાચી-પાકી મંજુરીઓ મેળવીને કે પછી પુનઃ તંત્રને (જાગતી આંખે) અંધારામાં રાખીને ફરીથી દબાણો ઊભા થઈ ન જાય, તે માટે વિશેષ કાળજી રાખવી જરૂરી હોય છે, અને એવું થાય, તો જે-તે વિસ્તારના સંબંધિત તમામ તંત્રોના અધિકારી-કર્મચારીઓને જવાબદાર ઠેરવીને તેની સામે પણ કડક પગલાં લેવાની કાર્યવાહી સરકારે કોઈપણ ભેદભાવ વગર કરવી જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં પણ તથ્ય છે અને આ માટે પણ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું ?
બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાઓની જાહેરાત કરી છે, તેને અનુલક્ષીને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કન્યા કેળવણીને લઈને રાજ્ય સરકારના અભિગમના હકારાત્મક પ્રતિભાવો પણ સાંપડી રહ્યા છે. આ યોજનાનો લાભ તમામ દીકરીઓને સાંપડશે, તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હને બજેટમાં શિક્ષણના ક્ષેત્રે જંગી જોગવાઈ કરી હોવાનો દાવો પણ કર્યો, ત્યારે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધરશે, તેવી આશા રાખી શકાય ખરી.
શૈક્ષણિક સુવિધાઓ અદ્યતન બને, મોટા શૈક્ષણિક સંકુલો ઊભા થાય, નવી નવી યોજનાઓ જાહેર થાય અને ઝુંબેશો ચાલે, તે આવકાર્ય છે, પરંતુ સાથે સાથે શાળાઓમાં ગુણવત્તાલક્ષી અને સંસ્કારો સાથેનું શિક્ષણ મળે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોય અને તમામ શાળાઓમાં નિયમિતતા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે, ખરું ને ?
શિક્ષણ હોય કે સરકારી સેવાઓ હોય, કન્યા કેળવણી ઝુંબેશ હોય કે સર્વશિક્ષા અભિયાન હોય, ગુંડાગીરી નાબૂદ કરવાનું અભિયાન હોય રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હોય, ટ્રાફિકની ડ્રાઈંવ હોય કે દબાણો હટાવવાના ડિમોલીશન ઓપરેશનો હોય, આ તમામ ક્ષેત્રે સરકારની પ્રબળ ઈચ્છા શક્તિ અને તેમાં જન વિશ્વાસ તથા સાર્વત્રિક જનસહયોગનો સમન્વય થવો પણ એટલો જ જરૂરી હોય છે. અન્યથા આ પ્રકારના અભિયાનો, ઝુંબેશો તથા ઓપરેશનો એકંદરે નિરર્થક અને માત્ર ફોર્ર્માલિટી જેવા જ બની રહેતા હોય છે, અથવા તેના પર પબ્લિસિટી સ્ટંટનો ધબ્બો લાગી જતો હોય છે.
બૂટલેગરો, ગેંગસ્ટરો અને નામચીન ગુનાખોરોની પાંખો કાપવા માટે તેના આ પ્રકારના ગેરકાયદે દબાણો હટાવીને તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પ્રહાર કરીને અનુચિત આવકના માર્ગો બંધ કરીને અને નેટવર્કને ભેદીને જ કાયમી ધોરણે શાંતિ અને સૌહાર્દની સ્થિરતા જળવાતી હોય છે, સાચી વાત છે ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial