Advertisement
Author: નોબત સમાચાર

જો ભૂલ થઈ જ ગઈ હોય અને પસ્તાવો થાય તો 'સોરી' કહી દેવામાં વાંધો શું

હા, પસ્તાવો વિપુલ ઝરણું... સ્વર્ગેથી ઉતર્યું છે... પાપી તેમાં ડૂબકી દઈને... પુણ્યશાળી બને છે...

હા, પસ્તાવો-વિપુલ ઝરણું

સ્વર્ગથી ઉતર્યું છે...

પાપી તેમાં ડૂબકી દઈને

પુણ્યશાળી બને છે...

ઓહો! કેવું સ્મરણ મધુરૃં

પાપનું એ ધરે છે...

માફી પામ્યું કુદરત કને

એમ માની ગળે છે...

રાજ્યોથી કે જુલમ વતી

દંડથી ના બને જે,

તે પસ્તાવો સહજ વહતા,

કાર્ય સાધી શકે છે,

હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ

માફી આપી મને છે,

હું પસ્તાયો, મુજ હૃદયની

પૂર્ણ માફી મળી છે...

કવિ કલાપીની આ છંદબદ્ધ કાવ્ય રચનાની આ છેલ્લી બે કડી છે, તેમાંથી પ્રથમ કડી ઘણી જ પ્રચલિત છે, અને પસ્તાવો કે પ્રાયશ્ચિત કરવાનું પ્રોત્સાહન આપે છે.

કવિ કલાપીની કેટલીક રચનાઓ તત્કાલિન સમયના સમાજનું પ્રતિબિંબ પાડતી હોય છે, જ્યારે કેટલીક રચનાઓ પર તેઓની પોતાની જિંદગીની અસરો પડી હોય, તેવું પણ લાગે, પરંતુ તેઓની મહત્તમ રચનાઓ આજે પણ એટલી જ સાંપ્રત છે, અને પથદર્શક પણ છે, ખરૂ કે નહીં?

ભૂલ કર્યા પછી 'સોરી' કહી દેવામાં વાંધો શું?

પરિવાર હોય કે સમાજ હોય, કંપની હોય કે કચેરી હોય, વયજુથ કોઈપણ હોય કે કોઈપણ ક્ષેત્ર હોય, જ્યારે આપણને એવું લાગે કે આપણી ભૂલ થઈ જ છે, તો સહજ રીતે સ્વીકારી લેવામાં શાણપણ છે. જો ભૂલ થઈ જ નથી, તેવું ચોક્કસપણે લાગે કે ડિવાઈડ માઈન્ડ થાય, તત્કાળ નક્કી ન કરાય અથવા દ્વિધા જેવું લાગે, તો પણ જે-તે સમયે 'હું ખોટો (કે ખોટી) હોઈશ તો સુધારો કરી લઈશ અથવા માફી માંગી લઈશ' તેમ કહેવામાં કોઈ વાંધો ખરો?

જો કે, દ્વિધાની સ્થિતિમાં વચગાળાનો જવાબ કે ખાતરી આપ્યા પછી જરૂરી તપાસ કરીને ભૂલ હોય તો તરત જ સ્વીકારી લેવી જરૂરી પણ હોય છે, અન્યથા વચગાળાનો જવાબ આપ્યા પછી ચૂપકીદી સેવવામાં આવે, મૌન રહેવામાં આવે કે ગોળ-ગોળ જવાબો આપવામાં આવે, તો તે પણ ભૂલની સ્વીકૃતિ જ ગણાય અને આ પ્રકારના વલણને છેતરપિંડી કે ગુમરાહ કરવાનો પ્રયાસ પણ ગણી શકાય. આ પ્રકારે સાંકડી ગલીમાંથી નીકળી જઈને ભૂલનો સ્વીકાર નહીં કરવાની જો આદત જ પડી જાય, તો તે પછી વિશ્વસનિયતા જ ખતમ થઈ જતી હોય છે, અને એક વખત 'વિશ્વાસ' ગુમાવ્યા પછી ફરીથી મેળવવો ઘણો જ મુશ્કેલ હોય છે, જેનો ઘણાં લોકોને અનુભવ પણ હશે... રાઈટ? ભૂલ કરી જ હોય તો 'સોરી' કહી દેવામાં કાંઈ વાંધો ખરો?

હૃદયપૂર્વક પ્રશ્ચાતાપ થાય

તો જ તે અસરકારક બને

પસ્તાવો કે પ્રશ્ચાતાપ પણ દિલથી જ થવો જરૂરી હોય છે. જો એવું ન હોય તો તેનો દંભ જ ગણી શકાય, પસ્તાવો કે પ્રશ્ચાતાપ થવો એ સાચી દિશાની માનસિક્તા ગણાય, અને પસ્તાવો કે પ્રશ્ચાતાપ થયા પછી પણ જો તેની પ્રસ્તૂતિ ન થાય, ભૂલનો સ્વીકાર ન કરવામાં આવે, ગોળ ગોળ શબ્દપ્રયોગો કરીને છટકવાનો પ્રયાસ કરવામાં આવે કે જરૂર પડ્યે માફી માંગી લેવાની તૈયારી ન હોય, તો તે પ્રકારનો પસ્તાવો કાં તો નર્યો દંભ હોઈ શકે, અથવા તો ભૂલ સ્વીકાર્યા પછી પણ માફી નહીં મળે, કે તેના ઉલટા પ્રત્યાઘાતો પડશે, તેવા ભયના કારણે હિંમત ન થઈ રહી હોય, તેવું પણ બની શકે છે. આ પ્રકારની મનોવૃત્તિથી લોકોની વિશ્વસનિયતા તો ગુમાવી જ દેવાય, સાથે સાથે આંતરિક દ્વિધા સ્વયંની આંતરિક શાંતિને ડહોળી નાંખતી હોય છે.

ભૂલ સ્વીકાર્યે મહાનતા વધે કે ઘટે?

જ્યારે પણ ભૂલ થઈ જાય, અને તે ભૂલ સ્વીકારી લેવામાં આવે, તો અન્ય વ્યક્તિ પરિવાર કે સમાજની નજરોમાં આપણું મૂલ્યાંકન તો પોઝિટિવ જ રહેતું હોય છે, સાથે સાથે આ પ્રકારની આપણી મનોવૃત્તિના કારણે આપણી વિશ્વસનિયતા પણ વધતી હોય છે.  ભૂલ સ્વીકારવામાં સંકોચ કરીને મૌન રહેવા કરતાં યે વધુ ભૂલ નહીં સ્વીકારીને પોતાનો જ કકકો ખરો કરવા માટે કરવામાં આવતી દલીલોમાંથી ઘણી વખત તો તકરારો પણ સર્જાઈ જતી હોય છે, આ પ્રકારની રકઝક કોઈના પણ હિતમાં હોતી નથી, પરંતુ માત્ર સમયનો બગાડ, અશાંતિના માહોલનું સર્જન અને મહામુલા પરસ્પરના સંબંધોમાં તિરાડ પાડનારી જ બની જતી હોય છે. ભૂલ દર્શાવનારે પણ ભૂલ કરનાર વ્યક્તિને ઉતારી પાડીને કે તેનું અપમાન કરીને ભૂલ તરફ ધ્યાન દોરવાનું પાપ કરવા જેવું નથી કારણ કે જ્યારે આપણી ભૂલ થશે, ત્યારે આપણે પણ ભૂલ દર્શાવનારના આ જ પ્રકારના વલણનું ભોગ બનવું પડી શકે છે. એવો દાવો તો કોઈ કરી શકે નહીં, કે તે કયારેય ભૂલ કરી શકે જ નહીં... મનુષ્ય માત્ર ભૂલને પાત્ર.... ભૂલની સ્વીકૃતિ ક્ષમાને પાત્ર... ક્ષમા વિરસ્ય ભૂષણમ્....

કવિ કલાપી કહે છે કે પસ્તાવો અથવા પ્રશ્ચાતાપરૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યુ છે અને પાણી એટલે કે ક્ષતિ, ભૂલ, પાપ કે અયોગ્ય કદમ ઉઠાવનાર તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની જાય છે.

અહીં કવિ માત્ર એમ નથી કહેતા કે ડૂબકી દઈને પાપીના પાપ ધોવાઈ જાય છે પરંતુ એમ પણ કહે છે કે પાપી આ ઝરણામાં ડૂબકી દઈને પુણ્યશાળી પણ બની જાય છે, કારણ કે એક વખત પાપ કે ભૂલનો સ્વીકાર કર્યા પછી અને તે માટે જાહેરમાં અથવા વ્યક્તિગત રીતે માફી માંગી લીધા પછી ભાગ્યે જ ફરીથી એ જ ભૂલ કે પાપ દોહરાવે, મતલબ કે દિલથી ભૂલ સ્વીકાર્યા પછી અને હૃદયપૂર્વક માફી માંગી લીધા પછી જે-તે વ્યક્તિનું માનસપરિવર્તન થઈ જતું હોય છે કે પછી અંતરાત્મા જાગૃત થઈ જતું હોય છે!

કવિ કહે છે કે પાપનું સ્વરૂપ મધૂર હોય છે પરંતુ કુદરત પાસે માફી માંગ્યા પછી બધું જ બદલી જતું હોય છે. પાપીને દંડ કરવાથી, સજા કરવાથી કે તેના પર જુલમ કે મારપીટ કરવાથી પણ તેનામાં કદાચ પરિવર્તન ન આવે કે પાપીની માનસિકતા ન બદલે, પરંતુ જો પસ્તાવો કે પ્રશ્ચાતાપના ઝરણામાં એ પાણી ડૂબકી લગાવે, તો તેનામાં જરૂર સુધારાત્મક પરિવર્તન આવતું હોય છે. કવિ કલાપીની આ કવિતાને પ્રત્યેક વાંચક પોતપોતાની રીતે સમજે છે અને મુલવે છે, તેવી જ રીતે અહીં પ્રસ્તૂત કરેલા આ અર્થઘટનો પણ મારી સમજ મુજબના છે, જે દરેક વાચકને ભલે બંધનકર્તા ન હોય, તો પણ વિચારણાલાયક તો છે જ ... ખરું કે નહીં?

દંભ વગરની ક્ષમાયાચના જ પ્રભાવી બને

કવિ છેલ્લી કડીમાં તેઓએ પોેતે હૃદયપૂર્વક માફી માંગી છે અને પ્રણયીએ તેને પૂર્ણ માફી આપી દીધી છે, તેવું જે કહે છે તેના વિવિધ અર્થઘટનો થતા રહ્યા છે. પરંતુ માફી સમજ પ્રમાણે આ પંક્તિ એવું સૂચવે છે કે દંભ વગર, હૃદયના ઉંડાણથી માફી માંગવામાં આવે તો માફી મળી જ જતી હોય છે.

આપણે કવિની આ કવિતાને આપણા જીવન સાથે સાંકળીને તેનું મનન કરીએ તો પણ ચોક્કસપણે એવું સ્વીકારી જ શકાય કે પ્રશ્ચાતાપ કે પસ્તાવો થાય, અને તેને પ્રગટ કરી દેવાય, ભૂલ સ્વીકારી લેવાય અને જરૂર પડ્યે હૃદયપૂર્વક ચોખ્ખા દિલથી અહંકાર કે દંભ વગર માફી માંગી લેવાય, તો માફી તો મળી જ જતી હોય છે, અને આપણાં દિલ પરથી પણ એક બોજ ઉતરી જતો હોય છે.

ક્ષમાં વિરસ્ય ભૂષણમ્.... પણ....

એવું કહેવાય છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ્... એટલે કે ક્ષમા આપવી એ વીરતાનું પ્રતીક છે... વીરનું આભૂષણ છે... અને ક્ષમા કરી દેવાથી ભૂલ કરનાર વ્યક્તિ કે સમૂહને સુધરવાની તક પણ મળતી હોય છે. અહીં અપવાદ પણ છે, કોઈ વ્યક્તિ જો વારંવાર ભૂલો કરે અને તે પછી માફી માંગ્યા કરે, કે પછી પોતે જાણે ઉપકાર કરતા હોય, તેવી રીતે માફી માંગે, તો તેમાં ક્ષમા વિરસ્ય ભૂષણમ્ ના સિદ્ધાંતને અનુસરવું કે કેમ ? તે જેની પાસે માફી માંગવામાં આવ રહી હોય, તેના વિવેક પર આધાર રાખે છે.

અહીં એ સ્પષ્ટતા પણ કરી દઉં કે અહીં રજૂ કરેલી આ પ્રસ્તૂતિને કોઈપણ ક્ષેત્રના પ્રવર્તમાન ઘટનાક્રમો સાથે કોઈ લેવાદેવા નથી અને કવિકલાપીએ દાયકાઓ પહેલા આ પ્રકારની છંદાત્મક રચનાઓ કરી હતી, તે પણ હકીકત જ છે ને?

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh