Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરજકરાડી જેવા નાના ટાઉનમાં સીબીઆઈનો દરોડો પડે. કે દેશમાં પાંચ રાજ્યોની ૧૪ જગ્યાએ તપાસ કરીને પ૭૦૦ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર ર૬ કૌભાંડિયાઓ વિરૂદ્ધ એફઆઈઆર ફાટે, ત્યારે ભ્રષ્ટાચાર કયાં કયાં સુધી ફેલાયેલો છે, તેથી ખબર પડે. ભ્રષ્ટ તંત્રોના પાપે જ હરણી, ઝુલતો મોરબીનો બ્રિજ, રાજકોટના ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટનાઓમાં સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ જાય, છતાં 'સિસ્ટમ' સુધરવાનું નામ જ લેતી નથી.
આ 'સિસ્ટમમાં માત્ર સરકારી-અર્ધસરકારી તંત્રો જ નહીં, બેન્કીંગ સેકટર, શાસકો-પ્રશાસકો, સંસ્થાઓ, રાજકારણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનો અને હવે તો એનજીઓઝ સુધી આ સડો વ્યાપી રહ્યો છે, અને ટોપ-ટુ-બોટમ વ્યવસ્થાઓને ભ્રષ્ટ કરે છે.
એવું નથી કે સિસ્ટમમાં પ્રમાણિકતા, નૈતિકતા અને ઔચિત્યનો સદંતર અભાવ છે, પરંતુ કૌભાંડિયો સડો સમગ્ર સિસ્ટમને ભ્રષ્ટ બનાવીને ખોખલી કરવા જઈ રહ્યો છે, ત્યારે જો આપણે ચૂપ બેસી રહેશું તો ભવિષ્યમાં આપણે ખૂબ પસ્તાવુ પડશે અને ભાવિપેઢીને સહન કરવું પડશે, ખરું ને ?
એન્ટી કરપ્શન બ્યુરો, સીબીઆઈ, વિજિલન્સ તથા ખાતાકીય તપાસ એજન્સીઓ કાર્યરત હોવા છતાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવવાના બદલે વધુને વધુ ફેલાતો જ જતો હોય તો આત્મમંથન કરવાની કોને જરૂર છે ? તે કહેવાની જરૂર ખરી?
પંચાયતોથી માંડીને કેન્દ્રીય કક્ષા સુધી ભ્રષ્ટાચારના આટલા બધા કેસ નોંધાતા હોય, છતાં જો કન્વેકશન રેઈટ એટલે કે તેઓને સજાનું પ્રમાણ જેટલું વધવું જોઈએ, તેટલું વધતું ન હોય, તો ખામી કયાં છે? તે શોધીને તેના ઉપાયો કરવા જોઈએ. ગયા વર્ષે સંસદમાં થયેલી એક પ્રશ્નોત્તરી દરમિયાન એવો દાવો કરાયો કે છેલ્લા પાંચ-છ વર્ષમાં સીબીઆઈ દ્વારા કરાયેલા કેસોમાં ૬૮ થી ૭પ ટકા આરોપો સાબિત થયા હતાં, પરંતુ તે પૈકી ભ્રષ્ટાચારના કેસો કેટલા હતા અને તે પૈકી કેટલા કેસોમાં સજા થઈ, તેમાં ઉંડા ઉતરીયે તો આશ્ચર્યજનક તારણો નીકળી શકે.
જમીન કૌભાંડમાં દક્ષિણ ગુજરાતના એક જિલ્લાના કલેકટર સસ્પેન્ડ થયા પછી એક બીજા આઈએએસ સામે પણ એ જ પ્રકારના કૌભાંડની તપાસ તોળાઈ રહેલી હોય અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રેવન્યૂ સેક્રેટરીઓને સાથે રાખીને કરાયેલી સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મામલતદાર કક્ષાએ થતી ગોબાચારી પણ પકડાતી હોય, અને રાષ્ટ્રીય કક્ષાએ 'નીટ' ના કૌભાંડના દેશવ્યાપી પડઘા પડી રહ્યા હોય, ત્યારે ભ્રષ્ટાચારના ભોરીંગની પકડ કેટલી મજબૂત અને વ્યાપક છે, તેનો ખ્યાલ આવી જવો જોઈએ, અને સ્વયં લોકોએ હવે આ ભોરીંગની પકડ ઢીલી કરવા આગળ આવવું જોઈએ તેમ નથી લાગતું ?
'નીટ' જેવા કેસમાં હજુ તપાસ ચાલી રહી હોય, સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હોય અને જવાબ મંગાયો હોય, તેવા તબક્કે કેન્દ્રીય મંત્રી દ્વારા 'કલીનચીટ' અપાઈ રહી હોય, તેવા નિવેદનો શું સૂચવે છે? જરા વિચારો...
ભારતમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિ નિયમ-૧૯૮૮ હેઠળ ભ્રષ્ટાચાર નિવારણના કાયદાઓ-નિયમો ઘડાયા છે અને રાજ્ય તથા કેન્દ્રીય કક્ષાએ તપાસ એજન્સીઓ પણ કાર્યરત છે. આ કાયદાઓમાં વર્ષ -ર૦૧૮ માં વ્યાપક સુધારાઓ કરાયા હતા અને લાંચ આપનાર તથા લેનાર બન્નેને દોષિત ઠરાવીને ભ્રષ્ટાચારના આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા સુધીના પ્રાવધાનો કરાયા હતા, તેમ છતાં ભ્રષ્ટાચાર ઘટવાના બદલે દિન-પ્રતિદિન વધી જ રહ્યો છે, તેના કેટલાક કારણો તો 'ઓપન સિક્રેટ' જેવા જ છે, પરંતુ કેટલાક નીતિગત કારણો તથા જનમાનસમાં જ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનીને આ બદીને મળી રહેલી સ્વીકૃતિ પણ એટલી જ જવાબદાર છે, તેમ નથી લાગતું?
જેવી રીતે ભ્રષ્ટાચારીઓને વધુમાં વધુ પ્રમાણમાં પકડાવી દેવા માટે જનતાએ જાગૃત થઈને એસીબી તથા સીબીઆઈ જેવી એજન્સીઓમાં ફરિયાદો નોંધાવવા આગળ આવવું જરૂરી છે, તેવી જ રીતે ભ્રષ્ટાચારની રીતરસમો અપનાવીને પોતાનું કામ કઢાવવા માંગતા પરિબળો-કૌભાંડિયાઓ દ્વારા જયારે કોઈપણ સરકારી અધિકારી, કર્મચારી, પદાધિકારી, બેન્કીંગ ક્ષેત્રના અધિકારી, અર્ધસરકારી તંત્રો-નિગમો-કોર્પોરેશનો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કે મંત્રી સમક્ષ લાંચ-રૂશ્વત કે પ્રલોભનની ઓફર થાય, ત્યારે તેવા કૌભાંડિયાઓને લાંચ આપવાના ગૂન્હામાં 'છટકાં' ગોઠવીને પકડી ન શકાય?
જ્યારે લાંચ આપવી અને લેવી એ બન્ને પ્રક્રિયા ગુન્હો બનતી હોય ત્યારે લાંચ આપવા માંગતા ઈસમો-પરીબળોની સામે એસીબી, સીબીઆઈ કે વિજિલન્સમાં ફરિયાદ કરવાની ઝુંબેશ પણ સતત ચલાવવી જોઈએ, તો જ ભ્રષ્ટાચારના ભોરીંગની પકડ ઢીલી પડી શકે છે.
જો અમરેલીમાં સ્વૈચ્છિક બદલી ઈચ્છતા શિક્ષકે જી.જી. હોસ્પિટલના પટાવાળા સામે ફરિયાદ જ ન કરી હોત, તો એક ઓર્ગેનાઈઝ્ડ કૌભાંડ બહાર જ આવ્યું ન હોત, જ્યાં સુધી લાંચ લેનારા ઉપરાંત લાંચ આપનારા પરિબળોમાં પણ કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી લાંચિયા બાબુઓ (અને હવે નેતાઓ પણ) લાંચ લેતા જ રહેશે. 'સિસ્ટમ'માં મોજુદ 'પ્રામાણિકો' એ પણ કૌભાંડિયાઓ તથા લાંચ આપવા ઈચ્છતા લોકોને ચાલાકીપૂર્વક એસીબી જેવી એજન્સીઓના માધ્યમથી જ સપડાવીને તેઓને સજા કરાવવાનું દેશવ્યાપી અભિયાન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?
આ પ્રકારનું અભિયાન ચલાવવું સરળ પણ નથી. ઘણું જ મુશ્કેલ અને પડકારરૂપ આ અભિયાન સાહસ અને પ્રબળ ઈચ્છાશક્તિ માંગી લ્યે તેવું છે. એમ પણ કહી શકાય કે ફાટેલા આભમાં થીંગડાં મારવા જેવું છે, પરંતુ અસંભવ તો નથી જ ને? આ પ્રકારના અભિયાનો જ જનક્રાન્તિમાં ફેરવાઈને આખા ફાટેલા નભને બદલાવી નાખવાની તાકાત પણ ધરાવે છે, તે ઈતિહાસમાં લખાયેલું જ છે ને? લાંચ આપનારાઓને પણ પકડાઈને જેલમાં જવાનો ડર લાગે તેવો માહોલ ઊભો ન થઈ શકે?
જ્યારે આજુબાજુ, ઉપર નીચે, અત્ર-તત્ર-સર્વત્ર ભ્રષ્ટાચારનો ભોરીંગ જ વિંટળાયેલો હોય ત્યારે તેની પકડ ઢીલી કરવા માટે સાર્વત્રિક અને ચોતરફી જોર લગાવવું જ પડે, આ માટે જનતા જાગૃત બને, ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદો અને તેઓને સજા થવાનું પ્રમાણ વધે, કાનૂની અને ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ વધે. લાંચ આપવી અને લેવી એ 'પાપ' છે તેવો સંદેશ ધર્મગુરૂઓ તથા કથાકારો આપવા લાગે, સિસ્ટમમાં રહેલી અને મુંઝારો અનુભવતી 'પ્રામાણિકતા' ને પ્રોત્સાહન અને સહયોગ મળે અને ભ્રષ્ટાચારીઓ (લાંચ આપનાર અને લેનાર) સામે સામાજિક જનચેતના જાગે, તો જ ભ્રષ્ટાચારનો ભોરીંગ નાથી શકાય, અને તે પછી તેને ખતમ કરી શકાય. અન્યથા ભ્રષ્ટાચારનો ભોરીંગ ફૂંફાડા મારતો જ રહેવાનો છે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial