Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુપીએના શાસનગાળામાં પણ અદાલતની અટારીએથી સીબીઆઈને સરકારનો પોપટ કહેવાયો હતો, તે જાણીતી વાત છે
એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી જેલમાં છે અને કાનૂની સકંજો કસાયો છે, તો બીજી તરફ આ મુદ્દે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકીય આરોપો-પ્રતિઆરોપોનો દોર વધી રહ્યો છે. ભાજપ પર વિપક્ષો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે તડાપીટ બોલાવી રહ્યા છે, તો ભાજપ તથા એનડીએ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આક્ષેપો કરીને વિપક્ષોને તકવાદી ગણાવી રહ્યા છે. ભાજપમાં સામેલ થયેલા અજીત પવાર, છગન ભૂજબળ વગેરે સામે ભ્રષ્ટાચારના આરોપો છતાં કેન્દ્રિય એજન્સીઓ તેને ત્યાં દરોડો કેમ પાડતી નથી, તેવા આક્ષેપો થઈ રહ્યા છે, તો થોડા મહિના પહેલા કોંગ્રેસના એક સાંસદને ત્યાંથી પકડાયેલી જંગી રોકડ રકમની ઘટના પછી એન.ડી.એ. દ્વારા તેના પર તડાપીટ બોલાવાઈ હતી અને આ રેડ સફળ થયા પછી રાજકીય ક્ષેત્રે અથવા રાજનીતિની આડમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની વાતો થવા લાગી હતી, તો ભાજપના પ્રવક્તાઓ પણ ધીરજ સાહુની સાથે સાથે આ જંગી રકમ સાથે કોંગ્રેસ પાર્ટીને પણ સાંકળવા લાગ્યા હતાં. આ મુદ્દે તે પછી જે કાંઈ બન્યું હતું, તે આપણે જોયું હતું, પરંતુ આ પછી કેન્દ્રિય એજન્સીઓ માત્ર વિપક્ષના નેતાઓને જ કેમ ઝપટમાં લ્યે છે? શું એનડીએમાં કોઈ નેતા-નેતીને ત્યાં આ પ્રકારે રેડ પાડવાની હિંમત કેન્દ્રિય એજન્સીઓની થતી નથી? શું આઈટી વિભાગ કેન્દ્રના ઈશારે એકને ગોળ અને બીજાને ખોળ જેવી પક્ષપાતી નીતિ અપનાવી રહ્યું છે? શું વિરોધીઓનો અવાજ દબાવવા કેન્દ્રિય એજન્સીઓ તથા બંધારણિય સંસ્થાઓનો દુરૂપયોગ વધી રહ્યો છે? તેવા પ્રશ્નો જોરશોરથી ચર્ચાવા લાગ્યા છે. ધીરજ સાહુ જેવા અપવાદોને બાદ કરીએ તો કેન્દ્રિય એજન્સીઓ જે વિપક્ષી નેતાઓની સામે કાર્યવાહી કરે છે કે દરોડા પાડે છે, તેમાંથી મોટાભાગના કેસોમાં એજન્સીઓ પાસે પૂરતા પુરાવા કે સાક્ષી પણ હોતા નથી, તેવા દાવા સાથે વિપક્ષો કેન્દ્ર સરકાર પર બદલાની રાજનીતિ અને વિપક્ષના અવાજને દબાવવાના પ્રયાસ તરીકે કેન્દ્રિય એજન્સીઓની શંકાસ્પદ ભૂમિકાના સણસણતા આક્ષેપો કરતા રહે છે. તેની સામે એનડીએ અને ખાસ કરીને ભાજપના પ્રવક્તાઓ પ્રતિઆક્ષેપો કરીને ભ્રષ્ટાચારીઓ તથા દેશવિરોધીઓને છાવરવાનો વિપક્ષો અને ખાસ કરીને આક્ષેપો કરતા રહે છે, તેમાં પણ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે ઝટકો આપીને તેને પણ લીકર કૌભાંડના પ્રથમ દૃષ્ટિએ આરોપી ગણાવ્યા પછી એનડીએ ઈન્ડિયા ગઠબંધન સામે તૂટી પડ્યું છે. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે તાજેતરમાં આ મુદ્દે અખબારો-મીડિયા અને સોશ્યલ મીડિયામાં કેટલાક તારણો અને કારણો સહિતના વિશ્લેષણો પણ પ્રસ્તુત થયા હતાં. આ 'લાઈવ' મુદ્દે આમ તો હંમેશાં ચર્ચા થતી જ રહે છે, પરંતુ કેટલાક તારણો એવા આવ્યા છ ે, જેમાંથી આ મુદ્દાનું તાર્કિક અને વાસ્તવિક ચિત્ર પ્રસ્તુત થઈ રહેલું જણાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગનો મુદ્દો યુપીએ સરકારના શાસન વખતે પણ ઉછળ્યો હતો, અને કોઈ મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે પણ સીબીઆઈને 'સરકાર કા તોતા' એટલે કે સરકારે પઢાવેલા પોપટની ઉપમા આપીને ટકોર કરી હતી. સરકાર બદલાયા પછી પણ સ્થિતિ બહું બદલાઈ નથી, પરંતુ કેન્દ્રિય એજન્સીઓની સક્રિયતા અનેકગણી વધી ગઈ હોવાના તારણો નીકળી રહ્યા છે.
કેન્દ્રિય એજન્સીઓ વધુને વધુ સક્રિય રહે અને ભ્રષ્ટાચારીઓ, આતંકવાદીઓ, ષડ્યંત્રકારીઓ અને અર્થતંત્રને ખોખલું કરવાના કાવતરાઓ માટે રચ્યાપચ્યા રહેતા ગદ્દારો સામે કડકમાં કડક વલણ રાખે, તે આવકાર્ય અને અનિવાર્ય જ ગણાય, પરંતુ જ્યારે આ પ્રકારની કાર્યવાહી પક્ષપાતી જણાય કે વિપક્ષના જુદા જુદા નેતાઓને ટાર્ગેટ કરીને વધુ થવા લાગે, ત્યારે તે સત્તાનો દુરૂપયોગ અને લોકતાંત્રિક ભાવનાઓની અવહેલના જ ગણાય ને?
આ જ રીતે કેટલીક બંધારણીય સંસ્થાઓ પણ જો સરકારના દબાણ હેઠળ કામ કરે અને પોતાની પાસે બંધારણીય સ્વાયત્તતા હોવા છતાં શાસકોની કઠપૂતળી બની જાય તો તે પણ તાનાશાહીનું સ્વરૂપ જ ગણાય ને?
જો કે, આપણે પણ પક્ષપાત કર્યા વગર તદ્ન તટસ્થ રીતે આ ચર્ચાનો સારાંશ કાઢીએ તો તપાસ એજન્સીઓ જ્યાં સુધી પોતાની ફરજો સ્વતંત્ર રીતે બજાવતી હોય, અને 'પક્ષપાત' જોયા વગર ભ્રષ્ટ નેતાઓ પર ત્રાટકતી હોય, ત્યાં સુધી તેને બીરદાવવી જ જોઈએ, અને એ પણ હકીકત છે કે આ પહેલા પુરોગામી સરકારોના સમયગાળામાં પણ જે રાજનેતાઓને ત્યાં દરોડા પડતા હતાં, તે મહત્તમ વિપક્ષી નેતાઓ જ હતાં, જો કે એવું કહેવાય છે કે, વર્તમાન સરકારના સમયગાળામાં આ 'સક્રિયતા' અનેકગણી વધી ગઈ છે?!
વર્ષ ર૦૧૪ માં મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ મુજબ કાળુ નાણું બહાર લાવવાનું સરકાર પર દબાણ હતું, તેવા સમયે પ્રથમ કેબિનેટમાં જ મોદી સરકારે એક એસઆઈટીની રચના કરી હતી. એ પછીથી કેન્દ્રિય એજન્સીઓ તથા કેટલીક બંધારણીય સંસ્થાઓ કેન્દ્ર સરકારની પપેટ (કઠપૂતળી) બનીને કામ કરી રહી હોવાના અને માત્ર વિપક્ષી નેતાઓને જ નિશાન બનાવાઈ રહ્યા હોવાના આક્ષેપો વિપક્ષો કરતા જ રહ્યા છે, અને શાસક પક્ષો તેને નકારતા રહ્યા છે.
કેન્દ્રિય એજન્સીઓ સીબીઆઈ, આઈટી, ઈન્કમટેક્સ વગેરે દ્વારા થતી કાર્યવાહી તથા દરોડાની સરખામણી થવા લાગી છે, તે મુજબ યુપીએની સરકારના શાસનકાળમાં પણ આ કેન્દ્રિય એજન્સીઓએ જે રાજનેતાઓને ત્યાં દરોડા પાડ્યા, તેમાં મહત્તમ રાજનેતાઓ તે સમયના વિરોધ પક્ષના નેતાઓ જ હતાં.
જો કે, યુપીએના સમયગાળા કરતા એનડીએના સમયગાળામાં ઈડી વધુ સક્રિય બની ગઈ છે. યુપીએના સમયગાળામાં ઈડીની રડારમાં બે પૂર્વ મુખ્યમંત્રી, ૩ મંત્રીઓ, ૩ સાંસદો આવ્યા હતાં, જ્યારે એનડીએના વર્તમાન બે ટર્મના સમયગાળામાં બે મુખ્યમંત્રી, ૧૪ પૂર્વ મુખ્યમંત્રી, ૧૯ મંત્રીઓ, ૭ પૂર્વ સાંસદો સામે તપાસના આંકડા ચર્ચાઈ રહ્યા છે. આ આંકડાઓ 'અડધો ગ્લાસ ખાલી કે ભરેલો'ની કહેવત જેવા છે, એમ પણ કહી શકાય કે એજન્સીઓ પક્ષપાતી છે, અને એમ પણ કહી શકાય કે અગાઉના વિપક્ષ કરતા વર્તમાન વિપક્ષના નેતાઓ વધુ ભ્રષ્ટ છે!
આજે જ અહેવાલો આવ્યા છે કે ઈડીએ કરેલી તપાસ પછી થયેલા કેસના ત્રણ ટકા કેસ જ રાજદ્રારીઓ સામે થયા છે, અને રૂ. ૨૨૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial