Advertisement
Author: નોબત સમાચાર

આઝાદી પછીની બે ટર્મમાં કેટલીક લોકસભાની બેઠકો પરથી બે-ત્રણ સાંસદો ચૂંટાયા હતાં...

પ્રથમ લોકસભામાં ૪૦૧ લોકસભા મતવિસ્તારો હતાં અને ૪૮૯ સાંસદો ચૂંટાયા હતાં:

આઝાદી પછી કેટલીક લોકસભાની બેઠક પર અત્યારે મહાનગરપાલિકામાં એક વોર્ડમાંથી ચાર કોર્પોરેટર ચૂંટાય છે, તેવી રીતે એકથી વધુ સાંસદો ચૂંટાતા હતાં. ગુજરાતમાં વર્ષ ૧૯૬ર થી સંખ્યાબંધ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ લોકસભામાં અપવાદ સિવાય અપક્ષોને સફળતા મળી નથી અને ઘણાંની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

વર્ષ ર૦ર૪ માં પ્રથમ બે તબક્કાના મતદાનના વિશ્લેષણો થઈ રહ્યા છે, અને સંખ્યાબંધ કરોડપતિ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેની રસપ્રદ વિગતોની સાથે સાથે હવે પછીના તબક્કામાં ક્યા મુદ્દાઓ હશે, તેની ચર્ચા પણ થઈ રહી છે.

આઝાદીથી અત્યાર સુધીની કેટલીક જાણવા જેવી અને ઓછી ચર્ચાયેલી વિગતો પ્રસ્તુત કરી છે અને રેઈન-બોની જેમ વિવિધ આંકડાકીય ગુંથણી કરીને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે કદાચ વાચકોને અવશ્ય ગમશે.

કરોડપતિ ઉમેદવારો

પ્રથમ તબક્કાના મતદાનમાં ગત્ ચૂંટણી કરતા ઓછું મતદાન થતા બીજા તબક્કામાં વધુ મતદાન કરાવવાના પ્રયાસો થયા હતાં... લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, તેમાં ૧૬રપ ઉમેદવારો મેદાનમાં હતાં, તેમાંથી ૪પ૦ ઉમેદવારો કરોડપતિ છે. ૧૯૩ ઉમેદવારો પાસે પાંચ કરોડથી વધુ, ૧ર૯ ઉમેદવારો પાસે ર કરોડથી વધુ, ર૭૬ ઉમેદવારો પાસે પ૦ લાખથી વધુ, ૪૩૬ ઉમેદવારો પાસે ૧૦ લાખથી વધુ અને પ૭૩ ઉમેદવારો પાસે છ લાખથી ઓછી સંપત્તિ છે. પક્ષવાર સૌથી વધુ ડીએમકેના ૩૬ ઉમેવારો પાસે ૩પ કરોડથી વધુની સરેરાશ સંપત્તિ છે, જ્યારે સૌથી ઓછી તુણમુલ કોંગ્રેસના પાંચ ઉમેદવારો પાસે માત્ર ૩.૭ર કરોડની સરેરાશ સંપત્તિ છે. ભાજપના ૭૭ અને કોંગ્રેસના પ૬ ઉમેદવારો એવરેજ રર થી ર૮ કરોડની સંપત્તિ ધરાવતા હવાના તારણો નીકળ્યા છે... પહેલા તબક્કામાં ચૂંટણી લડી ચૂકેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ પાસે ૭૧૬ કરોડની સંપત્તિ જાહેર કરાઈ છે જે સૌથી વધુ ધનિક ઉમેદવાર છે. દસ ઉમેદવારોએ પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ ઉમેદવારો પોતાની સંપત્તિ માત્ર ૩૦૦ થી પ૦૦ રૂપિયાની વચ્ચે બતાવી છે.

બીજા તબક્કામાં જ્યાં ચૂંટણી સંપન્ન થઈ છે, તે વિસ્તારોમાં પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. બીજા તબક્કાનું મતદાન ર૬ એપ્રિલે થયું છે. આ ચૂંટણી કેટલાક સ્થળે એકપક્ષીય હોય કે કોઈ સ્થળે તદ્ન નિરસતા હોય, તેવું લાગતું હોવાના કારણો અને તારણો પણ નીકળી રહ્યા છે, જો કે ટકાવારીની દૃષ્ટિએ કેટલાક રાજ્યોમાં બીજા તબક્કામાં ઉત્સાહ તો કેટલાક રાજ્યોમાં ઉદાસિનતા જોવા મળી હતી.

એ.ડી.આર.ના રિપોર્ટ મુજબ બીજા તબક્કામાં ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારોમાંથી ૩૯૦ ઉમેદવારો તો કરોડપતિ છે, જેમાં ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૬ર કરોડપતિ ઉમેદવારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત સી.પી.આઈ.ઓમ.ના ૧ર, જનતાદળ (યુ)ના પ, શિવસેના (યુબીટી) તથા સમાજવાદી પાર્ટીના ચાર-પાંચ, અને ટીએમસીના પણ ચાર ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના માંડ્યાના ઉમેદવાર સ્ટાર ચંદુ પાસે સૌથી વધુ ૬ર૩ કરોડ અને ડી.કે. સુરેશ પાસે પ૯૩ કરોડની સંપત્તિ છે. હેમામાલિની પાસે ર૭૯ કરોડની સંપત્તિ છે, ત્યારે નાંદેડના એક અપક્ષ ઉમેવવારે તો માત્ર પાંચસો રૂપિયાની સંપત્તિ નોંધાવી છે.

તબક્કાવાર મતદાન અને ટ્રેન્ડ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયા પછી બીજા તબક્કામાં પ્રયાસો વધારવાથી થોડો તફાવત જણાયો, પણ રાજ્યવાર ટ્રેન્ડ એવો જ રહ્યો છે. બીજા તબક્કામાં ત્રિપુરા, મણિપુરમાં ૭પ ટકાથી વધુ, પં. બંગાળ, આસામ, છત્તીસગઢમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું, અને કેરળ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન જેવા રાજ્યોમાં ૬૦ ટકાની આસપાસ કે તેથી વધુ મતદાન થયું, જ્યારે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પ૦ થી પ૬ ટકા જેટલું મતદાન થયું, તેવા પ્રારંભિક આંકડા જોતા હવે ત્રીજા તબક્કામાં આથી પણ વધુ મતદાન થાય, તે માટે ચૂંટણીપંચ તો પ્રયાસો કરશે જ, પરંતુ રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ વધુમાં વધુ મતદાન કરાવવા માટે નવી રણનીતિ ઘડશે અને એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે. બીજા તબક્કામાં મતદાનો ટ્રેન્ડ લગભગ પહેલા તબક્કા જેવો જ રહ્યો હોવાથી તેના રાજકીય સંદર્ભો પણ નીકળવા લાગ્યા છે.

ત્રીજા તબક્કામાં ઝંઝાવાતી પ્રચાર

ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે નોંધાયેલા ૧૬૭ ઉમેદવારોમાંથી હવે સુરતના ઉમેદવારોની બાદબાકી થઈ ગઈ છે, કારણ કે હવે ત્યાં ચૂંટણી જેવું કાંઈ રહ્યું જ નથી, કારણ કે ત્યાંની બેઠક ભાજપે નિર્વિરોધ જીતી લીધી છે, તેથી હવે ૭ મે ના દિવસે રપ બેઠકોની ચૂંટણી થવાની છે. ગુજરાત રાજ્ય સ્થાપના દિનના અઠવાડિયામાં જ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તે પણ યોગાયોગ જ છે ને?

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ભગવંત માન, સંજયસિંહ વગેરે પણ ઝંઝાવતી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું કહેવાય છે.

ભૂતકાળમાં કેટલીક બેઠકો પર બે થી ત્રણ સાંસદો ચૂંટાયા હતાં

અત્યારે મહાનગરપાલિકાઓમાં જેમ એક વોર્ડમાંથી ચાર કર્પોરેટરો ચૂંટાય છે, તેમ વર્ષ ૧૯૬૧ પહેલા દેશમાં કેટલાક લોકસભા મતવિસ્તારો એવા પણ હતાં કે જ્યાંથી બે કે ત્રણ સાંસદો ચૂંટાતા હતાં.

ભારત આઝાદ થયું તે પછીની લોકસભાની પ્રથમ બે ચૂંટણીઓમાં ૯૦ ની આસપાસ લોકસભાની બેઠકો પરથી બે કે ત્રણ સભ્યો ચૂંટાયા હતાં. પ્રથમ ચૂંટણીમાં ૮૬ અને બીજી ચૂંટણીમાં ૯૧ બેઠકો પરથી બે કે ત્રણ સભ્યો ચૂંટાયા હતાં. આ વ્યવસ્થા અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રતિનિધિત્વ આપવા માટે કરાઈ હતી.

વર્ષ ૧૯પ૦ માં ર૬ જાન્યુઆરીથી ભારતમાં બંધારણ લાગુ કરાયું, તે પછી થોડા સમયમાં સંસદમાં લોકસભા, વિધાનસભાઓની ચૂંટણીઓને લઈને કાયદો પસાર કરાયો હતો. આઝાદી પછી પ્રથમ ચૂંટણીમાં ૩૧૪ બેઠકો પરથી એક-એક સાંસદ ચૂંટાયા હતાં, જ્યારે ૮૬ બેઠકો પરથી બબ્બે સાંસદો ચૂંટાયા હતાં, જેમાં એક સાંસદ સામાન્ય વર્ગના જ્યારે બીજા સાંસદ અનુસૂચિત જાતિ અથવા જનજાતિના ચૂંટાયા હતાં. વર્ષ ૧૯પ૧ માં બબ્બે સાંસદો ધરાવતી ૧૭ બેઠકો ઉત્તરપ્રદેશ રાજ્યમાં, ત્રણ બેઠકો મદ્રાસમાં, બિહારમાં ૧૧, બોમ્બે (ગુજરાત સહિત) માં ૮ ઉપરાંત પં. બંગાળ અને મધ્યપ્રદેશમાં ૬-૬ બેઠકો હતી, તે પૈકી પ. બંગાળની એક બેઠક પરથી તો ત્રણ સાંસદો ચૂંટાયા હતાં.

સમાજના વંચિત-પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે કરાયેલી આ વ્યવસ્થાથી કેટલુક કન્ફ્યુઝન પણ સર્જાતું હતું, તેથી તે પછી એવું સૂચન થયું કે તમામ બેઠકો પરથી એક-એક જ સાંસદ ચૂંટાય અને વસતિની ટકાવારી મુજબ કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રિઝર્વ રાખવામાં આવે.

આ સૂચન સ્વીકાર્યા પછી વર્ષ ૧૯૬૧ માં સંસદે એક કાયદો પસાર કર્યો અને બે સભ્ય ચૂંટણીક્ષેત્ર (ઉન્મુલન) અધિનિયમ હેઠળ બે કે ત્રણ સંસદસભ્યો ચૂંટવાની વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી હતી, અને તેના વિકલ્પે અનામત સીટોની વ્યવસ્થાપકની દિશામાં આગેકૂચ થઈ હતી. આઝાદી પછી દેશના પ્રથમ ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન નિમાયા હતાં. તે પછી સંસદે જનપ્રતિનિધિત્વ અધિનિયમ પસાર કર્યો હતો. આ વ્યવસ્થા હેઠળ કેટલીક બેઠકો પરથી બબ્બે અને અકોદ બેઠક પરથી ત્રણ સંસદસભ્યો લોકસભાથી ચૂંટાતા હતાં, અને વર્ષ ૧૯૭૧ ના નવા કાયદાથી એ વ્યવસ્થા ખતમ થઈ હતી. અત્યારે લોકસભાની પ૪ર બેઠકો છે અને તમામ લોકસભાના મતવિસ્તારોમાંથી એક-એક સંસદસભ્ય ચૂંટાય છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો

ગુજરાતમાં વર્ષ ૧૯૬ર થી ર૦૧૯ સુધીની લોકસભાની ચૂંટણીઓમાં ૧૯૦૦ થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ૧૯૯૧ માં નોંધાયા હતાં. વર્ષ ૧૯૬ર માં માત્ર ૧૪ અપક્ષ ઉમેદવાર હતાં. ઘણાંબધા અપક્ષ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવતા હતાં.

વર્ષ ૧૯૬૭ માં અમદાવાદની લોકસભાની બેઠક પરથી ઈન્દુલાલ યાજ્ઞિક અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતાં, પરંતુ તે અપવાદ સિવાય અપક્ષ ઉમેદવારોને ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં સફળતા મળી નથી, અને તેનું કારણ પણ રાજ્યમાં મોટાભાગે સીધી સ્પર્ધા રહી હોવાનું પણ છે.

રાજ્યમાં વર્ષ ર૦૧૯ માં પણ ૧૯૭ અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, પરંતુ કોઈનો વિજય થયો નહીં. ગુજરાત રાજ્ય સ્થપાયા પછીની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં માત્ર ૧૪ ઉમેદવારોએ જ અપક્ષ ઉમેદારી નોંધાવી હતી, પરંતુ તે પછી તેમાં ક્રમશઃ વધારો થતો રહ્યો હતો. વર્ષ ૧૯૬ર થી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૯રપ જેટલા અપક્ષોએ ગુજરાતમાંથી લોકસભામાં જવા માટે નસીબ અજમાવ્યું હતું, પરંતુ એક અપવાદ સિવાય કોઈ સફળ થયું નથી. મહદ્અંશે અપક્ષ ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી, જો કે તેથી નિરાશ થયા સિવાય કેટલાક ઉમેદવારો સતત પ્રયાસ કરતા રહ્યા છે, તે પણ નોંધનીય છે.

વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં પણ ૩૩૪ ઉમેદવારોમાંથી ૧પ૬ તો અપક્ષ હતાં. વર્ષ ૧૯૬૭ માં ૮૦ માંથી ર૮, વર્ષ ૧૯૭૧ માં ૧૧૮ માંથી પ૮, વર્ષ ૧૯૭૭ માં ૧૧ર માંથી ૬૦, વર્ષ ૧૯૮૦ માં ૧૬૯ માંથી ૯૪, વર્ષ ૧૯૮૪ માં રર૯ માંથી ૧પર, વર્ષ ૧૯૮૯ માં ર૬૧ માંથી ૧૬૧, વર્ષ ૧૯૯૧ માં ૪ર૦ માંથી રપ૮, વર્ષ ૧૯૯૬ માં પ૭૭ માંથી ૪૧૪, વર્ષ ૧૯૯૮ માં ૧૩૯ માંથી ૩૦, વર્ષ ૧૯૯૯ માં ૧પ૯ માંથી ૬ર, વર્ષ ર૦૦૪ માં ૧૬ર માંથી ૬પ, અને વર્ષ ર૦૦૯ માં ૩પ૯ માંથી ૧૭૬ અપક્ષ ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ સફળતા મળી નહોતી.

આ તમામ અપક્ષ ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ નોંધપાત્ર મતો મેળવ્યા હશે, અને ડિપોઝિટ બચાવી લીધી હશે, તેઓ ચોક્કસપણે કોઈ ઉમેદવારની જીતનું અથવા પરાજયનું કારણ પણ બન્યા જ હશે, તેમ માની શકાય. દેશમાં કેટલાક અપક્ષ ઉમેદવારોએ દિગ્ગજોને ટક્કર આપી હોય તેવા ઘણાં દૃષ્ટાંતો છે.

અપક્ષ ઉમેદવારોનો મોટાભાગે પરાજય નિશ્ચિત હોવા છતાં તેઓ મેદાનમાં ઉતરે છે, અને નસીબ અજમાવે છે, જેથી ઈન્દુલાલ યાજ્ઞિકનો રેકોર્ડ તૂટી શકે અને તેનાથી પણ વધુ સરસાઈથી વિજય મેળવી શકે. આ પ્રકારના સ્વપ્ન રાખવા કોઈ અયોગ્ય નથી, અને કાંઈ નહીં તોયે ચૂંટણી લડવાનો અનુભવ તો મળે જ ને?

એ પણ ઓપન સિક્રેટ છે કે કેટલાક અપક્ષ ઉમેદવારો પ્રાયોજીત રીતે પણ મેદાનમાં ઉતરતા હોય છે, અને કોઈના 'વોટકટર' બનીને અન્ય કોઈના વિજયનું નિમિત્ત બનતા હોય છે. આ વખતે હવે કેટલા અપક્ષ ઉમેદવારો ડિપોઝિટ બચાવે છે, કેટલા હારે છ ે અને કેટલા જીતીને નવો વિક્રમ નોંધાવે છે, તે જોવાનું રહ્યું.

વિનોદકુમાર કોટેચા એડવોકેટ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh