Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકારી તંત્રો ધડાધડ ચેકીંગ કરી રહ્યા છે અને ફાયર સેફટી વિનાના ગેમઝોન જ નહીં, પણ હોટલ, રેસ્ટોરન્ટ, એપાર્ટમેન્ટ અને લોકો એકત્રિત થતા હોય તેવા ધંધાદારી સ્થળોને પણ સીલ લગાવાઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચાર અધિકારીઓની ધરપકડ કરાઈ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં સંપન્ન થઈ ગઈ અન્યથા ક્ષત્રિય આંદોલન ઉપરાંત રાજકોટનો અગ્નિકાંડ પણ ભાજપને રાજકીય નુકસાનનું માધ્યમ બની ગયો હોત. બે દાયકા પહેલાં રાજકોટમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદી ધારાસભ્ય તરીકે પ્રથમ ચૂંટણી જીત્યા હતા, અને તે પછી રાજકોટ સતત ભાજપનો ગઢ રહ્યું હતું, પરંતુ હવે એ જ રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદને ભારતીય જનતાપક્ષને ફિકસમાં મૂકી દીધો અને ક્ષત્રિય આંદોલને રાજકીય નુકસાન પહોંચાડ્યું અને હવે એ જ રાજકોટમાંથી જ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે ફરીથી ભાજપના નેતાઓ તથા રાજ્ય સરકારને જનતાની અદાલતમાં આરોપીના કઠેડામાં ખડી કરી દીધી હોય, તેવો ઘાટ સર્જાયો છે.
ગુજરાતમાં ભલે મતદાન સંપન્ન થઈ ગયું હોય, પરંતુ આ અગ્નિકાંડના રાષ્ટ્રવ્યાપી પડઘા તો પડ્યા જ છે અને આ મુદ્દો સાતમા તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે, તે વિસ્તારોની ચૂંટણી સભાઓમાં પણ વિવિધ સ્વરૂપે પ્રગટ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થયા પછી પણ રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો અરોપીઓને કડકમાં કડક સજા થઈ ન જાય, ત્યાં સુધી જાગતો રહેવાનો છે, તો બીજી તરફ અત્યારે કડકાઈ દેખાડતી રાજ્ય સરકાર અને તેના તંત્રો લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી ઢીલા પડી નહીં જાય અને ફાયર સેફટી જ નહીં, પરંતુ જનવિરોધી તમામ પ્રકારના પરિબળો અને ભયંકર ભ્રષ્ટાચાર આચરતા લોકોની ગેન્ગ સામે કડક વલણ ચાલુ રાખશે, તેવી આશા પણ ગુજરાતની જનતા રાખી જ રહી હશે. જોઈએ, હવે રાજ્યની શાંતિપ્રિય જનતાની સહનશીલતા તથા સૌજન્યતાની વધુ કસોટી થાય છે કે પછી નિંભર તંત્રો અને સત્તાના મદમાં રાચતા નેતાઓ ફરીથી 'જૈસે થે'નું વલણ અપનાવે છે...!
લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત થયા પછી હવે પ૭ બેઠકો માટે ડોર-ટુ-ડોર પ્રચાર થઈ રહ્યો છે અને ગઈકાલે છેલ્લા રાઉન્ડમાં તમામ નેતાઓએ પ્રચંડ પ્રચાર કર્યો તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારી જઈને વિવવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન ધરશે તેવી પહેલેથી થયેલી જાહેરાતની ચર્ચા જ ચોતરફ થઈ રહી છે.
ગઈકાલે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૌન ધરીને ધ્યાન કરવાની ચર્ચા થઈ રહી હતી તે જ સમયે 'મૌની બાબા' તરીકે જેની ટીકા થતી રહી છે, તેવા મનમોહનસિંહે સટાસટી બોલાવી છે. તેઓએ છેલ્લા તબક્કાના મતદાન પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે પ્રહારો કર્યા છે, તેના રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને ચૂંટણી પ્રચાર તથા પોલિટિકલ ડિબેટીંગમાં પણ મનમોહનસિંહ બોલ્યા તો મન મૂકીને બોલ્યા, તેવા મંતવ્યો સાથે વિશ્લેષણો થઈ રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશવાસીઓને ઉદ્દેશીને કહ્યું છે કે સમાજના કોઈ ચોક્કસ વર્ગ કે વિપક્ષને નિશાન બનાવવા માટે કોઈ વડાપ્રધાને આ પ્રકારની નફરતભરી અને સંસદીય ભાષાનો ઉપયોગ કર્યો નથી. મનમોહનસિંહે કહ્યું કે, આટલી નિમ્નકક્ષાની અને અપમાનજનક ભાષાનો પ્રયોગ વડાપ્રધાને ચૂંટણીસભાઓમાં કર્યો હોવાથી વડાપ્રધાનની ગરિમા પણ ઝંખવાઈ છે, તે ઉપરાંત દેશમાં હિંસા અને નફરતનો માહોલ સર્જાય તો તે લોકતંત્ર માટે પણ ખતરો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 'મૌનીબાબા' ની છાપને ભુંસી નાંખવી હોય તેવી રીતે વાયા-મીડિયા આ પ્રકારનો સંદેશ દેશવાસીઓને આપ્યા પછી તેના રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ભાજપના નેતાઓ તમતમી રહ્યા છે. આ નિવેદનનું ટાઈમીંગ જોતા ઘણાં રાજકીય પંડિતો આને કોંગ્રેસનું સમયોચિત કદમ માને છે, કારણ કે છેલ્લા તબક્કાના મતદાન પહેલા જ આ પ્રકારનું વિસ્તૃત નિવેદન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પાસે કરાવવાથી કોંગ્રેસને રાજકીય ફાયદો થાય કે ન થાય, તો પણ વડાપ્રધાને વિપક્ષો અને કોંગ્રેસ પર કરેલા શાબ્દિક પ્રહારોને મક્કમ અને નક્કર જવાબ આપી દીધા પછી વિપક્ષના નેતાઓ તથા કાર્યકરોનો જુસ્સો વધશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
બીજી તરફ રાજકોટમાં ભાજપના સાંસદે રાજકોટ મનપામાં ભ્રષ્ટાચારની 'સિસ્ટમ'ને લઈને કરેલું નિવેદન, પત્રકારો સાથેની વાતચીતનો વિવાદ અને કોંગ્રેસે લાંચ લેનાર તથા આપનાર બન્નેની ધરપકડ કરવા કરેલી માંગણી વગેરેના પડઘા પણ દેશભરમાં પડ્યા છે, અને સોશ્યલ મીડિયા, મીડિયા તથા અખબારોના માધ્યમથી ઈન્ટરનેટ યુગમાં મતદાનના સ્થળો સુધી આ ઘટનાક્રમો પહોંચ્યા છે, ત્યારે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ જણાય છે. જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial