Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાષ્ટ્રીય રાજનીતિ માટે પ્રયોગશાળા જેવું રાજ્યઃ વિવિધ ચૂંટણીઓની તવારીખ

પહેલી મે ૧૯૬૦ ના ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, તે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ઘણાં ઉતારચઢાવ આવ્યા

ગુજરાત રાજ્યની સ્થાપના વર્ષ ૧૯૬૦ ના મે મહિનામાં થઈ હતી અને તેથી  જ દર વર્ષે પહેલી મે ના દિવસે ગુજરાત રજ્ય સ્થાપના દિન ઉજવાય છે.  ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે સમયે ગુજરાતમાં લોકસભાની રર બેઠકો  હતી અને લોકસભાની ચૂંટણી ૧૯૬ર માં થઈ, ત્યારે ૬૮ ઉમેદવારો મેદાનમાં  હતાં. એ સમયે પ૭.૯૬ ટકા મતદાન થયું હતું.

મતદારોની સંખ્યામાં ક્રમશઃ વધારો

વર્ષ ૧૯૬ર માં ગુજરાતમાં મતદારોની સંખ્યા ૯પ લાખ જેવી હતી, જે વર્ષ  ૧૯૬૭ ની ચૂંટણીમાં એક કરોડનો આંકડો વટાવી ગઈ હતી. વર્ષ ૧૯૭૧  અને ૧૯૭૭ માં મતદારોની સંખ્યા એક કરોડથી દોઢ કરોડની વચ્ચે હતી,  અને ૧૦૦ થી વધુ ઉમેદવારી માટે પપ થી ૬૦ ટકાની વચ્ચે મતદાન થયું હતું.

વર્ષ ૧૯૬ર થી વર્ષ ર૦૧૯ લોકસભાની ૧પ ચૂંટણીઓ થઈ, તેમાં સૌથી વધુ  ૬૪.૧૧ ટકા મતદાન વર્ષ ર૦૧૯ માં નોંધાયું હતું, જ્યારે વર્ષ ૧૯૯૬ માં  સૌથી ઓછું ૩પ.૯ર ટકા મતદાન થયું હતું.

જો કે, વર્ષ ૧૯૯૬ માં સૌથી વધુ પોણાછસ્સો જેટલા ઉમેદવારો હતાં, છતાં  સૌથી ઓછું મતદાન થયું, તેની પાછળના કારણો અંગે તે સમયે પણ  અખબારો, મીડિયાના માધ્યમથી લાંબા સમય સુધી ચર્ચાઓ ચાલી હતી.

વર્ષ ૧૯૭૧ માં ગુજરાતની બેઠકો વધીને ર૪ થઈ હતી, અને ૧૯૭૭ પછી  ર૬ બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ હતી. જેના મતદાનના આંકડાઓમાં સતત  વધઘટ થતી રહી હતી. એકાદ-બે અપવાદો બાદ કરતા વર્ષ ર૦૧૪ પહેલા  મોટાભાગે લોકસભાની ચૂંટણીઓનું મતદાન પ૦ ટકાથી ૬૦ ટકાની વચ્ચે જ  રહ્યું હતું. વર્ષ ર૦૧૪ પહેલા માત્ર ૧૯૬૭ માં જ ૬૩ ટકાથી વધુ મતદાન  નોંધાયું હતું. વર્ષ ર૦૧૪ માં ૬૩ ટકા અને વર્ષબ ર૦૧૯ માં ૬૪ ટકાથી વધુ  સરેરાશ મતદાન ગુજરાતમાં નોંધાયું હતું. વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં તેનાથી  પણ વધુ મતદાન કરાવવા માટે ચૂંટણીપંચ, પક્ષો તથા ઉમેદવારો પ્રયાસો કરશે,  તેથી વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં કેટલું મતદાન થશે, તે જોવાનું રહેશે.

ર૦ર૪ માં ટકાવારીનો રેકોર્ડ તૂટશે?

જો કે, આ વખતે ગરમી, વેકેશન, લગ્નગાળો અને કેટલાક કુદરતી  પરિબળોના કારણે મતદાન પર વિપરિત અસરો થવાની સંભાવનાઓ અને  પ્રથમ તબક્કામાં ગત્ ચૂંટણીથી ઓછું મતદાન થવા છતાં મતદાનના અગાઉના  રેકોર્ડ તોડવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, તેથી આ વખતે મતદાન વધી પણ  શકે છે. જોઈએ, શું થાય છે તે...

ઉમેદારોની સંખ્યા

વર્ષ ર૦૧૯ માં તો ૩૭૧ ઉમેદવારો મેદાનમાં હતાં, પરંતુ વર્ષ ૧૯૬ર અને  ૧૯૬૭ માં ડબલ ડિઝિટમાં અનુક્રમે ૬૮ અને ૮૦ ઉમેદવારો મેદાનમાં હતાં.  તે પછી ત્રણ આંકડામાં ઉમેદવારો નોંધાવા શરૂ થયા અને વર્ષ ૧૯૭૧ માં  ૧૧૮, વર્ષ ૧૯૭૭ માં ૧૧ર, વર્ષ ૧૯૮૦ માં ૧૬૯, વર્ષ ૧૯૮૪ માં  રર૯, વર્ષ ૧૯૮૯ માં ર૬૧, વર્ષ ૧૯૯૧ માં ૪ર૦, વર્ષ ૧૯૯૬ માં  પ૭૭, વર્ષ ૧૯૯૮ માં ૧૩૯, વર્ષ ૧૯૯૯ માં ૧પ૯, વર્ષ ર૦૦૪ માં  ૧૬ર, વર્ષ ર૦૦૯ માં ૩પ૯, વર્ષ ર૦૧૪ માં ૩૩૪ અને વર્ષ ર૦૧૯ માં  ૩પ૯ ગુજરાતમાં ૩૭૧ ઉમેદવારો ર૬ બેઠકો પરથી ચુંટણી લડ્યા હતાં. સૌથી  ઓછા ઉમેદવારો વર્ષ ૧૯૬ર માં ૬૮ હતાં, જ્યારે સૌથી વધુ ઉમેદવારો વર્ષ  ર૦૧૯ માં ૩૭૧ નોંધાયા હતાં. આ તમામ આંકડા ગુજરાતની લોકસભાની  બેઠકોના છે.

નોંધાયેલા મતદારોના આંકડા

લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં ગુજરાતના ૪.૯પ કરોડ જેટલા  મતદારો નોંધાયા છે, જે વર્ષ ર૦૧૯ માં ૪.પ૧ કરોડ જેટલા હતાં. તે પહેલા  ઉતરતાક્રમે જોઈએ તો, વર્ષ ર૦૧૪ માં ૪.૦૬ કરોડ, વર્ષ ર૦૦૯ માં  ૩.૬૪ કરોડ, વર્ષ ર૦૦૪ માં ૩.૩૬ કરોડ, વર્ષ ૧૯૯૯ માં ર.૯પ કરોડ,  વર્ષ ૧૯૯૮ માં ર.૮૭ કરોડ, વર્ષ ૧૯૯૬ માં ર.૮પ કરોડ, વર્ષ ૧૯૯૧ માં  ર.૪૮ કરોડ, વર્ષ ૧૯૮૯ માં ર.૪૩ કરોડ, વર્ષ ૧૯૮૪ માં ૧.૮૮ કરોડ,  વર્ષ ૧૯૮૦ માં ૧.૬૪ કરોડ, વર્ષ ૧૯૭૭ માં ૧.૪૧ કરોડ, વર્ષ ૧૯૭૧  માં ૧.૧પ કરોડ, વર્ષ ૧૯૬૭ માં ૧.૦૬ કરોડ અને વર્ષ ૧૯૬ર માં ૯પ  લાખથી વધુ મતદારો ગુજરાતમાં નોંધાયા હતાં.

ગુજરાતમાં લોકસભાની ૧૬મી ચૂંટણી

ગુજરાત રાજ્ય મુંબઈ સ્ટેટમાંથી છૂટુ પડ્યું તે પછી વર્ષ ર૦ર૪ માં ૧૬ મી  ચૂંટણી થવા જઈ રહી છે. વર્ષ ૧૯૭૧ પછી વર્ષ ૧૯૭૭ માં લોકસભાની  ચૂંટણી યોજાઈ હતી, અને સંસદનો તે સમયગાળો ૬ વર્ષનો રહ્યો હતો, કારણ  કે કટોકટીમાં એક વર્ષ માટે સંસદનો સમયગાળો વધારી દેવામાં આવ્યો હતો.

ગુજરાત એટલે રાજનીતિની પ્રયોગશાળા

ગુજરાત આમ તો રાજકીય ક્ષેત્રની પ્રયોગશાળા જેવું જ રહ્યું છે. વર્ષ ૧૯૭૦  પછી કોંગ્રેસના વિરોધમાં વિરોધપક્ષોએ 'જનતા મોરચો' રચીને વિધાનસભાની  ચૂંટણી લડી હતી અને તે સમયે ગુજરાતમાં આ પ્રથમ ગઢબંધન બિનકોંગ્રેસી  સરકાર રચાઈ હતી. આ પ્રયોગ સફળ થયા પછી કટોકટી પછી વર્ષ ૧૯૭૭  માં આ જ પ્રકારનો પ્રયોગ રાષ્ટ્રીય કક્ષાએ થયો અને ઘણાં બધા વિરોધપક્ષો  'જનતા પાર્ટી'માં વિલીન થઈ ગયા હતાં અને એક જ ચૂંટણી ચિન્હ અને  સમાન ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરીને દેશમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચાઈ  હતી. મોરારજી દેસાઈના નેતૃત્વમાં રચાયેલી સરકારમાં મતભેદો ઊભા થતા  જનતા પાર્ટી વિખેરાઈ ગઈ હતી અને વર્ષ ૧૯૮૦ માં પુનઃ કોંગ્રેસની સરકાર  રચાઈ હતી અને ઈન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા હતાં. આમ, ગુજરાતે  દેશને ગઠબંધન સરકારોનો રાહ ચિંધ્યો હતો.

ગુજરાત વિધાનસભા અને

રાજ્ય સરકારોની રચના

ગુજરાત વિધાનસભાની તવારીખનું વિહંગાલોકન કરીએ, તો વર્ષ ૧૯૬ર માં ગુજરાત વિધાન સભાની દ્વિતીય એસેમ્બલીની ચૂંટણીમાં કોંગ્રેસે ૧પ૪ માંથી  ૧૧૩ બેઠકો મળી હતી, અને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા પછી બળવંતરાય મહેતા અને તે પછી હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી બન્યા હતાં. તે  પછીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૬૮ માંથી ૯૩ બેઠકો  વર્ષ ૧૯૬૭ માં મળી હતી, અને હિતેન્દ્ર દેસાઈએ રાજ્ય સરકાર રચી હતી.  વર્ષ ૧૯૭ર માં કોંગ્રેસને ૧૬૮ માંથી ૧૪૦ બેઠકો મળી હતી અને ઘનશ્યામ ઓઝા અને પછી ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતાં. વર્ષ ૧૯૭પ માં  વિપક્ષોએ જનતા મોરચો રચ્યો અને કોંગ્રેસને ૧૮ર માંથી માત્ર ૭પ બેઠકો  મળી બાબુભાઈ જશાભાઈ પટેલે રાજ્યની પ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચી.  વર્ષ ૧૯૮૦ માં ફરીથી કોંગ્રેસે ૧૮ર માં ૧૪૧ બેઠકો મેળવી અને માધવસિંહ  સોલંકી મુખ્યમંત્રી બન્યા. વર્ષ ૧૯૮પ માં કોંગ્રેસને ૧૪૯ બેઠકો મળી અને  માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા. અનામત વિરોધી આંદોલનના કારણે અમરસિંહ ચૌધરીને કોંગ્રેસે સૂકાન સોંપ્યું, પરંતુ એ જ સમયગાળામાં ફરીથી  માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા.

વર્ષ ૧૯૯૦ માં ૧૮ર માંથી કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી. જનતા દળને  ૭૦ અને ભાજપને ૬૭ બેઠકો મળતા તેની સંયુક્ત સરકાર રચાઈ, પરંતુ પાંચ  વર્ષ પૂરા થતા પહેલા જ આ ગઠબંધન તૂટ્યું અને છબિલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા. તે પછી જનતાદળ (ગુ) સહિત ચિમનભાઈ પટેલ ફરી કોંગ્રેસમાં  જોડાઈ ગયા.

વર્ષ ૧૯૯ર પછી રાષ્ટ્રીય રાજનીતિમાં બદલેલા માહોલ અને રામમંદિર  આંદોલનમાં પણ ગુજરાતના કારસેવકો આંદોલકારીઓએ મહત્તમ ભૂમિકા  અદા કરી હતી. તેથી વર્ષ ૧૯૯પ માં ભાજપને ૧૮ર માંથી ૧ર૧ બેઠકો મળી  અને કેશુબાપાની સરકાર બની. એ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ  'ખજૂરાહો' કર્યા પછી કેશુભાઈની સરકાર તૂટી તે પછી શંકરસિંહ વાઘેલા,  દિલીપભાઈ પરીખ, સુરેશ મહેતા વગેરે એ જ સમયગાળામાં ટૂંકા ટૂંકા સમય  માટે મુખ્યમંત્રી બન્યા. તે પછી વર્ષ ૧૯૯૮ માં ફરી ભાજપને ૧૧૭ બેઠકો  મળી અને ફરી કેશુબાપા મુખ્યમંત્રી બન્યા, પરંતુ વર્ષ ર૦૦૦ ના ભૂકંપ પછી  વર્ષ ર૦૦૧ માં ભાજપે કેશુબાપાને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી  બનાવ્યા. વર્ષ ર૦૦ર ના ગોધરા પ્રકરણ પછી વર્ષ ર૦૦ર ની વિધાનસભાની  ચૂંટણીમાં ભાજપને ૧ર૭ બેઠકો મળી, તે પછી વર્ષ ર૦૦૭ માં ભાજપને  ૧૧૭ બેઠકો મળી. વર્ષ ર૦૧ર માં ૧૧પ બેઠક મળી અને સતત મુખ્યમંત્રી  પદે નરેન્દ્ર મોદી રહ્યા.

વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા, અને  ગુજરાતનું સૂકાન આનંદીબેન પટેલને સોંપ્યું. તે દરમિયાન પાટીદાર આંદોલનના કારણે આનંદીબેનના સ્થાને વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી  બનાવાયા. વર્ષ ર૦૧૭ માં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ફટકો પડ્યો  છતાં ૯૯ બેઠકો મેળવીને વિજયભાઈ રૂપાણીએ સરકાર રચી. ભાજપના  હાઈકમાન્ડે તે પછી અચાનક જ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ સહિતના સિનિયરોને હટાવીને મોટાભાગના જુનિયર નેતાઓને ચાન્સ આપ્યો અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રચાઈ. વર્ષ ર૦રર ની ચૂંટણીમાં તો મોદી  વેઈવ એવું ચાલ્યું કે ગુજરાતમાં ૧૮ર માંથી ૧પ૬ બેઠકો ભાજપને મળી અને અત્યારે ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યની સરકાર ચલાવી રહ્યા છે.

વિનોદકુમાર કોટેચા – એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh