Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે, જેને આપણે ગૌરવપૂર્વક દર વર્ષે ઉજવતા આવીએ છીએ અને નાના ગામડા-કસબાઓથી દેશની રાજધાની દિલ્હી સુધી દેશવાસીઓ હર્ષોલ્લાસથી આજે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. દેશની આન, બાન અને શાન સમો તિરંગો રાષ્ટ્રધ્વજ ગગનમાં ગરિમાપૂર્વક ફરકી રહ્યો છે, અને દુનિયાભરમાં ફેલાયેલા પ્રત્યેક ભારતીયોની છાતી આજે ગજ-ગજ ફૂલી રહી હોય તે સ્વાભાવિક છે.
ગઈકાલે આઝાદદિન, ઈન્ડિપેન્ડસ ડે અથવા સ્વતંત્રતા (સ્વાતંત્ર્ય) દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને સંબોધન કર્યું, અને આજે સવારે દિલ્હીમાં લાલકિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને ત્યાંથી દેશને વડાપ્રધાને સંબોધન કર્યું, તેની ચર્ચા પણ આજે દેશ-વિદેશમાં થઈ રહી છે, અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયેલા ધ્વજવંદનના કાર્યક્રમો દરમિયાન પણ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. આજે જામનગરનું જિલ્લાકક્ષાનું ધ્વજવંદન જામજોધપુરમાં યોજાયું હતું. દ્વારકાથી દિલ્હી સુધી બસ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ધૂમ મચી છે.
રાજનીતિને બાજુ પર મૂકીને વાત કરીએ, તો આપણો દેશ સ્વતંત્ર થયો, ત્યારથી જ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે, અને આવડા મોટા દેશમાં વિવિધતામાં એક્તા અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને પરંપરાઓ પણ જળવાઈ રહી છે. વખતોવખત દેશની જનતાએ જનાદેશો બદલીને કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પરિવર્તનો કર્યા છે, છતાં દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ અકબંધ રહ્યો છે. લોકતંત્ર હોવાથી મત-મતાંતરો હોય, પરંતુ દેશ પર જ્યારે જ્યારે આફત આવી છે, ત્યારે ત્યારે આખો દેશ બધા મતભેદો ભૂલીને એકજુથ થઈ જાય છે, તે આપણે આઝાદી પછી લડેલા યુદ્ધો તથા કુદરતી આફતો સહિતના પડકારોના સમયે અનુભવ્યું જ છે ને?
આજના ગરિમામય દિવસે આપણે સ્વાભાવિક રીતે જ નવી આશાઓ, અપેક્ષાઓ તથા દેશનો ડંકો આખી દુનિયામાં વાગે, તેવા સપનાઓ સેવીએ, અને પ્રવર્તમાન પડકારો સામે વિજય મેળવીને આપણો દેશ પ્રગતિની હરણફાળ ભરે, તમામ વિટંબણાઓ દૂર થાય અને પ્રત્યેક દેશવાસીને સ્વસ્થ અને સુખી જિંદગી મળે, તેવી મંગલ કામનાઓ કરીએ.
એવા અહેવાલો હતાં કે સ્વાતંત્ર્ય પર્વે આતંકી હુમલાઓનો ખતરો હોવાથી એલર્ટ અપાયું છે. આપણે અપેક્ષા રાખીએ કે આ સ્થિતિમાંથી બહાર આવીએ, અને એવો સમય પણ આવે, જ્યારે આપણાં દેશના સ્વાતંત્ર્ય પર્વો પર કોઈ એલર્ટ આપવા ન પડે, કોઈ ખતરો નહોય, આપણાં દેશ સામે ઊંચી આંખ કરીને જોવાની કોઈ હિંમત જ ન કરે!
આતંકવાદ જ્યાંથી વકર્યો, તે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દીધી, પરંતુ આતંકી હુમલાઓ સતત થતા રહે છે અને તેના ખતરાની ઘંટડી દેશની રાજધાની સુધી વગડતી રહે છે. એવું ઈચ્છીએ આતંકવાદનો અંત આવે, અને દેશમાં પૂર્વવત સ્નેહ, પ્રેમ, ભાઈચારો અને અહિંસા-માનવતાની ભાવનાઓ પ્રસરે. જમ્મુ-કાશ્મીર પહેલાની જેમ પૃથ્વી પરનું સ્વર્ગ બને અને દુશ્મનો પરાસ્ત થાય...
જો આતંકવાદ પનપતો જ રહેવાનો હોય અને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર ભયના ઓથાર હેઠળ રહેવાનું હોય, એટલું જ નહીં, રોજ-બ-રોજ આપણાં વીર જવાનો અને સેનાના અધિકારીઓ શહીદ થતા રહે, તો કલમ ૩૭૦ હટાવવાનો શું ફાયદો? તેવા સવાલો ઊઠાવનાર લોકોની ભાવના પણ સમજવી પડે, અને ખૂબ જ ઝડપથી જમ્મુ-કાશ્મીર સહિતના આતંકગ્રસ્ત વિસ્તારો ભયમુક્ત થાય, તેવું આજના પાવન પર્વે ઈચ્છીએ.
દેશ આઝાદ થયો ત્યારે આપણાં વડવાઓએ જે સપના સેવ્યા હોય, તે સાકાર થાય અને દેશવાસીઓને પ્રવર્તમાન વિવિધ પરેશાનીઓ અને સમસ્યાઓમાંથી ઝડપભેર મુક્તિ મળે, તેવી અભિલાષા રાખીએ...
ગાંધીજીએ સ્વાતંત્ર્ય મળ્યા પછી કહ્યું હતું કે, આપણો દેશ આઝાદ થયો, હવે તેને 'આબાદ' કરવાનો છે, તેને યાદ કરીને આજે પણ આ જ પ્રકારની અપેક્ષાઓ રાખવામાં આવતી હોય, તો આપણે બધાએ એ વિચારવું જોઈએ કે આઝાદી મળી તેને ૭પ વર્ષ થયા હોય અને અમૃત મહોત્સવ ઉજવાતો હોય, તેવા સમયે પણ આઝાદીકાળથી 'આબાદ' થવાની યાત્રા હવે ક્યારે પૂરી થશે?
દેશને આઝાદી અપાવવા અનેક દેભક્તોએ બલિદાનો આપ્યા છે. આજે સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અને આઝાદી પછી દેશની સુરક્ષા માટે શહીદી વ્હોરી લેનાર તમામ શહીદવીરો, પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરી દેનાર અને ઝઝુમનાર તમામ દેશભક્તો તથા તેઓના પરિવારોને સ્મરીયે અને તમામ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પીએ.
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર આજના ગરિમામય પર્વે 'નોબત'ના પ્રિય વાચકો, 'નોબત'ની વિવિધ સોશ્યલ મીડિયા મારફત અપાતી સેવાઓ તથા વીડિયો સમાચાર વગેરેના દર્શકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત દેશ-વિદેશમાં વસવાટ કરતા તમામ ભારતીયોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવે છે... 'અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં... સર કટા શકતે હૈ લેકિન સર ઝુકા શકતે નહીં...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial