Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને વિવિધ રાજકીય પક્ષોના ઘણાં દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે. આ પછી એક જ તબક્કો બાકી રહેશે. તે પછી પહેલી જૂનના મતદાન બાદ નિર્ધારિત સમય પછી એકઝીટ પોલ્સનો સીલસીલો શરૂ થશે, પરંતુ રાજકીય પક્ષો અત્યારથી વિજયના દાવાઓ અને પ્રતિદાવાઓ કરવા લાગ્યા છે, તેથી કોની સરકાર આવશે, તેની દેશવ્યાપી ચર્ચાઓ સાથે કુતૂહલ પણ વધી રહ્યું છે.
છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલાં જ કોંંગ્રેસે એવો ધડાકો કર્યો છે કે રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને સ્પષ્ટ અને નિર્ણાયક બહુમતી મળશે, અને પરિણામને જાહેર થયા પછી માત્ર ત્રણ-ચાર દિવસમાં જ વિપક્ષી ગઠબંધન વડાપ્રધાનપદે કોણ રહેશે તેની જાહેરાત કરી દેશે અને એ જ વડાપ્રધાન પાંચ વર્ષ પૂરા કરશે, તેવો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે આ પ્રત્યાઘાતો ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્રભાઈ મોદીના કેટલાક નિવેદનો તથા દાવાઓના જવાબમાં આપ્યા છે. વડાપ્રધાન ચૂંટણી સભાઓમાં ભાજપનો પ્રચાર કરતી વખતે અવારનવાર કહે છે કે ભાજપને તોતીંગ જનાદેશ મળવાનો છે અને એનડીએની જ સરકાર બનવાની છે, તેઓ, અવાર-નવાર વિપક્ષી ગઠબંધનની સરકાર આવી પણ જાય, તો પણ દર વર્ષે વડાપ્રધાન બદલવાની રણનીતિ હોવાથી તે સરકાર અસ્થિર રહેશે, જેથી દેશનો વિકાસ રૃંધાશે અને દેશવાસીઓ આ વાત બરાબર સમજતા હોવાથી ઈન્ડિ એલાયન્સને બહુમતીથી ઘણી બધી ઓછી સીટો મળશે, તેવો ઉલ્લેખ પણ વારંવાર પ્રચારસભાઓમાં કરતા રહે છે.
કોંગ્રેસે આ પ્રકારની સંભાવનાઓને ફગાવી દીધી છે, કોંગી નેતા જયરામ રમેશને ટાંકીને એવી ચર્ચા થઈ રહી છે કે જેવી રીતે વર્ષ-ર૦૦૪ માં બાજપેયી સરકાર દ્વારા ચૂંટણી પ્રચારમાં ફિલગૂડ ફેકટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો, અને ઈન્ડિયા સાઈનીંગ દાવાઓને ફગાવી દઈને દેશની જનતાએ યુપીએને જનાદેશ આપ્યો હતો, તે ઈતિહાસ બે દાયકા પછી દોહરાશે અને ઈન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે.
આજે છઠ્ઠા તબક્કામાં પ૮ બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ૮૮૯ ઉમેદવારોમાં ભારતીય જનતા પક્ષના પ૧, કોંગ્રેસના રપ, સમાજવાદી પાર્ટીના ૧ર, તૃણમુલ કોંગ્રેસના ૯, બીજુ જનતાદળના ૬, આમ આદમી પાર્ટીના પ અને રાષ્ટ્રીય જનતાદળના ૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગઈકાલે સાંજથી દિલ્હીમાં પોલીસ તંત્ર દ્વારા ધીમુ મતદાન કરવાની પેરવી થઈ રહી હોવાના 'આપ' સરકારની મહિલા મંત્રીએ લગાવેલા આક્ષેપોએ પણ વિવાદ જગાવ્યો હતો.
ભાજપના સ્ટાર પ્રચારક તરીકે અમિતભાઈ શાહે કહ્યું કે દેશની જનતા ભાજપને ૩૭૦ અને એનડીએને ૪૦૦ થી વધુ બેઠકો આપશે, જેથી પછાતવર્ગોની અનામત છીનવીને ધર્મના આધારે બીજાને આપી દેવાનો વિપક્ષી ગઠબંધનનો કારસો સફળ નહીં થાય, તેની સામે કોંગ્રેસ પ્રમુખ મલિક્કાર્જુન ખડગેએ કટાક્ષ કર્યો કે જ્યારે ભાજપની બધા રાજ્યોમાં પીછેહઠ થઈ રહી છે ત્યારે એનડીએને ૪૦૦ બેઠકો કેવી રીતે મળી શકે ? તેમણે કહ્યું કે એનડીએ સામે હવે દેશની જનતા જ ચૂંટણી લડી રહી છે, ત્યારે વિપક્ષી ગઠબંધનની સરકાર રચાવા જઈ રહી છે, તે પણ નક્કી છે. મોદી સરકાર પ્રત્યે જનતાની નારાજગી સત્તામાં પરિવર્તન લાવશે તેવો દાવો ખડગેએ કર્યો હતો.
ચોથી જૂને જે પરિણામ આવે અને કોઈપણ ગઠબંધનની સરકાર કે પછી ત્રિશંકૂ સ્થિતિમાં 'ખીચડી' સરકાર રચાય, અથવા થઈ રહેલા દાવાઓ મુજબ સ્પષ્ટ બહુમતી કે તોતીંગ બહુમતિ સાથેની મજબૂત સરકાર રચાય, તે સરકારને સત્તાપ્રાપ્તિ પછી પ્રારંભથી જ કેટલાક કઠીન પડકારોનો સામનો કરવો પડવાનો છે, અને તેમાં સૌથી અગ્રતાક્રમે વધી રહેલી 'ઉચ્ચકક્ષાની શિક્ષિત બેરોજગારી'ની સમસ્યાનો ઉકેલ લાવવો પડે તેમ છે, જે નવી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ રહેવાની છે.
એક અહેવાલ એવો આવ્યો છે કે દેશમાં ઘણી જ મુશ્કેલીઓ અને અથાગ પરિશ્રમ પછી જ યુવાવર્ગને આઈઆઈટીમાં ગ્રેજ્યુએશનની તક મળતી હોય છે, એટલું જ નહીં, મહામહેનતે તેની ડિગ્રી મળતી હોય છે, આઈઆઈટીમાં સ્નાતક થતા પહેલાથી જ ઘણી કંપનીઓ કે બિઝનેસમેનો વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા અને સ્નાતક થતાં જ તેઓને મોટાભાગે જોબ મળી જતું હતું, તેમ કહેવાય છે. જો કે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિઝન્સ સહિતના કારણોસર આઈઆઈટીની ડિગ્રી મેળવેલા ૩૮ ટકા યુવક-યુવતીઓ બેકારીના ખપ્પરમાં હોમાયા હોવાના ચોંકાવનારા અહેવાલો આવ્યા છે.
લગભગ સાડાપાંચ દાયકા પહેલા આઈઆઈટીની ડિગ્રી મેળવેલા એન્જિનિયરો, આઈઆઈટીમાંથી ઉચ્ચકારકિર્દી મેળવનાર સફળ ઉદ્યોગપતિઓ અને આઈટી ક્ષેત્રના તજજ્ઞોના કેટલાક અભિપ્રાયોને ટાંકીને કરાયેલા એક વિશ્લેષણ મુજબ હવે વિવિધ ક્ષેત્રની કંપનીએ નિમ્નકક્ષાની કેડર્સમાં નિમણૂકો જ બંધ કરી દીધી છે, અને આ પ્રકારે નિયૂક્તિઓ ઘટી જતાં દેશની જોબમાર્કેટને જબરો ઝટકો લાગ્યો છે.
આ વિશ્લેષણ પ્રમાણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ નવી નોકરીઓના સર્જન માટે અવરોધક બની રહ્યું છે, અને નિમ્નકેડરના કામો એ.આઈ. દ્વારા કરાવાઈ રહ્યા હોવાની આઈઆઈટી કવોલિફાઈડ ઉમેદવારોની માંગ જ ઘટી રહી છે. આ કારણે દિધા ઊભી થતા તેની સીધી માઠી અસર આઈઆઈટી જેવી ઉચ્ચ લાયકાત મેળવનાર યુવાવર્ગને થઈ રહી છે, જેથી 'ઉચ્ચ શિક્ષિત બેરોજગારીની વિકટ સમસ્યા આપણા દેશમાં ઊભી થઈ રહી છે.'
માંગ અને પુરવઠાના નિયમ મુજબ જે વસ્તુની માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય, તેની કિંમત વધે, પરંતુ આઈઆઈટી એન્જિનિયરોની બાબતમાં તેનાથી વિપરીત ડિમાન્ડ ઘટી રહી છે અને પુરવઠો વધી રહ્યો છે. મતલબ કે પ્લેસમેન્ટ ઓછું થાય છે અને દરવર્ષે હજારો યુવક-યુવતીઓ આઈઆઈટી થયા પછી યોગ્ય જોબ નહીં મળતા બેરોજગાર બની રહ્યા છે આ સ્થિતિમાં નવી સરકારે સત્તા સંભળવાની સાથે જ ઉચ્ચ શિક્ષિત બેરોજગારી, અસહ્ય મોંઘવારી અને વધી રહેલા ડ્રગ્સના વેપલાને અંકુશમાં લેવાનો કઠણ પડકાર ઉઠાવવો પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial