Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં બિહારવાળી ન થાય, તે માટે જાગો.. સરકાર.. જાગો..

જામનગર સહિત રાજયમાં શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના ઘણાં કામો થાય છે, તેવી જ રીતે દેશભરમાં ઠેર-ઠેર નદીઓ જ નહીં પણ ગીચ વિસ્તારો કે રેલવેલાઈનો વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકને અવરોધ ન આવે તે માટે ફલાય ઓવરબ્રિજ તથા અંડરપાસ બની રહ્યા છે. જામનગરમાં વિકટોરીયાપુલથી સાત રસ્તા સુધી ફલાઈ ઓવરબ્રિજનું કામ તબક્કાવાર ચાલી રહ્યું છે, તેવી જ રીતે રાજ્યના ઘણાં સ્થળે આ પ્રકારના પુલોની શ્રૃંખલા ઊભી કરવામાં આવી રહી છે, જેમાં ઘણી બધી તકલીફો વેઠીને પણ નગરજનો-પ્રજાજનો સહકાર પણ આપી રહ્યા છે., અને તે જ પ્રકારે સમગ્ર દેશમાં આ જ પ્રકારના કામોનું નિર્માણ થઈ રહ્યું છે.

આ કામોમાં લોટ પાણી લાકડા ન વપરાય અને પૂરેપૂરી ચકાસણી સાથે મજબૂત અને ગુણવત્તાસભર બ્રિજ, અંડરપાસ તથા ધોરીમાર્ગોનું નિર્માણાધિન કે મરામત થઈ રહી હોય કે મરામત સંપન્ન થઈ ગઈ હોય, તેવા કામોમાં ખામી રહી જાય, બ્રિજના સ્લેબ કે કોઈ ભાગ જમીનદોસ્ત થઈ જાય, તાજેતાજો ડામરરોડ ઉખડવા લાગે, નવાનકોર પુલોમાં તીરાડો પડવા લાગે કે આ પૈકીના કોઈપણ કારણે જીવલેણ દુર્ઘટના સર્જાય, તો તે માટે જવાબદાર વ્યક્તિગત રીતે, સંસ્થાકીય રીતે અને શાસકીય-પ્રશાસકીય દૃષ્ટિએ કોણ કોણ જવાબદાર ઠરશે અને તેની સામે કઈ-કઈ દંડાત્મક અને જેલસજા જેવી કાર્યવાહી થશે, તેના કાનૂની પ્રબન્ધો હોય, આ માટે જરૂર પડ્યે રાજ્ય અને કેન્દ્ર સરકારે કોઈ કડક નવો કાયદો ઘડીને પણ દેશના નાગરિકોને આ પ્રકારના જોખમો સામે રક્ષણ આપવું જોઈએ, તેવી માંગણી ઉઠી રહી છે.

જામનગરમાં પણ હમણાંથી લોકો એવી દહેશત વ્યકત કરતા સંભળાય છે કે શહેરમાંથી પસાર થતો ફલાય ઓવર બ્રીજ બની રહ્યો છે અને તબક્કાવાર કામો ચાલી રહ્યા છે, ત્યારે આ કામ ચાલી રહ્યું હોય, ત્યારે અચાનક જ કોઈ સ્લેબ ધરાશાયી તો નહીં થઈ જાય ને? કોઈ પીલોર જમીનદોસ્ત થઈ જતાં દુર્ઘટના તો નહીં સર્જાય ને?

જો કે, આ માટે જ કદાચ કેટલાક માર્ગો બંધ કરીને કામ કરાતું હશે, પરંતુ લોકોનો ભય દૂર ક રવો પણ જરૂરી છે. લોકોમાં આ પ્રકારનો ડર વ્યાપ્યો, તેનું કારણ કેટલાક પુલો જમીનદોસ્ત થવાની ઘટનાઓમાં થતો વધારો છે. હમણાંથી દેશભરમાંથી કોઈને કોઈ સ્થળેથી માર્ગો તૂટવા, પૂલો જમીનદોસ્ત થવા અને તેના કારણે ગમખ્વાર દુર્ઘટનાઓ અથવા તેવી સંભાવનાઓના અહેવાલો આવતા જ હોય છે અને તેના કારણે સ્વાભાવિક રીતે જ લોકોમાં પેનિક (ભય) ફેલાય જતો હોય છે.

બિહારમાં તો એક જ પખવાડિયામાં એક ડઝન જેટલા પુલો ધરાશાયી થયા છે, એન તેના કારણે ૧પ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવા પડ્યા છે. આ પ્રકારે ધડાધડ... ધડાધડ... પુલો પડવા પાછળ ભુંડો ભ્રષ્ટાચાર જ જવાબદાર ગણાયને ?

બિહારમાં થયેલી પુલ દુર્ઘટનાઓ માટે ત્યાંની બદલતી રહેલી સરકારો તો જવાબદાર ગણાય, પરંતુ મુખ્યમંત્રી નિતીશકુમાર તો બધી સરકારોના વડા હતા, તેથી બિહારમાં ટપોટપ ધરાશાયી થઈ રહેલા મોટાભાગના પુલો માટે તેઓને જ જવાબદાર ન ગણવા જોઈએ?... તે પ્રકારના સવાલો ઉઠે એ પણ સ્વાભાવિક જ છે ને?

અહેવાલો મુજબ વર્ષ-ર૦૧ર થી અત્યાર સુધીમાં બિહારમાં લગભગ સવા બસો જેટલા બ્રીજ જમીનદોસ્ત થયા છે, અને તેમાં રાજ્ય સરકારો બદલતી રહી હતી, પરંતુ મુખ્યમંત્રી તો નિતીશકુમાર જ રહ્યા હોવાથી આ તમામ પુલોના નિર્માણમાં થતા ભ્રષ્ટાચાર સામે પણ નિતીશકુમારને સાંકળીને પ્રહારો થઈ રહ્યા છે, જો કે, ત્યાંના વિપક્ષી નેતાઓ આ પ્રકારનો ઉહાપોહ બહુ કરતા નથી, કારણ કે બિહારની મુખ્ય પ્રાદેશિક પાર્ટીઓ અને બન્ને રાષ્ટ્રીય પક્ષોએ પણ છેલ્લા બે દાયકાથી બિહારમાં સત્તાસુખ ભોગવ્યું છે ને ? જો કે, ધરાશાયી થયેલા કેટલાક પુલો રાજાશાહી વખતના પણ હતાં.

ગુજરાતમાં બિહારવાળી ન થવા લાગે અને ભાજપ અને ભૂપેન્દ્ર પટેલ સરકારને નિતીશકુમાર જેવી કાળી ટીલી લાગી ન જાય, તે માટે નિર્માણાધિન બ્રીજો માટે વિશેષ ચોકસાઈ રાખવા ઉપરાંત નિર્માણ થયેલા અને હાલમાં મોજૂદ જુના નવા તમામ બ્રિજો,-અંડરપાસના રખરખાવ (નિભાવ) સામે સમયાંતરે નિરીક્ષણ અને મરામત માટે કોઈ સંપૂર્ણ સરકારી મિકેનિઝમ ઊભુ કરવું જોઈએ, કારણ કે તેમાં ઈજારેદારોના ભરોસે રહેવા જેવું નથી. ગુજરાતમાં તો આ પ્રકારની દુર્ઘટના માટે ત્રણ દાયકાથી સત્તા ભોગવતી ભાજપ સરકારો જ જવાબદાર ગણાશે ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh